વાઇસ ચેરમેન પદે ડાકોરના વિજય પટેલની બિનહરિફ વરણી
પ્રતિનિધિ, આણંદ
ખેડા જિલ્લા દૂધ ઉત્પાદક સહકારી સંઘ (અમુલ ડેરી)ના ચેરમેન પદે શાભેસિંહ પરમાર તથા વાઇસ ચેરમેન પદે ડાકોરના વિજય પટેલની બિનહરિફ વરણી કરવામાં આવી છે. બંને હોદ્દેદારોની સત્તાવાર રીતે નિમણૂક જાહેર થતા અમુલ ડેરીના રાજકારણમાં નવી સમીકરણો સ્પષ્ટ થયા છે.
ભાજપ સમર્થિત ઉમેદવારોનો દબદબો
અમુલ ડેરીમાં ભ્રષ્ટાચાર મુક્ત અને પારદર્શી વહીવટના સંકલ્પ સાથે ગત સપ્ટેમ્બરમાં યોજાયેલી ચૂંટણીમાં ભાજપ સમર્થિત ઉમેદવારોને સ્પષ્ટ બહુમતી મળી હતી. ખેડા જિલ્લા દૂધ ઉત્પાદક સહકારી સંઘની કુલ બેઠકોમાંથી પ્રથમ વખત 11 બેઠકો પર ભાજપનો સંપૂર્ણ ભગવો લહેરાયો છે, જ્યારે માત્ર બે બેઠકો પર કોંગ્રેસ પ્રેરિત ઉમેદવારોને જીત મળી છે. પરિણામે સંઘ પર પ્રથમ વખત કમળ સોળે કળાએ ખિલ્યું હોવાનું રાજકીય વર્તુળોમાં ચર્ચાઈ રહ્યું છે.
હોદ્દેદારોનો પરિચય અને સંકલ્પ
નવનિયુક્ત ચેરમેન શાભેસિંહ પરમાર વિરપુર બેઠકમાંથી પ્રતિનિધિત્વ કરે છે, જ્યારે વાઇસ ચેરમેન વિજય પટેલ વ્યક્તિગત બેઠકમાંથી ચૂંટાઈ આવ્યા છે અને ભાજપ સાથે સંકળાયેલા છે. બંને હોદ્દેદારોએ પશુપાલકોના હિતને સર્વોપરી રાખીને પારદર્શી અને જવાબદાર વહીવટ આપવાનો સંકલ્પ વ્યક્ત કર્યો છે.
પશુપાલકોમાં આશાનો માહોલ
અમુલ ડેરીના નેતૃત્વમાં થયેલી આ નવી નિમણૂકથી ખેડા જિલ્લામાં પશુપાલકોમાં આશા અને વિશ્વાસનો માહોલ સર્જાયો છે. સંઘના સંચાલનમાં પારદર્શિતા, વિકાસ અને પશુપાલકોના કલ્યાણને પ્રાથમિકતા આપવામાં આવશે તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી રહી છે.