વહેલી સવારે મજૂર વર્ગ કામ અર્થે ગયા હોવાથી મોટી જાનહાનિ ટળી; ગાયત્રી પરિવાર મદદે દોડ્યો
વડોદરા: શહેરના ખોડિયારનગર વિસ્તારમાં આવેલી વૈકુંઠ-2 સોસાયટી પાસે આજે વહેલી સવારે ઝૂંપડપટ્ટીમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળી હતી. આ દુર્ઘટનામાં અંદાજે 15 થી 20 જેટલા ઝૂંપડાં બળીને રાખ થઈ ગયા છે. આગ એટલી વિકરાળ હતી કે ગણતરીની મિનિટોમાં ગરીબ મજૂર પરિવારોની જીવનભરની મૂડી અને ઘરવખરીનો સામાન બળીને ખાક થઈ ગયો હતો. સદનસીબે, ઘટના સમયે મોટાભાગના લોકો કામ અર્થે બહાર ગયા હોવાથી કોઈ જાનહાનિ થઈ નથી.

પ્રાપ્ત માહિતી અનુસાર, વડોદરાના ખોડિયારનગર સ્થિત વૈકુંઠ-2 પાસે શ્રમજીવીઓના ઝૂંપડાં આવેલા છે. રોજબરોજની જેમ આજે વહેલી સવારે અહીં રહેતા મજૂર પરિવારો પોતાના રોજીંદા કામકાજ માટે નીકળી ગયા હતા. આ દરમિયાન અચાનક એક ઝૂંપડામાં આગ લાગી હતી, જે જોતજોતામાં આસપાસના અન્ય ઝૂંપડાઓમાં ફેલાઈ ગઈ હતી. સ્થાનિકો દ્વારા ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવતા બે ફાયર ફાઈટર તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને આગ પર કાબૂ મેળવ્યો હતો. જોકે, ત્યાં સુધીમાં 15 થી 20 જેટલા પરિવારોના આશિયાના ઉજડી ગયા હતા.

આગમાં અનાજ, કપડાં, વાસણો અને અન્ય ઘરવખરીનો તમામ સામાન બળી ગયો છે. અસરગ્રસ્ત પરિવારો હાલ કાળઝાળ ઠંડી વચ્ચે ઘરવિહોણા બની ગયા છે. આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ જાણી શકાયું નથી, પરંતુ શોર્ટ સર્કિટ અથવા અન્ય કોઈ કારણસર આગ લાગી હોવાનું અનુમાન સેવાઈ રહ્યું છે.
આ મુશ્કેલ સમયમાં માનવતાના દર્શન થયા હતા. ગાયત્રી પરિવારના સભ્યો અને સ્થાનિક રહીશો તાત્કાલિક અસરગ્રસ્તોની વહારે આવ્યા હતા. ગાયત્રી પરિવારના સભ્ય સુરેશભાઈ સોલંકીએ જણાવ્યું હતું કે, “આ લોકો અત્યારે સૌથી મુશ્કેલ પરિસ્થિતિમાં છે. તેમની પાસે ખાવા માટે અનાજ કે આ ઠંડીમાં ઓઢવા માટે કપડાં પણ બચ્યા નથી. અમે તમામ લોકો સાથે મળીને તેમને ભોજન, કપડાં અને અન્ય જરૂરી વસ્તુઓ પૂરી પાડવા માટે પ્રયત્નો કરી રહ્યા છીએ.”
હાલમાં આ શ્રમજીવી પરિવારો ખુલ્લા આકાશ નીચે આવી ગયા છે અને સામાજિક સંસ્થાઓ દ્વારા તેમને શક્ય તેટલી મદદ પહોંચાડવામાં આવી રહી છે.