વાઘોડિયા તાલુકા પંચાયતે ગ્રામજનોનો હોબાળો
ગ્રામસભામાં સર્વાનુમતે ઠરાવ છતાં કામ અટકાવ્યાનો આક્ષેપ
ખોટી અરજીઓ અને આક્ષેપોથી વિકાસ અટકતો હોવાની ગ્રામજનોની ફરિયાદ
વાઘોડિયા::
વાઘોડિયા તાલુકા પંચાયત કચેરી ખાતે ગુતાલ ગ્રામ પંચાયતના પેટાપુરા ભરવાડિયાપુરા ગામના ગ્રામજનોએ આજે ભારે હોબાળો મચાવ્યો હતો. ગામના તળાવની સાફસફાઈ અને ઊંડું કરવાની માંગ સાથે 150થી વધુ મહિલા અને પુરુષો તાલુકા પંચાયત કચેરીએ પહોંચ્યા હતા અને ઉગ્ર સુત્રોચ્ચાર કર્યા હતા.
મળતી માહિતી મુજબ, ગુતાલ ગ્રામ પંચાયતના સરપંચ દ્વારા ગ્રામસભામાં સર્વાનુ મતે ભરવાડિયાપુરા ગામના તળાવની સાફસફાઈ તથા ઊંડાણ માટે ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો. પંચાયત દ્વારા તળાવમાં ઉગેલા જંગલી ઝાડીજાંખરા સાફ કરવાની કામગીરી શરૂ કરાતાં ગામના કેટલાક શખ્સોએ ખોટા આક્ષેપો સાથે અરજી કરી કામ અટકાવવાનો પ્રયાસ કર્યો હોવાનું ગ્રામજનોએ જણાવ્યું છે. આ ખોટી અરજીઓના કારણે તળાવનું કામ બંધ થતા ગ્રામજનોમાં ભારે રોષ ફેલાયો હતો. ગ્રામજનોએ તળાવ ખાતે એકત્ર થઈ “હવનમાં હાડકા ના નાંખો”, “અમારા ગામનું તળાવ સાફ કરવા દો” જેવા નારા લગાવ્યા હતા.

ગંદકી, કચરો અને ઝાડીજાંખરાનું સામ્રાજ્ય
તળાવ પુરાઈ ગયું, કોઈ પણ ઉપયોગ માટે અયોગ્ય બન્યું
ગ્રામજનોએ જણાવ્યું કે ભરવાડિયાપુરાનું તળાવ હાલ ગંદકી, કચરો અને જંગલી વેલોથી સંપૂર્ણપણે ઢંકાઈ ગયું છે. તળાવ પુરાઈ જતાં હવે તે સિંચાઈ, પીવાના પાણી, પશુપાલન કે ઘરગથ્થુ ઉપયોગ માટે પણ અયોગ્ય બની ગયું છે. ચોમાસા દરમિયાન તળાવમાં ઉગેલી વેલોમાં કોઈ વ્યક્તિ ફસાઈ જાય તો જીવલેણ જોખમ પણ ઊભું થઈ શકે છે.
તાલુકા વિકાસ અધિકારીને લેખિત રજૂઆત
દખલગીરી કરી તાત્કાલિક તળાવ સાફ કરાવવાની માંગ
ગ્રામજનોએ વાઘોડિયા તાલુકા પંચાયત કચેરીમાં A-TDOને મૌખિક તથા લેખિત અરજી આપી તાત્કાલિક દખલગીરી કરી તળાવની સાફસફાઈ અને ઊંડાણ કરાવવાની માંગ કરી હતી. ગ્રામજનોએ જણાવ્યું કે ગ્રામ પંચાયતની ચુંટણી બાદથી ગામમાં વિકાસના કામોને લઈને વારંવાર વિવાદ થતા હોવાથી મહત્વના વિકાસકાર્યો અટકી રહ્યા છે.
સમસ્ત ભરવાડિયાપુરા ગામલોકોએ તળાવને લોકઉપયોગી બનાવવાની એકમાત્ર માંગ સાથે પોતાની વ્યથા તાલુકા કચેરીએ વ્યક્ત કરી હતી.