પ્રજાની ફરિયાદ ઉપર સુધી આવી તો ખેર નઈ, અધિકારી અને પદાધિકારીઓને નાયબ મુખ્યમંત્રીએ ખખડાવ્યા!”
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના કડક તેવર; સ્થાનિક પ્રશ્નોનો સ્થાનિક કક્ષાએ જ નિકાલ લાવવા અને સંકલનમાં રહી કામ કરવા તાકીદ
વડોદરા: રાજ્યની આઠ મહાપાલિકાઓના વિકાસકામોની સમીક્ષા કરવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા આજે ગાંધીનગર ખાતે મહત્વની બેઠક યોજવામાં આવી હતી. આ બેઠકમાં વડોદરાના મેયર પિન્કીબેન સોની, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન શીતલ મિસ્ત્રી અને મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુ ઉપસ્થિત રહ્યા હતા. બેઠકનો મુખ્ય એજન્ડા ચાલુ વર્ષના પ્રોજેક્ટ્સની સમીક્ષા અને આગામી બજેટના પ્રજાલક્ષી આયોજનનો હતો.
મુખ્યમંત્રી સાથેની બેઠક પૂર્વે વડોદરાના પદાધિકારીઓએ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સાથે વિસ્તૃત મુલાકાત કરી હતી. આ બેઠકમાં હર્ષ સંઘવીએ વહીવટી તંત્ર અને ચૂંટાયેલી પાંખ વચ્ચેના સંકલન પર ભાર મૂક્યો હતો. તેમણે સ્પષ્ટ શબ્દોમાં તાકીદ કરી હતી કે, “કોઈપણ નાની-મોટી ફરિયાદ ગાંધીનગર સુધી પહોંચવી જોઈએ નહીં, સ્થાનિક પ્રશ્નોનો નિકાલ સ્થાનિક કક્ષાએ જ લાવવો પડશે.”
તેમણે વધુમાં ઉમેર્યું કે, નાણાના અભાવે કોઈ પણ પ્રોજેક્ટ અટકવો જોઈએ નહીં. જો રાજ્ય સરકાર કક્ષાએ કોઈ દરખાસ્ત કે પ્રશ્ન પેન્ડિંગ હોય, તો તેની વિગતો તાત્કાલિક મોકલવા આદેશ આપ્યો હતો. મંત્રીએ અધિકારીઓની કાર્યશૈલી સામે લાલ આંખ કરતા જણાવ્યું હતું કે પ્રજાના કામોમાં હવે બેદરકારી સાંખી લેવામાં આવશે નહીં.
બપોરે 3 વાગ્યાથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં શરૂ થયેલી બેઠકમાં વડોદરામાં સાકાર થયેલા અને બાકી રહેલા પ્રોજેક્ટ્સ પર ચર્ચા થઈ હતી. આગામી બજેટમાં એવા જ કામોનો સમાવેશ કરવા ટકોર કરવામાં આવી છે જે સીધા જનતાના હિત સાથે જોડાયેલા હોય. અધિકારીઓ અને હોદ્દેદારોએ સાથે મળીને પારદર્શક રીતે કામ કરવા માટે મુખ્યમંત્રીએ માર્ગદર્શન આપ્યું હતું. વડોદરા માટે મોટા સમાચાર:
મિનરલ્સ સેક્ટરમાં ₹478 કરોડનું રોકાણ…
વડોદરા જિલ્લાના ઔદ્યોગિક વિકાસને વધુ વેગ આપતા સમાચાર સામે આવ્યા છે. જિલ્લામાં મિનરલ્સ સેક્ટરમાં કુલ ₹478.02 કરોડના મૂડીરોકાણ માટે પ્રોત્સાહક સહાયને મંજૂરી આપવામાં આવી છે. રાજ્ય સરકારની આ મંજૂરીથી વડોદરાનું ઔદ્યોગિક માળખું વધુ મજબૂત બનશે. આ પ્રોજેક્ટ્સ કાર્યરત થવાથી હજારો યુવાનો માટે પ્રત્યક્ષ અને પરોક્ષ રોજગારીની નવી તકો ઊભી થશે, જે જિલ્લાના આર્થિક વિકાસમાં પાયાની ભૂમિકા ભજવશે.