સાંસદ ડો. હેમાંગ જોશીએ વડોદરાના લાલાઓ સામે એક્શન લેવા રજૂઆત કરી
વડોદરા: ગુજરાતના ચાર મુખ્ય મહાનગરો — અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટ સહિત સમગ્ર રાજ્યમાં ગેરકાયદે વસવાટ કરતાં બાંગ્લાદેશી ઘૂસણખોરો વિરુદ્ધ સરકાર દ્વારા મેગા ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. ખાસ કરીને અમદાવાદના ચંડોળા તળાવ વિસ્તારમાં તંત્રે જાણે કે ઘૂસણખોરોના અડ્ડા પર સીધો હુમલો કરી દીધો હોય તેવો ડિમોલિશન ડ્રાઈવ શરૂ કરી છે. અહીં અત્યાર સુધીમાં 500 જેટલા મકાનો અને ઝૂપડાં તોડી પાડવામાં આવ્યા છે. સૌથી વધુ ચર્ચામાં રહ્યો છે લલ્લા બિહારી, તેના ગેરકાયદે ફાર્મ હાઉસને તંત્રે જમીનદોસ્ત કરી દીધું છે. એ ફાર્મ હાઉસમાં તમામ આધુનિક સુવિધાઓ જેવી કે મીની સ્વિમિંગ પુલ, ફુવારો, ગાર્ડન અને એસી રૂમ્સ હતાં. લલ્લા બિહારી બાંગ્લાદેશી ઘૂસણખોરોને આશરો આપતો અને ગેરકાયદે ફાઇનાન્સિંગ કરતો હોવાના આક્ષેપો છે.
અમદાવાદમાં થયેલી કાર્યવાહી બાદ હવે વડોદરાના સાંસદ ડૉ. હેમાંગ જોશીએ પણ આકરું વલણ અપનાવ્યું છે. તેમણે સોશિયલ મીડિયા પર વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનને ટેગ કરી એવી જ કાર્યવાહી વડોદરામાં પણ થાય તેવી લાગણી વ્યક્ત કરી છે. તેમનું સ્પષ્ટ સંકેત હતું કે શહેરમાં પણ કેટલાક ‘લલ્લાઓ’ છે, જે વિરોધ પક્ષની દયા હેઠળ ગેરકાયદે પ્રવૃત્તિઓ ચલાવી રહ્યાં છે. ડૉ. જોશીની આ એગ્રીસિવ પોઝિશનના અનુસંધાને શહેરના તંત્રની ગતિવિધિ પર નજર રાખવી મહત્વપૂર્ણ બની છે. શું હવે વડોદરામાં પણ ચંડોળાની જેમ બુલડોઝર ચાલશે? શું સ્થાનિક તંત્ર રાજકીય દબાણોને અવગણીને કડક પગલાં ભરી શકે છે? આ મુદ્દે હવે ગણતરીના દિવસોમાં મોટું પગલું લેવાશે તેવી શકયતા છે. એક વાત તો સ્પષ્ટ છે કે ગુજરાત સરકાર હવે ગેરકાયદે પ્રવૃત્તિઓ સામે ‘ઝીરો ટોલરન્સ’ નીતિ પર કાર્યરત છે.
વડોદરામાં ગેરકાયદે દબાણો સામે સાંસદ ડૉ. હેમાંગ જોશીનું તીવ્ર વલણ
સમગ્ર મામલે ડૉ હેમાંગ જોશીએ કહ્યું, કે વડોદરામાં પણ કેટલાક વિપક્ષી પાર્ટીઓના સહારે ગેરકાયદે દબાણો છે તે દૂર થવા જોઈએ. શહેરમાં કેટલાક આવા દબાણો છે તે વિશેની જાણકારી મે આજે શહેર પોલીસ કમિશ્નર અને વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનને આપી છે અને આગામી સમયમાં આવા દબાણો પર કાર્યવાહી થવી જોઈએ.