Garbada

ગરબાડાના આઝાદ ચોક વિસ્તારમાં મકાનમાં ભીષણ આગ

ઘરવખરી બળીને ખાખ, હોસ્પિટલ નજીક આગથી અફરાતફરી

ગરબાડા:

ગરબાડા નગરના આઝાદ ચોક વિસ્તારમાં છત્રછાયા હોસ્પિટલની બાજુમાં આવેલા એક મકાનમાં અચાનક ભીષણ આગ લાગવાની ગંભીર ઘટના સર્જાઈ હતી. આગ લાગતા સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાની નોંધાઈ નથી, પરંતુ મકાનમાં રહેલો તમામ ઘરવખરીનો સામાન બળીને ખાખ થઈ ગયો હોવાનું જાણવા મળ્યું છે.

પ્રાપ્ત માહિતી મુજબ મકાનના સભ્યો ઘર બંધ કરી મંદિર દર્શન માટે ગયા હતા. તે દરમિયાન કોઈ અજાણ્યા કારણોસર મકાનમાં આગ ભભૂકી ઉઠી હતી. આગની જ્વાળાઓ અને ધુમાડો જોઈ આસપાસના સ્થાનિકો દોડી આવ્યા હતા અને પોતાના સ્તરે આગ બુઝાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ આગ વધુ વિકરાળ બનતા તેમના પ્રયાસો નિષ્ફળ રહ્યા હતા.

ઘટનાની જાણ થતાં જ ગરબાડા પોલીસ મથકના પી.આઈ. પોલીસ સ્ટાફ સાથે તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયા હતા અને ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી. ફાયર બ્રિગેડના કર્મચારીઓએ ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો.
આગની તીવ્રતા એટલી હતી કે બાજુમાં આવેલી છત્રછાયા હોસ્પિટલના દર્દીઓ અને સ્ટાફને સલામતીના કારણોસર બહાર ખસેડવા પડ્યા હતા. આગથી હોસ્પિટલને સીધું નુકસાન થયું નથી, પરંતુ સલામતીના પગલે તાત્કાલિક પગલાં લેવામાં આવ્યા હતા.

આ ઘટનામાં મકાનને ભારે આર્થિક નુકસાન થયું હોવાનું પ્રાથમિક રીતે સામે આવ્યું છે. આગ કયા કારણોસર લાગી તેની તપાસ સંબંધિત વિભાગો દ્વારા હાથ ધરવામાં આવી છે.

રિપોર્ટર: વનરાજ રમેશ ભુરીયા, ગરબાડા

Most Popular

To Top