ઉત્તર ભારતમાં છઠના તહેવાર દરમિયાન દિલ્હીમાં યમુના નદીના પ્રદૂષણનો મુદ્દો ફરી એક વાર ચર્ચાનો વિષય બન્યો છે. દિલ્હીની શાસક ભારતીય જનતા પાર્ટીએ દાવો કર્યો છે કે યમુના નદી સ્વચ્છ થઈ ગઈ છે પણ આમ આદમી પાર્ટીએ ભાજપના દાવાઓને ફગાવી દીધા છે અને કહ્યું છે કે જો યમુનાનું પાણી સ્વચ્છ હોય તો દિલ્હીનાં મુખ્ય મંત્રીએ તે પાણી પીવું જોઈએ. દિલ્હીના જળ મંત્રી પરવેશ વર્માએ કહ્યું હતું કે છઠ પહેલાં યમુના નદીના પાણીની ગુણવત્તા ગયા વર્ષ કરતાં વધુ સારી હતી. તેમણે ફિકલ કોલિફોર્મ બેક્ટેરિયાના ડેટાનો ઉલ્લેખ કર્યો હતો.
આમ આદમી પાર્ટીના નેતા સૌરભ ભારદ્વાજે કહ્યું કે મુખ્ય મંત્રી રેખા ગુપ્તાએ સાબિત કરવું જોઈએ કે યમુનાનું પાણી શુદ્ધ કરવામાં આવ્યું છે. યમુનાના પાણીમાં ગટરનું પાણી વહી રહ્યું છે અને ભાજપ સરકાર હેઠળના દિલ્હી પ્રદૂષણ નિયંત્રણ સમિતિના અહેવાલ દ્વારા આ વાતની પુષ્ટિ થઈ છે. પૂર્વાંચલ સમુદાયનાં લાખો લોકો ભાજપના નેતાઓ અને મુખ્ય મંત્રી રેખા ગુપ્તાનાં જૂઠાણાં અને છેતરપિંડીનો ભોગ બન્યા છે. ભાજપ સરકારે સત્તામાં રહીને યમુનાને સાફ કરવાની AAPની યોજનાઓમાં અવરોધ ઊભો કર્યો હતો. અમારી સરકારે યમુનાને સાફ કરવાની યોજના બનાવી હતી, પરંતુ ભાજપના ઉપરાજ્યપાલે તમામ પ્રકારના અવરોધો ઊભા કર્યા હતા. પર્યાવરણ મંત્રી મનજિંદર સિંહ સિરસા સાથે સંયુક્ત પત્રકાર પરિષદમાં પરવેશ વર્માએ વિપક્ષ આમ આદમી પાર્ટીની ટીકા કરી છે.
પરવેશ વર્માએ જણાવ્યું હતું કે દિલ્હી પ્રદૂષણ નિયંત્રણ સમિતિ (DPCC) એ ૯ અને ૨૦ ઓક્ટોબરના રોજ પલ્લા, વઝીરાબાદ બેરેજ, ઓખલા બેરેજ, ITO અને યમુના કેનાલ સહિત આઠ સ્થળોએથી યમુનાનાં પાણીના નમૂના એકત્રિત કર્યા હતા. નિઝામુદ્દીન ખાતે યમુનામાં ફિકલ કોલિફોર્મ બેક્ટેરિયાનું પ્રમાણ આ વર્ષે ઘટીને પ્રતિ ૧૦૦ મિલી ૭,૯૦૦ યુનિટ થઈ ગયું છે, જે ગયા વર્ષે પ્રતિ ૧૦૦ મિલી ૧૧ લાખ યુનિટ હતું. ISBTમાંથી એકત્રિત કરાયેલા પાણીના નમૂનાઓમાં પણ સુધારો જોવા મળ્યો છે. ૨૦૨૪ માં ૨૮,૦૦૦ થી આ વર્ષે બેક્ટેરિયાની સંખ્યા ઘટીને ૮,૦૦૦ થઈ ગઈ છે. તેમણે આરોપ લગાવ્યો કે આપ નેતાઓ આરોપ લગાડી રહ્યા છે, પણ સત્ય એ છે કે આપ સરકારના કાર્યકાળ દરમિયાન DPCCનો કોઈ અહેવાલ પ્રકાશિત થયો ન હતો.
આ વર્ષે, દિલ્હી સરકાર અને કેન્દ્ર સરકારે સંયુક્ત રીતે યમુના નદીને સાફ કરવા માટે અનેક પગલાં લીધાં છે. નદીમાંથી કાંપ અને કચરો દૂર કરવા માટે આધુનિક ઉભયજીવી ડ્રેજર્સ સ્થાપિત કરવામાં આવ્યા છે. પાણીમાં કચરો વહેતો અટકાવવા માટે ઘણા ઘાટ પર ફિલ્ટર સિસ્ટમ્સ અને ફ્લોટિંગ નેટ સ્થાપિત કરવામાં આવ્યા છે. ભવિષ્યમાં, યમુનાની તમામ ગટરોને ગટર શુદ્ધિકરણ નેટવર્ક સાથે જોડવામાં આવશે, જેનાથી શુદ્ધિકરણ વિનાનું પાણી સીધું નદીમાં વહેતું અટકાવી શકાય. ૨૦૨૬ સુધીમાં યમુના નદીને સંપૂર્ણપણે સાફ કરવાનું લક્ષ્ય છે. દિલ્હીમાં ભારતીય જનતા પાર્ટીનું શાસન છે, જેમાં રેખા ગુપ્તા મુખ્ય મંત્રી છે. છઠ ઉત્સવ માટે યમુના નદીની સફાઈ કરવામાં આવી છે.
જો કે, સફાઈ પ્રક્રિયા અંગે ઘણા પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે. વડા પ્રધાન માટે યમુના નદીના કિનારે એક ઘાટ પણ બનાવવામાં આવ્યો છે. આ ઘાટમાં પાઇપલાઈન દ્વારા ગંગા નદીનું પાણી ઠાલવવામાં આવી રહ્યું છે. પત્રકારોને આ ઘાટની મુલાકાત કરાવાઈ રહી છે, જેમાં ચોખ્ખું પાણી છે. યમુના નદીમાં આ વર્ષે પણ મોટા પ્રમાણમાં કેમિકલયુક્ત ફીણ જોવા મળી રહ્યું છે. આ ફીણને ઢાંકવા માટે તેમાં ઝેરી કેમિકલનો છંટકાવ કરવામાં આવી રહ્યો છે. ભાજપના નેતાઓ ટી.વી.ના કેમેરા સમક્ષ આ ઘાટમાં ઊતરીને યમુનાનું પાણી સ્વચ્છ થઈ ગયું હોવાનો પ્રચાર કરી રહ્યા છે. આ ઘાટ અંગે પણ ઘણા પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે. યમુના નદી કેવી રીતે સાફ થઈ રહી છે?
દિલ્હી પ્રદૂષણ નિયંત્રણ સમિતિ (DPCC) દ્વારા તાજેતરમાં બહાર પાડવામાં આવેલા અહેવાલ મુજબ યમુના નદીની સ્થિતિમાં થોડો સુધારો થયો છે, પરંતુ પ્રદૂષણનું સ્તર ખતરનાક રહ્યું છે. એપ્રિલમાં યમુના નદીના આઠ અલગ અલગ સ્થળોએથી લેવામાં આવેલા નમૂનાઓમાં જાણવા મળ્યું કે મોટા ભાગનાં સ્થળોએ પાણીની ગુણવત્તા ધોરણોથી નીચે હતી. કેટલાંક સ્થળોએ ઓક્સિજનના સ્તરમાં સુધારો થયો છે, પરંતુ જૈવિક ઓક્સિજન માંગ (BOD), ઓગળેલા ઓક્સિજન (DO), ફિકલ કોલિફોર્મ, ફોસ્ફેટ અને એમોનિયાકલ નાઇટ્રોજન જેવા પ્રદૂષણ સૂચકાંકો ચિંતાજનક છે. યમુના નદીનું પાણી ઔદ્યોગિક અને ઘરેલું કચરાને કારણે બિનઉપયોગી બની રહ્યું છે.
યમુનામાં વધતી જતી જૈવિક ઓક્સિજન માંગ (BOD) સ્તર પણ ખતરાની ઘંટડી વગાડી રહી છે. BOD એ પાણીમાં ઓક્સિજનનું પ્રમાણ છે જે જળચર જીવોના અસ્તિત્વ માટે જરૂરી છે. નિષ્ણાતોના મતે BOD સ્તર ૩ મિલિગ્રામ પ્રતિ લિટર અથવા તેનાથી ઓછું હોવું જોઈએ, પરંતુ અસગરપુરમાં આ સ્તર ૭૨ મિલિગ્રામ પ્રતિ લિટર સુધી પહોંચી ગયું છે, જે નિર્ધારિત ધોરણ કરતાં ૨૪ ગણું વધારે છે. દિલ્હીમાં આઠ સ્થળોએ યમુનાનાં પાણીના નમૂના લેવામાં આવ્યા હતા, જેમાં પલ્લા વિસ્તારમાં BOD સ્તર ૬ મિલિગ્રામ પ્રતિ લિટર નોંધાયું હતું, જ્યારે અન્ય સ્થળોએ પરિસ્થિતિ વધુ ખરાબ હતી. DPCC રિપોર્ટમાં એ પણ ખુલાસો થયો છે કે દિલ્હીમાં યમુનાના પાણીમાં ઓગળેલા ઓક્સિજન (DO) નું સ્તર અત્યંત ચિંતાજનક છે.
સત્ય એ છે કે દિલ્હીમાં યમુના નદી હવે ફક્ત નામ પૂરતી જ અસ્તિત્વ ધરાવે છે. પ્રદૂષણે તેના પ્રવાહને અટકાવી દીધો છે. તે એક સમયે શુદ્ધ અને અવિરત વહેતી હતી. હવે, છઠ જેવા મુખ્ય તહેવારો પર ભક્તો યમુનામાં ડૂબકી લગાવવા માટે ઉત્સુક હોય છે. તેઓ પ્રદૂષિત પાણીમાં ડૂબકી લગાવીને પોતાના આરોગ્ય માટે જોખમ ઊભું કરે છે. જળ સંરક્ષણવાદી રમણકાંત કહે છે કે દિલ્હીની સ્થાપના યમુના જેવી મોટી અને પવિત્ર નદીના કારણે થઈ હતી. એક સમયે અરવલ્લી પર્વતમાળાઓમાંથી ડઝનબંધ નાની નદીઓ વરસાદી પાણી વહન કરીને યમુનામાં વહેતી હતી, પરંતુ હવે તે બધી નાળાં જેવી બની ગઈ છે.
દિલ્હીમાં વઝીરાબાદથી ઓખલા સુધી ૨૨ કિ.મી. સુધી યમુના નદી વહે છે. યમુના નદીના પ્રદૂષણમાં આ વિસ્તારનો હિસ્સો ૭૬ ટકા છે. ૩૫ કરોડ લિટરથી વધુ ગંદું પાણી ગટરો અને ૧૮ મોટાં નાળાંઓ દ્વારા સીધું યમુનામાં પડે છે. યમુના દિલ્હી પહોંચે તે પહેલાં તે પલ્લા ઘાટમાંથી પસાર થાય છે. અહીં પાણીની ગુણવત્તા ઓછી ખરાબ છે. જ્યારે તે વઝીરાબાદ પહોંચે છે, ત્યારે તે નજફગઢના નાળામાં જોડાય છે. દિલ્હીનું ૭૦ ટકા ગટરનું પાણી નજફગઢ નાળાંમાંથી આવે છે. નજફગઢ નાળું કોઈ સમયે નદી હતી, જેમાં સ્વચ્છ પાણી વહેતું હતું. આજે નજફગઢમાં અનેક ગટરો મળે છે.
તે મૂળરૂપે વરસાદી પાણીને યમુનામાં લઈ જવા માટે બનાવવામાં આવ્યું હતું, પરંતુ કમનસીબે પછીથી ગટરનું પાણી તેમાં છોડવાનું શરૂ થયું હતું. સમસ્યા એ છે કે યોગ્ય ગટર વ્યવસ્થાનો અભાવ અને ગંદા પાણીના શુદ્ધિકરણ પ્લાન્ટ સુધી પહોંચવામાં વિલંબ થાય છે. દરેક નહેર અને ગટર માટે અલગ અલગ વિભાગો જવાબદાર છે અને તેમની વચ્ચે સંકલનનો અભાવ છે. આનાથી ગટર વ્યવસ્થામાં વિલંબ થાય છે અથવા તો એક વિસ્તારમાં શુદ્ધિ થાય છે, જ્યારે બીજા વિસ્તારમાં પાણી દૂષિત રહે છે. દિલ્હી વિધાનસભા ચૂંટણી પ્રચાર દરમિયાન યમુના નદીનું પ્રદૂષણ એક મુખ્ય મુદ્દો હતો. ચૂંટણીમાં વિજય પછી ખુદ વડા પ્રધાન અને ભાજપના વરિષ્ઠ નેતાઓએ આપ સરકારની હારનું મુખ્ય કારણ યમુનાની દુર્દશા ગણાવી હતી. તેમણે યમુનાની સફાઈ માટે પણ હાકલ કરી હતી.
હવે પ્રશ્ન એ ઊભો થાય છે કે શું દિલ્હીનાં નાગરિકો સ્વચ્છ, વહેતી યમુના નદીની અપેક્ષા રાખી શકે છે? દિલ્હીમાં યમુના નદીને ખરેખર પુનર્જીવિત કરવા માટે, નદીના તટપ્રદેશમાં આવેલી છ રાજ્ય સરકારો ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, હરિયાણા, ઉત્તર પ્રદેશ, દિલ્હી અને રાજસ્થાને સાથે મળીને કામ કરવાની જરૂર છે. કેન્દ્ર સરકારના કૃષિ, જળશક્તિ, વન અને પર્યાવરણ અને શહેરી વિકાસ મંત્રાલયોએ પણ તેમની જવાબદારીઓ નિભાવવી પડશે. યમુના નદીને શુદ્ધ બનાવવા પાછળ અબજો રૂપિયા ખર્ચાઈ ચૂક્યા છે. તાજેતરમાં રજૂ કરાયેલાં નાણાંકીય બજેટમાં કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના બજેટમાં વધુ ઘટાડો કરવામાં આવ્યો છે. આવી સ્થિતિમાં કેન્દ્ર અને રાજ્ય સરકારોની નદીને પ્રદૂષણમુક્ત બનાવવાની જાહેરાતો અને યોજનાઓ કેવી રીતે અમલમાં મૂકવામાં આવશે?.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.