વડોદરા, તા. 3
ખોટા દસ્તાવેજો અને નકલી વેરિફિકેશન આધારે સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI)માંથી રૂ. 1.97 કરોડથી વધુની હોમ લોન મેળવી બેંક સાથે છેતરપીંડી કરવાના કેસમાં સંડોવાયેલી ફરાર મહિલા આરોપીને વડોદરા ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડી છે. આરોપીને આગળની કાર્યવાહી માટે ગોરવા પોલીસ સ્ટેશનમાં સોંપવામાં આવી છે.
મળતી માહિતી મુજબ વડોદરા શહેરના ઇલોરા પાર્ક સ્થિત એસબીઆઇ શાખામાં કે. પ્રવિણચન્દ્ર એન્ડ એસોશિયેટ્સ નામની પેઢી તથા તેના પાંચ ફિલ્ડ એક્ઝિક્યુટિવ સહિત કુલ 16 આરોપીઓએ હોમ લોન અરજદારોની નોકરી અને રહેઠાણ અંગે ખોટું વેરિફિકેશન તૈયાર કરી બેંકમાં રજૂ કર્યું હતું. નકલી જોબ કન્ફર્મેશન અને રહેણાંક વિગતોના આધારે અલગ-અલગ હોમ લોન મંજૂર કરાવી રૂ. 1.97 કરોડની રકમની ઉચાપત કરવામાં આવી હતી.
આ કેસમાં આરોપીઓ ભાગતા ફરતા હોવાથી ક્રાઇમ બ્રાન્ચે શોધખોળ હાથ ધરી હતી. તપાસ દરમિયાન મહિલા આરોપી ચેટર્જી ચંપા મિહીરભાઈ (રહે. હરિઓમનગર સોસાયટી, બીલ; તેમજ સ્ટાર રેસી, વાસણા-ભાયલી રોડ, વડોદરા) હાલ ન્યુ અલકાપુરી રોડ પર આવેલા આકાશ એપાર્ટમેન્ટમાં હોવાનું જાણવા મળ્યું હતું. બાતમીના આધારે ક્રાઇમ બ્રાન્ચે મહિલા પોલીસ સાથે રેડ કરી આરોપીને ઝડપી પાડી હતી.
પોલીસે જણાવ્યું કે કેસમાં અન્ય સંડોવાયેલા આરોપીઓની ધરપકડ માટે તપાસ ચાલુ છે અને લોન દસ્તાવેજો, વેરિફિકેશન પ્રક્રિયા તથા નાણાંના પ્રવાહ અંગે વધુ પૂછપરછ કરવામાં આવશે.