- ગુજરાતના લીધે આમ આદમી પાર્ટીને રાષ્ટ્રીય પાર્ટી તરીકેનો દરજ્જો મળ્યો છે
- આમ આદમી પાર્ટી દ્વારા ચૂંટણી પ્રચાર વડોદરાથી લોન્ચ કરાયો
આમ આદમી પાર્ટીએ ઇન્ડિયા એલાયન્સમાં ગુજરાતમાંથી બે બેઠકો ઉપર પોતાના ઉમેદવારોને ઉભા રાખ્યા છે ત્યારે પાર્ટી દ્વારા વડોદરાથી ચૂંટણી પ્રચારનો પ્રારંભ કરવામાં આવ્યો. આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન વડોદરા આવી પહોંચ્યા હતા અને કાર્યકરોને સંબોધી બે બેઠક આમ આદમી પાર્ટીને જીતાડવા કામે લાગી જવા આહવાન કર્યું હતું
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન વડોદરા પહોંચ્યા હતા જ્યાં રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે જણાવ્યું હતું કે ગુજરાતના કારણે અમને રાષ્ટ્રીય પાર્ટી તરીકેનો દરજ્જો મળ્યો છે. 14 ટકા વોટ પ્રથમ વખતમાં જ મળવા એ ખુબ મોટી વાત કહેવાય. આમ આદમી પાર્ટી જયારે કેન્દ્રમાં પોતાની સરકાર બનાવશે ત્યારે ગુજરાતનું નામ સુવર્ણ અક્ષરે લખાશે. તેઓ જણાવ્યું હતું કે ગુજરાતના ભાજપાના સાંસદોને સંસદભવનમાં બોલવાનો કોઈ અધિકાર નથી ટોને દબાવી દેવામાં આવે છે. આમ આદમી પાર્ટીના બે ઉમેદવારોને જીતાડીને દિલ્હી મોકલો પછી એક પણ દિવસ એવો નહિ હોય જેમાં ગુજરાતની વાત ન થાય. ચૈતર વસાવા ઝૂક્યા નથી અને અમારી પાર્ટીમાં છે તેનું અમને ગૌરવ છે.
પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને જણાવ્યું હતું કે ગુજરાતે આમ આદમી પાર્ટીને ઘણું આપ્યું છે. જો આ બે સાંસદો આપશે તો ગુજરાત એ આમ આદમી પાર્ટી માટે ઇન્ડિયા ગેટ બની જશે.