વિદ્યાર્થીઓએ લોકડાયરા સ્વરૂપે ભક્તિભર્યા ભજનોની ગૂંજ થી માહોલને ભક્તિમય કર્યો
શ્રોતાઓ ભક્તિ, આનંદ અને ભાવવિભોરતાની અદભૂત અનુભૂતિમાં તરબોળ બન્યા

( પ્રતિનિધી )વડોદરા,તા.28
ઉત્સવપ્રિય નગરી શ્રીજીમય બની છે. ત્યારે, વિશ્વ વિખ્યાત મહારાજા સાયાજીરાવ યુનિવર્સિટી ઓફ બરોડાની ફેકલ્ટી ઓફ પર્ફોર્મિંગ આર્ટ્સ દ્વારા ગણેશ ચતુર્થીના પાવન અવસરે ભજન સંધ્યા કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને શિક્ષકો જોડાયા હતા.
આ સાંસ્કૃતિક સાંજમાં ફેકલ્ટીના પ્રતિભાશાળી વિદ્યાર્થિનીઓ અને વિદ્યાર્થીઓએ લોકડાયરા સ્વરૂપે ભક્તિભર્યા ભજનોની ગૂંજ થી માહોલને ભક્તિમય કર્યો હતો. સંગીતમય લોકરંગ અને ભજનો ના સુમેળથી શ્રોતાઓ ભક્તિ, આનંદ અને ભાવવિભોરતાની અદભૂત અનુભૂતિમાં તરબોળ બની ગયા હતા. નીરાજ રાઠોડ અને દર્શિત જાદવ વિદ્યાર્થી આયોજક સમિતિની આગવી ભૂમિકા રહી હતી. આ સાથે શ્રી ભારત મહંત કલ્ચરલ કમિટીના કન્વીનર, ડો.ભાવિક મંકડ કલ્ચરલ કમિટી ના કોર્ડિનેટર તથા ડો.ચિરાગ સોલંકી કલ્ચરલ કમિટી ના કો. કોર્ડીનેટરનું આયોજનાત્મક માર્ગદર્શન મળ્યું હતું. આ પ્રસંગે ઉપસ્થિત રહીને ફેકલ્ટીના ડીન તેમજ તબલા વિભાગના ઇનચાર્જ હેડ પ્રો.ગૌરાંગ ભાવસાર એ પોતાના અભિપ્રાય વ્યક્ત કરતાં જણાવ્યું કે સંગીત માત્ર કાનને મોહે એવું માધ્યમ નથી, પરંતુ તે મનને એકાગ્ર કરે છે, સંસ્કૃતિ સાથે જોડે છે અને આંતરિક શાંતિનું સંવર્ધન કરે છે. વિદ્યાર્થીઓએ લોકડાયરા સ્વરૂપે ભજનો રજૂ કરીને ભારતીય સંગીતના લોકપરંપરા ને જીવંત કર્યા છે, જે અત્યંત પ્રસંશનીય છે. કાર્યક્રમ ફેકલ્ટી ઓફ પર્ફોર્મિંગ આર્ટ્સના કન્સર્ટ હોલ ખાતે યોજાયો હતો. આ ભજન સંધ્યાનો આનંદ માણવા મોટી સંખ્યામાં સંગીત પ્રેમીઓ, શિક્ષકવર્ગ અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.