સમારકામના બહાને મહીસાગર નદીમાં ઠલવાતો ઝેરી ડામર અને કાટમાળ; પર્યાવરણ અને જળચર જીવોના અસ્તિત્વ સામે મોટું જોખમ


વડોદરા અને આણંદ જિલ્લાને જોડતા અને ભૂતકાળમાં મોટી હોનારત માટે જાણીતા બનેલા ગંભીરા બ્રિજના સમારકામમાં ફરી એકવાર તંત્રની ગંભીર બેદરકારી સામે આવી છે. ગત જુલાઈ મહિનામાં 21 નિર્દોષ લોકોના જીવ લેનાર આ બ્રિજના સમારકામ દરમિયાન નિયમોનું સરેઆમ ઉલ્લંઘન કરી રોડનો કાટમાળ અને ડામર સીધો મહીસાગર નદીમાં ફેંકવામાં આવી રહ્યો છે. ભંગાર અને કાટમાળ નદીમાં નાખતા સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
બ્રિજના રિપેરિંગ કામ દરમિયાન જે જૂનો ડામર અને બાંધકામનો કાટમાળ નીકળે છે, તેનો વૈજ્ઞાનિક ઢબે નિકાલ કરવાને બદલે મજૂરો દ્વારા તેને સીધેસીધો નદીના વહેણમાં નાખવામાં આવી રહ્યો છે. સ્થાનિકોના આક્ષેપ મુજબ, આ કૃત્યથી મહીસાગર નદી પ્રદૂષિત થઈ રહી છે અને તેમાં રહેલા જળચર જીવોના અસ્તિત્વ સામે પણ જોખમ ઊભું થયું છે. તંત્ર માત્ર પુલ વહેલી તકે ખુલ્લો મૂકવાની ઉતાવળમાં પર્યાવરણના નિયમોને નેવે મૂકી રહ્યું હોય તેમ જણાય છે.
સંગઠનો અને સ્થાનિક લોકોની માંગ છે કે તંત્ર વહેલી તકે જાગે અને આ પ્રકારે નદીને પ્રદૂષિત કરવાનું બંધ કરી કાયદાકીય રીતે કાટમાળનો નિકાલ કરે. જો તંત્ર દ્વારા ત્વરિત પગલાં લેવામાં નહીં આવે તો આગામી દિવસોમાં વિરોધ પ્રદર્શનની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે.
હોનારતના સાક્ષી બ્રિજ પર ફરી જોખમ…
જે બ્રિજે ગત જુલાઈમાં 21 પરિવારોના કુળદીપક બુઝાવી દીધા, ત્યાં આજે પણ જવાબદારીનું નામોનિશાન નથી. વહેલી તકે વાહવાહી લૂંટવા પુલ ખુલ્લો મૂકવાની ઉતાવળમાં તંત્ર અને કોન્ટ્રાક્ટરે નૈતિકતા નેવે મૂકી છે. મહીસાગરના પવિત્ર જળમાં મજૂરો દ્વારા જે રીતે ડામરનો કચરો ફેંકવામાં આવી રહ્યો છે, તે જોતા સવાલ થાય છે કે શું તંત્રને માત્ર માણસોના જીવની જ નહીં, પણ પર્યાવરણની પણ કોઈ કિંમત નથી? સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા પુરાવા તંત્રની ઘોર નિંદ્રા અને સુપરવાઈઝરની ગેરહાજરીની ચાડી ખાઈ રહ્યા છે.