Charchapatra

ગીતા-જ્ઞાનથી લોકો નીતિવાન બને એ ભ્રમ છે

ગુજરાતની હાલની રાજય સરકારે આગામી સત્રથી શાળાઓમાં ભગવદ્ ગીતાનું શિક્ષણ આપવાનો ફતવો બહાર પાડયો છે. સરકાર એવું જણાવે છે કે ભગવદ્ ગીતાના શિક્ષણથી ભવિષ્યની પ્રજા ‘નીતિમાન’ બનશે! ઘણાંએ આ નિર્ણયની તરફદારી કરી છે. પરંતુ એ માન્યતા ખોટી છે કે ભગવદ્‌ ગીતાના શિક્ષણમાત્રથી પ્રજા નીતિવાન કે ચરિત્રવાન બનવા માંડે! જો આ રીતે ધાર્મિક ગ્રંથોના વાચન – પઠન કે શિક્ષણથી જ પ્રજા ચરિત્રવાન બનતી હોય તો આપણે ત્યાં સદીઓથી એ બધું  ચાલે જ છે. ઠેર ઠેર ભગવદ્‌ ગીતા – રામાયણ  કથા કીર્તન – સત્સંગ -પારાયણો થતાં રહે છે. છતાં પ્રજા નીતિવાન કે ચરિત્રવાન બની નથી એ આપણો અનુભવ છે. જેા એ રીતે લોકો ચરિત્રવાન બનતાં હોય તો નિયમિત ધર્મગ્રંથોનું પઠન – મનન કરનારો બ્રાહ્મણ સમાજ અને ધર્મગુરુઓ ૧૦૦ ટકા ચરિત્રવાન અને નીતિવાન હોવા જોઇએ પરંતુ એવું છે જ નહીં. ઉલ્ટું નિયમિત ધર્મગ્રંથોમાં રત લોકો ધર્મસ્થાનોના દાનના રૂપિયે લંપટ લીલાઓ કરે છે. ધર્મસ્થાનોની અઢળક સંપત્તિ માટે  ખૂન ખરાબાઓ કરાવે છે. આપણાં જ નહીં તમામ ધર્મસ્થાનોમાં દુરાચાર કેમ થાય છે? કારણકે ધર્મ માણસને કદી નીતિવાન કે ચારિત્રવાન  બનાવી શકતો નથી. આપણાં શાસકોમાં ઉત્તમ શાસન આપવાની  ત્રેવડ નથી તેથી નિતનવાં ગતકડાં શોધી પ્રજાને ભરમાવતા રહે છે. એ લોકો કાયદાનું શાસન સ્થાપી શકતા નથી. ધર્મગ્રંથો અને ધર્મનું આચરણ માત્ર માનવીના મનને શાંતિ આપે છે. પશ્ચિમના દેશોમાં ૯૦ ટકા પ્રજા નીતિવાન છે જયારે આપણાં ધાર્મિક દેશમાં ૯૦ ટકા ચોર – ઉચકકા – બેઇમાનો – ઢોંગીઓ કેમ પાકે છે? ધાર્મિક શિક્ષણના બદલે બાળકોને પર્યાવરણ – અવકાશ – વિજ્ઞાન – ડિઝાસ્ટર મેનેજમેન્ટ – કલાઇમેટ ચેન્જ જેવા વિષયો શીખવવાની જરૂર છે.
સુરત     – જીતેન્દ્ર પાનવાલા           – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top