દુનિયાના ઘણા ભાગોમાં યુદ્ધો ચાલી રહ્યાં છે, પણ યુદ્ધથી કોઈ પ્રશ્નનો હલ મળતો નથી. ઇઝરાયેલ અને હમાસ વચ્ચે ચાલતું યુદ્ધ લગભગ ૬ મહિનાથી ચાલી રહ્યું છે, પણ ઇઝરાયેલને તેનો કોઈ ફાયદો થયો નથી. ૬ મહિનાના યુદ્ધમાં ૩૨ હજારથી વધુ નિર્દોષ નાગરિકોનો સંહાર થયો છે, જેમાં બહુમતી બાળકો અને મહિલાઓ છે. ૬ મહિના પહેલાં હમાસે મિઝાઇલ દ્વારા ઇઝરાયેલ પર હુમલો કર્યો ત્યારે ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વિટ કરીને ઇઝરાયેલ સાથે સહાનુભૂતિ વ્યક્ત કરી હતી; પણ ઇઝરાયેલે ગાઝા પટ્ટીમાં જે રીતે નરસંહાર કર્યો તે જોઈને ઇઝરાયેલ ભારત ઉપરાંત અમેરિકા જેવા દેશોની સહાનુભૂતિ પણ ગુમાવી રહ્યું છે. ઇઝરાયેલને વણજોઈતા યુદ્ધમાં ઘસડી જવા બદલ ઇઝરાયેલમાં વડા પ્રધાન નેતન્યાહુ વિરોધનો સામનો કરી રહ્યા છે.
ઇઝરાયેલ પર હમાસના હુમલાને છ મહિના વીતી ગયા છે. આ સમય દરમિયાન યુદ્ધ, રોગ, ભૂખમરો અને મૃત્યુએ ગાઝાના પેલેસ્ટિનિયનોને બરબાદ કર્યાં છે. ઈઝરાયેલ જે રીતે આ યુદ્ધ લડી રહ્યું છે તેથી તેનો સૌથી મહત્ત્વપૂર્ણ સાથી દેશ અમેરિકા પણ તેની વિરુદ્ધ થઈ રહ્યો છે. તાજેતરમાં સીરિયામાં એક અગ્રણી ઈરાની જનરલની હત્યા કરવામાં આવી હતી, જેના માટે ઈરાને ઈઝરાયેલને જવાબદાર ઠેરવ્યું હતું. એક તરફ ઈરાને આ હત્યાનો બદલો લેવાની પ્રતિજ્ઞા લીધી છે તો બીજી તરફ ઈઝરાયેલ લેબનોનમાં હાજર રહેલા ઈરાનના સહયોગી હિઝબુલ્લાહ સાથે લડી રહ્યું છે. ઈરાની જનરલની હત્યા બાદ મધ્ય પૂર્વ આ યુદ્ધમાં ફસાઈ જવાનો ભય છે.
ગયા વર્ષે ૭ ઓક્ટોબરે હમાસે ઈઝરાયેલના વિસ્તારોમાં હુમલો કર્યો હતો. આ હુમલામાં ૧,૨૦૦ થી વધુ ઇઝરાયેલી નાગરિકો માર્યા ગયાં હતાં. હમાસના લડવૈયાઓએ ૨૫૩ લોકોને બંધક બનાવ્યાં હતાં. ઈઝરાયેલનું કહેવું છે કે હમાસ પાસે હજુ પણ ૧૩૦ ઈઝરાયેલ બંધકો છે અને તેમાંથી ઓછામાં ઓછાં ૩૪ મૃત્યુ પામ્યાં છે. બાળકોના અધિકારો માટે કામ કરતી સંસ્થા અનુસાર ગાઝામાં ૧૩, ૮૦૦ બાળકોનાં મોત થયાં છે અને ૧૨ હજાર બાળકો ઘાયલ થયાં છે.
હમાસ અને ઈઝરાયેલી સેના બંને દ્વારા કરવામાં આવેલા યુદ્ધ અપરાધોના પુરાવા એકત્ર કરવામાં આવી રહ્યા છે. હેગમાં ઈન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસ દક્ષિણ આફ્રિકાના ઈઝરાયેલ વિરુદ્ધ સંભવિત નરસંહારના આરોપોની તપાસ કરી રહી છે. આ કોર્ટ હમાસ પર કેસ ચલાવી શકતી નથી, કારણ કે અમેરિકા અને બ્રિટન સહિત અન્ય ઘણા દેશોએ તેને આતંકવાદી સંગઠન જાહેર કર્યું છે, માટે હમાસ એક દેશ નથી.
ઇઝરાયેલે પોતાની સામેના નરસંહારના આરોપોને ફગાવી દીધા છે. ઇઝરાયેલના વકીલોમાંના એક તાલ બેકરે હેગ કોર્ટમાં જણાવ્યું હતું કે ઇઝરાયેલ અને પેલેસ્ટાઇન બંનેનાં નાગરિકો આજે જે સમસ્યાઓનો સામનો કરી રહ્યાં છે તે હમાસની વ્યૂહરચનાનું પરિણામ છે. પેલેસ્ટિનિયનો તેને અલગ દૃષ્ટિકોણથી જુએ છે. તેમનું કહેવું છે કે પેલેસ્ટિનિયનોના વિસ્તાર પર કબજો કરીને ઇઝરાયેલની સેનાએ એક રાજ્ય બનાવ્યું છે, જ્યાં તેમની સાથે ભેદભાવ કરવામાં આવે છે અને મૂળભૂત અધિકારોથી વંચિત રાખવામાં આવે છે. ઈન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસમાં આ કેસનો ચુકાદો આવતાં વર્ષો લાગશે. ઇઝરાયેલ પર આરોપ લગાવનારાઓએ સાબિત કરવું પડશે કે નરસંહાર થયો હતો અને તે ઇરાદાપૂર્વક હતો.
હમાસ સાથે વાત કરવા અને શાંતિ સ્થાપવા માટે ઇઝરાયેલ પર આંતરરાષ્ટ્રીય દબાણ છે. ખાસ કરીને અમેરિકા તરફથી તેને નાકાબંધીમાંથી રાહત આપવા જણાવાયું છે. આમ છતાં ગાઝા સુધી રાહતસામગ્રીની પહોંચ મર્યાદિત રહી છે. ખાદ્ય કટોકટી સંબંધિત માહિતી આપતી યુએન સંસ્થાઓ અને સહાય એજન્સીઓનું કહેવું છે કે છ મહિનાના યુદ્ધ પછી ગાઝામાં દુષ્કાળનાં વાદળો ઘેરાઈ રહ્યાં છે. ઓક્સફેમનો અહેવાલ છે કે ઉત્તરી ગાઝામાં ફસાયેલાં ૩૦ હજાર લોકો જાન્યુઆરીથી સરેરાશ દૈનિક ૨૪૫ કેલરી પર જીવી રહ્યા છે. પેલેસ્ટિનિયન પત્રકારો, સોશ્યલ મીડિયા પર પોસ્ટ કરનારાં નાગરિકો અને સહાય ઝુંબેશ ચલાવતી આંતરરાષ્ટ્રીય સંસ્થાઓએ ગાઝામાં માનવતાવાદી દુર્ઘટના અને વિનાશનું વિગતવાર દસ્તાવેજીકરણ કર્યું છે.
આ તે લોકો છે, જેમનાં કર્મચારીઓને આ વિસ્તારમાં પ્રવેશવાની મંજૂરી છે. આવાં લોકોએ જોખમ પણ ઉઠાવવું પડે છે. તા. ૧ એપ્રિલના રોજ લાખો લોકોને ખોરાક પૂરો પાડતી સંસ્થા વર્લ્ડ સેન્ટ્રલ કિચનના સાત કાર્યકરો ઇઝરાયેલી સેના દ્વારા માર્યા ગયા હતા. અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડેન અને અન્ય ઈઝરાયેલ તરફી પશ્ચિમી દેશો આ મૃત્યુને લઈને નારાજ છે. આ ઘટના બાદ ઈઝરાયેલ દુનિયામાં અલગ થવા લાગ્યું છે. ઇઝરાયેલને આ મામલે વિશ્વના મોટા ભાગના દેશોના સમર્થનની અપેક્ષા નથી, પરંતુ તે પશ્ચિમી સાથીઓ પાસેથી સમર્થનની અપેક્ષા રાખે છે. જો કે તેમણે ઇઝરાયેલના દાવાને ફગાવી દીધો છે કે તેઓ રાહતસામગ્રી પહોંચાડવાના માર્ગમાં અવરોધો ઊભા કરશે.
હમાસના હુમલા પછી ઇઝરાયેલના વડા પ્રધાન નેતન્યાહૂએ હમાસ પર મોટા હુમલાનું પોતાનું વચન પૂરું કર્યું, પરંતુ બંધકોને મુક્ત કરવાનું અને હમાસના સંપૂર્ણ વિનાશનું તેમનું વચન હજી પૂરું થયું નથી. ઈઝરાયેલમાં તેના પર દબાણ વધી રહ્યું છે. ઓપિનિયન પોલમાં તેમનું રેટિંગ ઘટી રહ્યું છે. ગયા અઠવાડિયે હજારો લોકોએ જેરુસલેમમાં ઇઝરાયેલના ધ્વજ સાથે પ્રદર્શન કર્યું હતું. આ પ્રદર્શનકારીઓ નેતન્યાહુનાં રાજીનામાં અને ફરીથી ચૂંટણીની માંગ કરી રહ્યાં હતાં.
પીએમ નેતન્યાહુ પર આરોપ લગાવવામાં આવી રહ્યો છે કે તેમનું રાજકીય અસ્તિત્વ જાળવી રાખવું તેમની પ્રાથમિકતા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે સત્તામાં રહેવા માટે તેમણે પોતાનું ગઠબંધન જાળવી રાખવું પડશે, જેને ઉગ્રવાદી રાષ્ટ્રવાદી યહૂદી પક્ષોનું સમર્થન છે. તે ઇઝરાયેલનાં બંધકોને મુક્ત કરવા માટે દેશની જેલોમાં બંધક કરાયેલા પેલેસ્ટિનિયન કેદીઓને મુક્ત કરવાનો વિરોધ કરે છે. હમાસ યુદ્ધવિરામને લગતી વાતચીતમાં તેની માંગ કરી રહ્યું છે. નેતન્યાહુના બે મુખ્ય અતિરાષ્ટ્રવાદી સાથી, નાણાં પ્રધાન બેઝલેલ સ્મોટ્રિચ અને રાષ્ટ્રીય સુરક્ષા પ્રધાન ઇટામર બેનગવીર, તેનાથી પણ એક પગલું આગળ છે.
આ બંનેની માંગણી છે કે પેલેસ્ટિનિયનો ગાઝા પટ્ટી છોડી દે, જેથી યહૂદીઓ આ વિસ્તારમાં સ્થાયી થઈ શકે. ઈઝરાયેલની જીતની એકમાત્ર નિશાની એ હોઈ શકે કે જો તે હમાસના નેતા અને ઑક્ટોબર ૭ના હુમલાના માસ્ટરમાઈન્ડ યાહ્યા સિન્વારને પકડે અથવા મારી નાખે, પરંતુ તે હજી પણ જીવિત છે અને જ્યાં તે છૂપાયો છે ત્યાંથી યુદ્ધવિરામની માંગણી કરી રહ્યો છે. એવું માનવામાં આવે છે કે તે હમાસની સુરંગોના નેટવર્કમાં ક્યાંક છૂપાયેલો છે. તે અંગરક્ષકોથી ઘેરાયેલો છે અને ઇઝરાયલી બંધકોની માનવઢાલની મદદથી તેની સુરક્ષા કરવામાં આવી રહી છે.
હમાસના હુમલા બાદ ઈઝરાયેલે પેલેસ્ટાઈનીઓને ઈઝરાયેલમાં કામ કરવાની પરવાનગી આપવાનો ઈન્કાર કરી દીધો હોવાથી હજારો લોકો તેમના પરિવારનું ભરણપોષણ કરવામાં વ્યસ્ત હશે. ઇઝરાયેલે પશ્ચિમ કાંઠે સશસ્ત્ર જૂથો સામે દરોડા પાડ્યા છે. આ પ્રયાસમાં ઘણાં નિર્દોષ લોકો માર્યા ગયાં છે અને હજારો લોકોની ધરપકડ કરવામાં આવી છે. તેઓને ઇઝરાયેલની જેલમાં ટ્રાયલ વગર રાખવામાં આવ્યા છે. નજીકમાં રહેતા યહૂદી રહેવાસીઓની ધમકીઓ પછી કેટલાક પેલેસ્ટિનિયન ખેડૂતોને તેમની જમીન છોડીને ભાગી જવું પડ્યું છે. છ મહિના જેટલો સમય વીતી જવા છતાં યુદ્ધ સમાપ્ત થવાનાં કોઈ ચિહ્નો દેખાતાં નથી. નેતન્યાહુએ અત્યાર સુધી યુદ્ધ પછી ગાઝા પર કોણ અને કેવી રીતે શાસન કરશે તે અંગે કોઈ માહિતી આપવાનું ટાળ્યું છે. સરવાળે આ યુદ્ધ શા માટે ચાલુ થયું છે અને કેવી રીતે તેની સમાપ્તિ થશે તે વાતની કોઈને ખબર પડતી નથી.
.આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.