આણંદ, તા.17
ચરોતર પંથક સુખી અને સમૃદ્ધ પ્રદેશ છે, જ્યાંથી મોટી સંખ્યામાં લોકો પરદેશમાં જઇને સ્થાયી થયા છે. જેનો શ્રેય ડી.એન.હાઇસ્કૂલ જેવી શૈક્ષણિક સંસ્થાઓ અને વલ્લભ વિદ્યાનગરના ફાળે જાય છે. વિદ્યાની નગરી વલ્લભ વિદ્યાનગરની સ્થાપનાનો પાયો આણંદમાં અંબાલાલ બાલાશાળામાં નંખાયો હતો. ભાઇકાકા અને ભીખાભાઇએ અંબાલાલ બાલશાળામાં વલ્લભ વિદ્યાનગરની રચનાના નકશા તૈયાર કર્યા હતા. એમ મોગરી સ્થિત અનુપમ મિશનના સંત ભગવંત સાહેબે આણંદ સ્થિત ડી.એન.હાઇસ્કૂલમાં ગુરુવંદના કાર્યક્રમ અંતર્ગત ભૂતપૂર્વ વિદ્યાર્થીઓના સ્નેહમિલનમાં જણાવ્યું હતું.
ડી.એન.હાઇસ્કૂલના જ પૂર્વ વિદ્યાર્થી એવા સંત ભગવંત જશભાઇ સાહેબે જણાવ્યું કે અમને વિઠ્ઠલકાકા, ઇશ્વરભાઇ, ઓચ્છવલાલ જેવા શિક્ષકો મળ્યા, જેઓનું જીવન અદ્દભૂત હતું. તેમના જીવનનો પ્રભાવ આપોઆપ વિદ્યાર્થીઓના જીવન પર પડતો હતો. શાસ્ત્રોમાં કહેવાયું છે કે ગુરુઓનું મૌન પણ વ્યાખ્યાન બની જતું હોય છે, એવા ગુરુઓ મળ્યા જે બોલે નહીં તો પણ ઉપદેશ મળી જાય. ભારતમાં જેના કારણે શ્વેતક્રાંતિ આવી તે અમૂલ ડેરીના સ્થાપક ત્રિભુવનદાસ પટેલ પણ ડી.એન.સંકુલના વિદ્યાર્થી હતા. શાળા-મહાશાળાઓના પ્રાણ શિક્ષકો છે.
ચરોતર એજ્યુકેશન સોસાયટીના મંત્રી કેતનકુમાર પટેલે શૈક્ષણિક પ્રવૃત્તિઓ ઉપરાંત શિક્ષણેતર પ્રવૃત્તિઓ અને સંસ્થાની વહીવટી પ્રવૃત્તિઓનો વિગતે અહેવાલ આપ્યો હતો. વિશેષમાં તેમણે જાહેરાત કરી હતી કે, આવતા વર્ષથી લૉ કૉલેજ પણ સંસ્થા દ્વારા ચાલુ કરવામાં આવશે.
આ પ્રસંગે ધારાસભ્ય યોગેશ પટેલ, પૂર્વ વિદ્યાર્થીઓ જશવંતસિંહ સોલંકી, નરેન્દ્રભાઇ પટેલ યુએસએ, ડૉ.રમણ પટેલ તથા હર્ષદભાઈ પટેલ, આણંદ જિલ્લા ભાજપ પ્રમુખ રાજેશ પટેલ, અનુપમ મિશનના સંત પીટરભાઇ, શ્વેતલ પટેલ, પ્રજ્ઞેશ પટેલ, જનક પટેલ સહિત અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.