Vadodara

ગાંધીનગરમાં મંત્રીમંડળ વિસ્તરણની તૈયારી : વડોદરાના ધારાસભ્યોમાં પણ દોડધામ

વડોદરા અને મધ્ય ગુજરાતમાંથી બે ધારાસભ્યોને તક મળવાની ચર્ચા

વડોદરા શહેર-જિલ્લાના ધારાસભ્યો ગાંધીનગર પહોંચ્યા

રાજ્યમાં શુક્રવારે સંભવિત મંત્રીમંડળ વિસ્તરણની ચર્ચાઓ વચ્ચે રાજકીય હલચલ તેજ બની છે. ભાજપ દ્વારા તમામ ધારાસભ્યો અને હાલના મંત્રીઓને ગુરુવાર અને શુક્રવાર એમ બે દિવસ માટે ગાંધીનગરમાં હાજર રહેવા સૂચના આપવામાં આવી છે. આ સૂચના બાદ વડોદરા શહેર અને જિલ્લા સહિત મધ્ય ગુજરાતના ધારાસભ્યો પણ ગાંધીનગર પહોંચ્યા છે. પાર્ટીના સુત્રો મુજબ, આ વિસ્તરણ દરમિયાન વડોદરા અને મધ્ય ગુજરાતમાંથી બે ધારાસભ્યોને મંત્રીપદ મળવાની ચર્ચાઓ ચાલી રહી છે. જેના કારણે ધારાસભ્યોમાં ઉત્સુકતા અને હળવી હલચલ જોવા મળી રહી છે. કેટલાક ધારાસભ્યો પોતાના સમર્થકો સાથે ચર્ચાઓ કરીને મંત્રીપદ માટે તૈયારીમાં લાગી ગયા છે. પાર્ટી હાઇકમાન્ડ દ્વારા ધારાસભ્યોના કાર્ય, લોકપ્રિયતા અને પ્રદેશની રાજકીય જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને અંતિમ નિર્ણય લેવાશે એવી શક્યતા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની ટીમ રાજ્યમાં આગામી લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને મંત્રીમંડળમાં સંતુલન રાખશે એવી ચર્ચાઓ ચાલી રહી છે.

ગાંધીનગરમાં બે દિવસના રોકાણ દરમિયાન ધારાસભ્યોને પાર્ટીની વિવિધ બેઠકમાં હાજર રહેવા કહેવામાં આવ્યું છે. તેમાં સરકારના કામકાજ, વિકાસ પ્રોજેક્ટ અને આગામી ચૂંટણીની તૈયારી અંગે ચર્ચા થવાની શક્યતા છે. દર વખતેની જેમ આ વખતે પણ ભાજપ મંત્રીમંડળ વિસ્તરણમાં આશ્ચર્યચકિત નિર્ણય લઈ શકે છે એવી ધારણા રાજકીય વર્તુળોમાં વ્યક્ત થઈ રહી છે. હવે જોવાનું એ છે કે વડોદરા અને મધ્ય ગુજરાતના કયા ધારાસભ્યોને રાજ્ય સરકારમાં સ્થાન મળે છે અને નવા મંત્રીઓના રૂપમાં કોણ શપથ લે છે તે શુક્રવાર સુધી સ્પષ્ટ થશે.

Most Popular

To Top