ગીતાવિવાદ-સંવાદ

બેકગ્રાઉન્ડમાં ચોતરફ શંખનાદ થઈ રહ્યો છે. આરતીનાં મશીનો એકધારા સૂરતાલમાં યાંત્રિક સંગીત પેદા કરી રહ્યાં છે. ઘોડાઓનો હણહણાટ અને શસ્ત્રોનો ખણખણાટ વાતાવરણમાં ગુંજી રહ્યો છે, એવું ધારી લેવાનું છે. વિશાળ મેદાનની બંને બાજુએ સેનાઓ ખડકાયેલી છે. ભારતના વિકાસની જેમ તેના વિશે સંભળાય છે ઘણું પણ તે દેખાતી નથી. આ વાતાવરણમાં વચ્ચે શ્રીકૃષ્ણ અને અર્જુન તો ક્યાંથી હોય? ત્યાં છે એક ગુરુ અને એક ચેલો. દલપતરામની અંધેરી નગરીવાળી કવિતામાં આવતા હતા તેવા. ચેલો કળિયુગનો છે એટલે અર્જુનની જેમ ગુરુની સમક્ષ ઘૂંટણીયે પડ્યો નથી. આમ પણ તેને સાંધાનો દુખાવો શરૂ થઈ ચૂક્યો છે અને ઢાંકણીનું ઓપરેશન થોડા વખતમાં કરાવવું પડશે એવી આશંકા છે એટલે ઉત્તર પ્રદેશમાં ડિપોઝિટ ગુમાવનારા કોંગ્રેસ ઉમેદવારો જેમ હાઇકમાન્ડ સામે જોઈને ઊભા રહે તેમ શિષ્ય ગુરુ સામે જોઈ રહ્યો છે. ગુરુ વિચારે છે કે ઓપરેશન માટે તો એક ભક્તને કહેવાથી વ્યવસ્થા થઈ ચૂકી છે. ચેલાની પત્નીનો ગાર્મેન્ટ ડીઝાઇનનો વ્યવસાય પણ સેટ છે. એક છોકરો કેનેડા ગયો છે ને છોકરી કેનેડાની તૈયારી કરે છે. તો પછી ચેલો અપસેટ કેમ છે?

ગુરુઃ હે ભક્તરાજ… ચેલોઃ જુઓ હોં, તમને કહી દઉં છું ગુરુદેવ. તમારે મને જે કહેવું હોય તે કહેજો, સંસ્કૃત અપશબ્દોનો આખેઆખો શબ્દકોશ ઠાલવી દેશો તો તે હું સહી લઈશ પણ મને ભક્ત ન કહેતા કારણ કે, આજકાલ તે શબ્દનો અર્થ બદલાઈ ચૂક્યો છે. ગુરુઃ અરરરર… ચેલોઃ અને તમે આવું પણ ન કરશો કારણ કે એક સીરિયલનું સ્ત્રીપાત્ર આવી જ રીતે અરરરર….બોલતું હતું. ગુરુઃ હે શિષ્યવર્ય, તારી સાથે સંવાદ કરતી વખતે પરીક્ષા આપવા બેઠો હોઉં એવું કેમ લાગે છે? તું એક પછી એક સૂચનાઓ આપવાનું બંધ કરીને પહેલાં મારા સવાલનો જવાબ આપ. ચેલોઃ લો, બોલો. મને તો એમ કે હું તમને મારી મૂંઝવણ કહીશ અને તમે, મારા ગુરુ, મને તેનો ઉકેલ બતાવશો, જેમ અભ્યાસ વખતે ટ્યુશનમાં તમે મને IMP આપતા હતા.

ગુરુઃ (ઊંડા નિશ્વાસ સાથે) એ જમાનો અલગ હતો, વત્સ. તું મારે ત્યાં ભણવા આવ્યો ત્યારે— ચેલો (અધવચ્ચેથી વાત કાપીને): તમે પાછા એ જ જૂની સ્ટોરી ચાલુ ન કરી દેશો. તમે મારો ઉદ્ધાર કર્યો એ તમે મારા મનમાં એટલી હદે ઠાંસી દીધું છે કે હવે એક પણ વાર તમે બોલશો તો મારું મન જ નહીં, મારા કાન પણ બળવો પોકારી ઊઠશે. ગુરુઃ અરે મૂઢમતિ, હું તને ક્યારનો એમ પૂછવા મથી રહ્યો છું કે તું આટલો અપસેટ કેમ દેખાય છે? શું તને ઉત્તમ દક્ષિણા આપનારા યજમાનનું મૃત્યુ થયું છે? શું તારે વ્યવસાયમાંથી VRS લેવી પડે એવા સંજોગો સર્જાયા છે? શું તું ખૂન-બળાત્કારાદિ કોઈ ગુના માટે પોલીસવાળાની આંખે ચડ્યો છે? શું તે આશ્રમમાં તખ્તાપલટ માટે કાવતરાંબાજી શરૂ કરી છે?

ચેલોઃ (સહેજ નારાજગી સાથે) ગુરુજી, ગુરુજી, આ બધામાં હવે મારે તમારી જરૂર પડે તેમ નથી. તેમાં આપણા છેડા છેક સુધી અડે છે. મારે તો આપણા જૂના સંબંધ ધ્યાનમાં રાખીને અને તમારા જ્ઞાન પ્રત્યેના આદરને કારણે એક તાત્ત્વિક સવાલ પૂછવો છે. ગુરુઃ (‘તાત્ત્વિક’ જેવો શબ્દ ચેલાના મોઢેથી સાંભળીને પડતાં પડતાં બચી ગયા. પછી, સ્વસ્થ થઈને) પૂછ, મને બહુ આનંદ થશે. આજકાલ કોઈ કોઈને કશું પૂછે છે જ ક્યાં? બધા કહે છે કે જરૂર પડશે તો ગુગલ કરી લઈશું. ચેલોઃ (હસતાં) હું તો ક્યારનો વિચારું છું કે એકાદ મેન રોડ પર ગુગલાશ્રમ શરૂ કરું અને ગુગલની વીંટીઓ પણ તૈયાર કરાવું. એવું કંઈ હશે ને હિમાલય પર વસતા પોણા બસો વર્ષના બાપજીની જરૂર હશે તો એ રોલ માટે તમને જ યાદ કરીશ. ગમે તેમ તો પણ તમે મારા ગુરુ છો. ગુરુઃ થેન્ક્સ, પણ એ તો થાય ત્યારે ખરું. અત્યારે તું ઉદાસ કેમ છે? ચેલોઃ (માથું ખંજવાળતાં) શું કહું ગુરુ? શ્રીમદ્ ભગવદ્ ગીતાને લગતો એક સવાલ છે.

ગુરુઃ (ઉત્સાહમાં આવીને) પૂછ, પૂછ. ગીતા તો મને કંઠસ્થ છે. ફક્ત ગીતાના શ્લોકોના સવાલો ધરાવતું ‘કૌન બનેગા કરોડપતિ’ આવે અને એમાં હોટ સીટ પર મને બેસાડે તો હું પાંચ કરોડ જીતી લાવું. ચેલોઃ મને ખ્યાલ છે. એટલે જ તો સંશયના સમાધાન માટે તમને મળવા આવ્યો છું. ગુરુઃ પણ તું ભૂલી ગયો? સંશયાત્મા વિનશ્યતિ? ચેલોઃ એ તો શી રીતે ભૂલાય? અમે તમને અઘરા પ્રશ્નો પૂછીએ ત્યારે તમે હંમેશાં એવું જ કહેતા હતા પણ વાત બીજી છે. મેં સાંભળ્યું છે કે ગુજરાતમાં શાળાનાં બાળકોને ગીતાશિક્ષણ આપવાના છે. શું એ યોગ્ય કહેવાય? ગુરુઃ મેં જ તને કહ્યું હતું કે મહાપુરુષો ગીતામાંથી માર્ગદર્શન મેળવતા હોય છે પણ તારા સવાલનો જવાબ ગીતામાંથી નહીં મળે અને એ મળશે તો તને ને લોકોને મંજૂર નહીં હોય એટલે મારી જેમ તું પણ આપણું જે કંઈ છે તે સાચવવામાં ધ્યાન આપ. તારા પ્રશ્નમાંથી યોગ્યાયોગ્યનું તત્ત્વ દૂર કરવા માટે આખો સાયબરસેલ ધમધમે છે. (પછી ગુરુચેલો વિવિધ એજન્સીઓની નજરમાંથી શી રીતે બચવું તેની ચર્ચામાં પડી જાય છે.)

Most Popular

To Top