Comments

ગુજરાતના ઉદ્યોગોને ફાયર સેફટી સર્ટીફિકેટ કોણ આપશે

ગુજરાત ફાયર પ્રિવેન્શન લાઈફ સેફટી મેઝર્સ રૂલ્સ ૨૦૧૪ મુજબ ઉદ્યોગ ગૃહોનો સમાવેશ ના થતો હોય ઉદ્યોગ ગૃહો માટે NOC ઈસ્યુ કરનાર કોઈ સત્તાધિકારી નથી, છતાં સરકારના વિવિધ વિભાગ દ્વારા NOC/ફાયર સેફ્ટી સર્ટિફિકેટ અંગે દબાણ કરાતું હોય તો તે કેટલું યોગ્ય છે? રાજકોટ ખાતે ગેમઝોનમાં બનેલા અગ્નિતાંડવને લીધે ૨૭ વ્યક્તિઓનાં દુઃખદ મૃત્યુની ઘટના બાદ ગુજરાત સરકારનું તંત્ર સફાળું જાગી ઊઠ્યું છે.

ગુજરાત સરકારના વિવિધ વિભાગોના અધિકારીઓ દ્વારા સમગ્ર ગુજરાતમાં ઠેકઠેકાણે પ્રોપર્ટી સિલીંગની કામગીરી ચાલી રહી છે. પ્રજાતંત્ર જાગૃત થતાં થોડે અંશે આ સિલીંગની કામગીરીમાં રાહત મળવાના સમાચારો સાંભળવા મળી રહ્યા છે અને કામગીરી થોડી ધીમી કરવામાં આવી છે તેમજ સિલ કરેલી મિલકતોને ધીરે ધીરે બાંહેધરીપત્રકો લઇ ખોલી આપવામાં આવી રહી છે.

પરંતુ સળગતો પ્રશ્ન ગુજરાતનાં ઔદ્યોગિક એકમોનો છે. ગુજરાતનાં ઔદ્યોગિક એકમોમાં ટાઉન પ્લાનિંગ અને અર્બન ડેવલપમેન્ટ વિભાગના તા.૦૮/૦૭/૨૦૨૧ ના ગુજરાત ફાયર પ્રિવેન્શન અને લાઈફ સેફટી એક્ટના ઠરાવ અન્વયે ફાયર NOC/ફાયર સેફટી સર્ટિફીકેટ મેળવવામાંથી મુક્તિ અપાઈ છે. જેથી આ તારીખ બાદ ગુજરાતનાં તમામ ઔદ્યોગિક એકમોને ફાયર NOC આપનાર કોઈ સત્તાધિકારી ના હોઈ ફાયર NOC આપવામાં આવતી નથી કે મેળવી શકાતી નથી. આ અંગેના ગુજરાત સરકારના વિભાગો વચ્ચે સંકલનના અભાવે આમ છતાં જુદા જુદા વિભાગોનાં અધિકારીઓ દ્વારા NOC અંગે સતત માંગણી કરવામાં આવે છે અને વારંવાર સિલ કરવા સુધીની ધમકીઓ આપવામાં આવે છે.

ઔદ્યોગિક એકમો માટે સલામતીવિષયક ગુજરાત સરકારના બે વિભાગો બે કાયદા હેઠળ સત્તાધિકારી ધરાવે છે. જે પૈકી ડાયરેક્ટર ઇન્ડસ્ટ્રીયલ સેફટી એન્ડ હેલ્થ ડિપાર્ટમેન્ટ કારખાના ધારા ૧૯૪૮ અને તે અન્વયે ઘડાયેલા નિયમો અંગેની કાર્યવાહી કારખાના ધારા હેઠળ નોંધણી થયેલા કારખાનાંઓમાં જ સત્તાધિકારી ધરાવે છે. આ કાયદા હેઠળ અગ્નિ સુરક્ષા અંગે ફક્ત પ્રાથમિક કક્ષાની જોગવાઈ કરવામાં આવે છે. જયારે ડાયરેકટર ફાયર અને ઈમરજન્સી સર્વિસીસ ડિપાર્ટમેન્ટ ગુજરાત ફાયર પ્રિવેન્શન એન્ડ લાઈફ સેફટી મેઝર્સ ૨૦૧૩, તે અંગે ઘડાયેલા નિયમો ૨૦૧૪, ૨૦૧૬ રેગ્યુલેશન અને વારંવાર કરવામાં આવેલા સુધારા અંગેની વિવિધ જોગવાઈઓનું પાલન કરવાની સત્તા ધરાવે છે.

ગુજરાત ફાયર પ્રિવેન્શન લાઈફ સેફટી મેઝર્સ રૂલ્સ ૨૦૧૪ ના નિયમ ૨૦૧૪
હેઠળના થર્ડ શેડ્યુલના તારીખ ૨૨ જાન્યુઆરી ૨૦૨૧ થી ૭ જુલાઈ, ૨૦૨૧ સુધી રહેણાંક, હોટેલ, રેસ્ટોરન્ટ, સિનેમા ગૃહ, મોલ, હોસ્પિટલ, સ્કૂલ, સ્ટોરેજ, કોમર્શિયલ બિલ્ડિંગ, વ્યાપારી ગૃહ તથા ઉદ્યોગ ગૃહોને NOC લેવાનું- આપવાનું ફરજિયાત હતું. પરંતુ ટાઉન પ્લાનિંગ અને અર્બન ડેવલપમેન્ટ વિભાગના તા. ૦૮.૦૭.૨૦૨૧ ના ઠરાવના થર્ડ શેડ્યુલમાંથી ઔદ્યોગિક ગૃહોને બાકાત રાખતા NOC ફાયર સેફટી સર્ટિફિકેટ મેળવવાની જરૂરિયાત રહેતી નથી, કારણ કે ગુજરાત ફાયર પ્રિવેન્શન લાઈફ સેફટી મેઝર્સ રૂલ્સ ૨૦૧૪ ના નિયમ ૨૦૧૪ થર્ડ શેડ્યુલમાંથી ઉદ્યોગ ગૃહોનો સમાવેશ ના હોઈ ઉદ્યોગ ગૃહો માટે NOC ઈસ્યુ કરનાર કોઈ સત્તાધિકારી નથી. આમ છતાં ગુજરાત સરકારના વિવિધ વિભાગના અધિકારીઓ / કર્મચારીઓ NOC/ફાયર સેફ્ટી સર્ટિફિકેટ અંગે દબાણ ઊભું કરી રહ્યા છે. ઉદ્યોગ ગૃહો સિવાય તમામ બિલ્ડિંગોએ NOC મેળવવી ફરજીયાત છે. ઉદ્યોગ ગૃહોએ પણ પોતાના ઉત્પાદિત માલને વિદેશમાં મોકલવા માટે ફાયર સેફ્ટી સર્ટિફિકેટની જરૂરિયાત હોય છે. છતાં ફાયર સેફ્ટી સર્ટીફીકેટ ન મળવાના કારણે પારાવાર મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે.

જુલાઈ ૨૦૨૧ પછી મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં ૨૫ કરતાં વધારે ગંભીર પ્રકારના કહી શકાય તેવા અકસ્માતોને કારણે આગના બનાવ બને છે અને આશરે ૧૫૦ જેટલાં માનવીઓએ જીવ ગુમાવ્યા છે. આશરે ૨૦૦૦ કરોડ રૂપિયા જેટલી માલ- મિલકત નષ્ટ થઈ છે અને પર્યાવરણને પારાવાર નુકસાન થયું છે. સેફટી સર્ટીફીકેટ કે NOC મેળવી શકાતી ન હોય કે આપનાર કોઈ સત્તાધિકારી ન હોય અમુક ઔદ્યોગિક એકમો રાહત અનુભવી રહ્યાં છે પરતું ઘણાં ઔદ્યોગિક એકમો આ ફાયર સેફટી સર્ટીફીકેટ ન મળવાને કારણે પારાવાર નુકસાન પણ ભોગવી રહ્યાં છે.

NOC ફાયર સેફટી સર્ટીફીકેટ ન હોવાને કારણે ઔદ્યોગિક ગૃહો પોતાના પ્રીમાઈસીસમાં અગ્નિશામક સાધનો યોગ્ય માત્રામાં લગાડવામાં પણ આનાકાની કરી રહ્યા છે, જેથી સત્વરે ગુજરાતના ઉદ્યોગોના હિતને અને કામ કરતાં શ્રમયોગીઓના જાન-માલના રક્ષણ માટે સૌ પ્રથમ નિયમ મુજબ સાધન સામગ્રી ફીટીંગ કરાવી નિષ્ણાત વ્યક્તિ પાસે ઇન્સ્પેક્શન કરાવી ફાયર એડીકેવેસી રિપોર્ટ મેળવી શકો છો. આમ, સમગ્રતયા રાજ્ય સરકારનું વહીવટીતંત્ર ઔદ્યોગિક એકમો પ્રત્યે અસંવેદનશીલ તેમજ નિષ્ક્રિય બની કામગીરી કરી રહ્યું છે. જો કોઈ ઔદ્યોગિક એકમમાં આગ લાગવાનો ભયંકર બનાવ બનશે તો તેના માટે જવાબદારી કોની? અને આ પ્રશ્નનો ઉત્તર મળવો મુશ્કેલ છે.

ઔદ્યોગિક એકમોમાં જરૂરિયાત મુજબનાં ગુણવત્તાયુક્ત અગ્નિશામક સાધનો લગાડવામાં આવે,તેને નિભાવવામાં આવે અને તેને પ્રમાણભૂત રૂપે ફાયર સેફટી સર્ટીફીકેટ (NOC) અંગે ફરી ગુજરાત ફાયર પ્રિવેન્શન અને લાઈફ સેફટી રુલ નંબર ૧૪ ના થર્ડ શિડયુલમાં ઔદ્યોગિક ગૃહોનો સમાવેશ કરવામાં આવે તો જ ગુજરાત “સલામત ગુજરાત અને વિકસિત ગુજરાત”ની સુફિયાણી વાતો નક્કર કામગીરીમાં પરિવર્તિત થશે.
લક્ષ્મણભાઈ ડુંગરાણી
નિવૃત-નાયબ નિયામક ઔદ્યોગિક સલામતી અને સ્વાસ્થ્ય
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top