યુવકની લાશના ખિસ્સામાંથી મળેલી ચિટ્ઠી ડોક્ટરે પોલીસને આપતા પોલીસે પરિવારને શોધી કાઢ્યો
કોર્પોરેટર શ્રીરંગ આયરે અંતિમ સંસ્કારની સામગ્રી તથા કૈલાશ રથ લઇને પરિવારની મદદે પહોંચ્યાં

પ્રતિનિધિ વડોદરા તા.9
વડોદરાના ગોરવા વિસ્તારમાંથી બે દિવસ પહેલા બિનવારસી હાલતમાં અજાણ્યા યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો. લાશનું પીએમ કરતા ડોક્ટરને ખિસ્સામાંથી ચિઠ્ઠી મળતા તેમા લખેલા સરનામાના આધારે પોલીસે પરિવારને શોધી કાઢ્યો હતો. માતાને ગોત્રી હોસ્પિટલમાં લઇ જતા પુત્રના મૃતદેહને 25 વર્ષ બાદ પણ જોતા ઓળખી કાઢ્યો હતો. દીકરો 25 વર્ષે મૃત હાલતમાં મળતા માતા સહિતના પરિવારના સભ્યોએ ભારે રોકકળ મચાવતા હોસ્પિટલ સંકુલમાં ગમગીની છવાઇ ગઇ હતી.
વડોદરા શહેરના ગોરવા વિસ્તારમાં આવેલા દશા માતાજીના મંદિર પાસેથી બે દિવસ અગાઉ બિનવારસી હાલતમાં એક યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો. ગોરવા પોલીસે મૃતદેહનો કબજો મેળવીને તેનું ગોત્રી હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ કરાવવા માટે ખસેડયો હતો. ત્યાં પોસ્ટમોર્ટમ કરતી વેળા વિભાગના વડા ડો.હિતેશ રાઠોડને મૃતકના ખિસ્સામાંથી એક ચિઠ્ઠી મળી હતી. જેમાં મૃતકના ઘરનું સરનામું લખેલું હતું. ડોક્ટરે ચિઠ્ઠી ગોરવા પોલીસને આપી હતી. ચિઠ્ઠીમાં દર્શાવેલા સરનામાના આધારે પોલીસે ગોરવા વિસ્તારમાં યુવકના પરિવારને શોધી કાઢ્યો હતો. ત્યારે જાણવા મળ્યું હતું કે મૃતક યુવક 25 વર્ષથી ગુમ થયો હતો. તેનું શૈલેન્દ્રભાઈ પંચાલ છે. માતા સહિતના પરિવારનો ગોત્રી હોસ્પિટલમાં લઇ જતા તેઓએ મૃતદેહ તેમના પુત્રનો હોવાનુ જણાવ્યું હતું. 25 વર્ષે પુત્ર મળ્યો એ પણ મૃત હાલતમાં જેને લઇને માતા ધર્મિષ્ઠાબેન અને પરિવારજનો ભારે આક્રંદ વ્યક્ત કર્યો હતો અને સમગ્ર પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો છે. કાઉન્સિલર શ્રીરંગ રાજેશ આયરેને આ ઘટનીની જાણ થતાં કૈલાશ રથ લઈને ગોત્રી હોસ્પિટલ પહોંચ્યા હતા અને અંતિમ સંસ્કાર માટેની તમામ ચીજ વસ્તુઓ પૂરી પાડી પરિવારને સહારો આપ્યો હતો. યુવક વર્ષો પહેલા ખાનગી કંપનીમાં નોકરી માટે ગયો હતો. જોકે નોકરી પરથી તે ઘરે પરત ફર્યો ન હતો. ત્યારબાદ તેની ખૂબ શોધખોળ કરી હતી પરંતુ તેનો કોઈ અતો પતો લાગ્યો ન હતો. હવે પુત્ર મળતા ત્યારે તેનો મૃતદેહ હાથમાં છે. જેને લઇને રોકકડ મચાવી હતી.