Comments

ગુજરાતના આધુનિક ઈતિહાસકાર ડૉ. મકરન્દ મહેતા

ગુજરાતમાં આધુનિક ઈતિહાસકારોમાં મોખરાનું સ્થાન ધરાવતાં ડૉ. મકરન્દ મહેતા. ઈતિહાસકાર મકરન્દ મહેતાનો જન્મ ૨૫મી મે, ૧૯૩૧ના રોજ અમદાવાદના નાગર બ્રાહ્મણ પરિવારમાં થયો હતો. મહેતા સાહેબે વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાંથી ઈતિહાસ વિષયમાં બી.એ. અને એમ.એ.ની પદવીઓ મેળવી હતી. વૈકલ્પિક વિષય તરીકે રાજયશાસ્ત્રમાં પશ્ચિમના રાજકીય તત્ત્વચિંતનનો ઈતિહાસ પસંદ કર્યો હતો. તેમણે પેન્સિલ્વેનીયા યુનિવર્સિટીમાં ફરી એમ.એ.ની ઉપાધિ મેળવી હતી. ગુજરાત યુનિવર્સિટીમાં પીએચ.ડી.નો અભ્યાસ પૂર્ણ કર્યો હતો.

જાણીતા ઈતિહાસકારોમાં પ્રથમ હરોળમાં સ્થાન પામેલા ડૉ. મકરન્દ મહેતા યુનિવર્સિટીના સ્કૂલ ઑફ સાયન્સિસમાં ઈતિહાસ વિભાગમાં નેતૃત્વ કર્યું હતું. તેઓ ગુજરાત ઈતિહાસ પરિષદ, ગુજરાત વિદ્યાસભા, દર્શક ઈતિહાસનીધિ, ઈન્ડિય હિસ્ટ્રી કૉંગ્રેસ વગેરે જેવી અગ્ર સંસ્થાઓ સાથે સંકળાયેલા હતા. તેમના સંશોધન થયેલા લેખો રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સામયિકો અને જર્નલોમાં પ્રસિધ્ધ થયા છે. ગુજરાતનાં એક અખબારમાં તેમણે ગુજરાતમિત્રમાં તેમણે દક્ષિણ ગુજરાતને સાંકળીને રાજકીય, સામાજિક અને ઐતિહાસિક લેખો લખ્યા છે. ‘ગુજરાતનો દરિયો’, ‘ગુજરાતનો રજવાડી વારસો’, ‘ગુજરાતના સંદર્ભમાં હિંદુ વર્ણવ્યવસ્થા’, ‘સમાજ પરિવર્તન અને ગુજરાતના દલિતો’, ‘દક્ષિણ ગુજરાતનું લોકજીવન, નેતાઓ અને સમાજ પરિવર્તન’વગેરે જેવા ર૦થી વધુ પુસ્તકો લખ્યા છે.

ઈતિહાસકાર મકરન્દ મહેતાએ કચડાયેલા અને પીડાયેલા સમાજને કેન્દ્રમાં રાખીને ઈતિહાસ લખાયો તેમાં પાયાનું કામ કરનાર ડેવીડ હાર્ડીમન અને મકરન્દ મહેતા સાહેબનું સ્થાન મોખરાનું છે. દક્ષિણ ગુજરાત સાથે મહેતાનો સાહેબનો પુરાણો નાતો છે. દક્ષિણ ગુજરાતના કોળીઓ, પાટીદારો, દલિતો, આદિવાસીઓ વગેરેના સમાજના રાજકીય અનેસામાજિક પ્રદાનના ઈતિહાસને ઉજાગર કર્યો છે. તેમણે ‘દક્ષિણ ગુજરાતનું લોકજીવન, નેતાઓ અને સમાજ પરિવર્તન’ પુસ્તક ગુજરાતના જાણીતા ઈતિહાસવિદ્ ગોધરા કૉલેજના નિવૃત્ત આચાર્યશ્રી બી.એન. ગાંધી અને સૂરતના ઈતિહાસ સંશોધક ડૉ. પિયુષ અંજીરીયાને અર્પણ કર્યું છે.

ઈતિહાસકાર મહેતા સાહેબે સુરતના સુપ્રસિધ્ધ ગુજરાતમિત્ર વર્તમાનપત્રમાં કોલમ સ્વરૂપે દક્ષિણ ગુજરાતના રાજકીય અને સામાજિક ઈતિહાસને ઉજાગર કરતાં અસરદાર લેખો લખ્યા છે. ઈતિહાસકાર મહેતા સાહેબે નર્મદના સામાજિક સુધારાને ગાંધીજીના ‘સામાજિક પરિવર્તન’અને ‘સોશિયલ વર્ક’ તરીકે રજૂ કર્યા છે. ગાંધીજી સાથે દક્ષિણ આફ્રિકાની લડતમાં સાથ આપનાર દક્ષિણ ગુજરાતના કોળીઓ પટેલો, અનાવિલો, પાટીદારો, મુસલમાનો અને પારસીઓ હતા. આઝાદીની લડતમાં ગાંધીજીની સાથે દક્ષિણ ગુજરાતના અગ્ર રાષ્ટ્રવાદી નેતાઓ જોડાયા હતા. મહેતા સાહેબે આ સાથે જ દક્ષિણ ગુજરાતના ઈતિહાસ પર પ્રકાશ પાડયો છે.

મકરન્દ મહેતા સાહેબના પત્ની ડૉ. શિરીન મહેતા પણ ઉચ્ચકોટીના ઈતિહાસકાર છે. શિરીનબેન મહેતા અને ડૉ. મકરન્દ મહેતા રોજબરોજ ઈતિહાસ, રાષ્ટ્ર અને આંતરરાષ્ટ્રીય ઘટનાઓ અને વર્તમાન પ્રવાહો પર રસપ્રદ ચર્ચા કરતાં જાણે ગોષ્ઠી રચાતી હોય તેવો માહોલ જોવા મળ્યો છે. ઈતિહાસ પ્રત્યે સતત ચિંતન કરતા ઈતિહાસદંપતિએ તેમના લગ્નજીવનની ૬૭મી વર્ષગાંઠ ઉજવીને હજુ વધુ લાંબુ આયુષ્ય જીવવાની ઈચ્છા વ્યકત કરી હતી. પણ ભગવાનને ગમ્યું તે ખરું. ગુજરાતના જાણીતા ઈતિહાસકાર મકરન્દ મહેતાનું તા. ૧ સપ્ટેમ્બર, ૨૦૨૪ના રોજ ૯૩ વર્ષની વયે નિધન થયું છે. પ્રો. મહેતા સાહેબના નિધનથી ગુજરાતના ઈતિહાસ અને સાહિત્ય જગતમાં શોકનું મોજું ફરી વળ્યું છે. ઈતિહાસકાર તરીકે મકરન્દ મહેતાનું તેમના લેખો અને સંશોધનો દ્વારા ગુજરાતના ઈતિહાસમાં અમૃત સ્થાન રહેશે.

ડૉ.મકરંદ મહેતા ઈતિહાસને જરા જૂદી દ્રષ્ટિથી જોતા હતા અને વિતી બે  સદીનાં ઈતિહાસ સંદર્ભ માટે તેમણે સામાજીક, ઔધોગિક પ્રવૃતિને પણ મહત્વની લેખતા હતા. વર્તમાન ઈતિહાસનાં ગુજરાતનો સંદર્ભને સમજવા તેઓ સદા પ્રયત્નશીલ હતા. આ કારણે જ તેઓ ફક્ત ઈતિહાસનાં પુસ્તકો જ વાંચતા ન હતા, કવિતા અને નવલક્થા પણ વાંચતા હતા. ડાયસ્પોરા માટે પણ તેમણે ધણું કામ કર્યું અને વિદેશ ગયેલા ગુજરાતીઓ કઈ રીતે પોતાના સાંસ્કૃતિક સંદર્ભને જીવંત રાખી વિકસ્યા તે વિશે લખ્યું છે. મકરંદ મહેતાની વિદાય સાચેજ એક મોટા ઈતિહાસકારની વિદાય છે.
ડૉ. પિયુષ એસ. અંજીરીયા – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top