




- નડિયાદમાં ધૂળની ડમરીઓ ઉડ્યા બાદ પવન સાથે મેઘરાજાની એન્ટ્રી થતા ખેડૂતો ચિંતાતુર
(પ્રતિનિધિ) નડિયાદ, તા.19
નડિયાદ સહિત સમગ્ર ખેડા જિલ્લામાં ગુરુવારે વાતાવરણમાં આવેલા અચાનક પલટા બાદ તેજ ગતિએ પવન ફૂંકાયો હતો અને ત્યારબાદ કમોસમી વરસાદ ખાબકતા તૈયાર રવિ પાકને ભારે નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. હવામાન વિભાગની આગાહી મુજબ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર હેઠળ જિલ્લામાં ધૂળની ડમરીઓ સાથે વાવાઝોડું ત્રાટકતા જનજીવન પ્રભાવિત થયું હતું અને કાપણી કરી ખેતરમાં રાખેલા ઘઉં તેમજ તમાકુના પાકમાં પાણી ફરી વળતા ખેડૂતો આર્થિક પાયમાલીની દહેશત અનુભવી રહ્યા છે.
રાજ્યમાં છેલ્લા થોડા સમયથી કુદરતી આફતોનો સિલસિલો યથાવત રહ્યો છે ત્યારે ખેડા જિલ્લામાં સવારથી જ આકાશ વાદળછાયું બન્યું હતું. બપોર બાદ અચાનક પવનની ગતિમાં વધારો થયો હતો અને જોતજોતામાં વાવાઝોડા જેવી સ્થિતિ સર્જાઈ હતી. પવન એટલો પ્રચંડ હતો કે અનેક વિસ્તારોમાં વીજ લાઈનો પર ઝાડની ડાળીઓ પડવાને કારણે વીજ પ્રવાહ ખોરવાઈ ગયો હતો. સાંજ પડતાની સાથે જ પવન સાથે વરસાદી ઝાપટાં શરૂ થતા વાતાવરણમાં ઠંડક તો પ્રસરી હતી, પરંતુ ખેડૂતો માટે આ આફત બનીને આવ્યો હતો. ખેતીવાડીના નુકસાનની વાત કરીએ તો હાલ ખેતરોમાં રવિ પાકની સીઝન અંતિમ તબક્કામાં છે. ખેડૂતોએ ઘઉંની કાપણી કરી લીધી છે અને અનેક જગ્યાએ ઘઉંના પુળા ખેતરમાં જ પડ્યા છે. આ ઉપરાંત તમાકુનો પાક પણ તૈયાર થઈ ગયો હોવાથી તેની પણ કાપણી ચાલી રહી છે. આવી સ્થિતિમાં વરસાદ પડવાને કારણે તૈયાર માલ પલળી ગયો છે. અગાઉ દિવાળી સમયે થયેલા વરસાદે તમાકુના ધરૂવાડીયાનો નાશ કર્યો હતો અને હવે જ્યારે પાક ઘરે લાવવાનો સમય થયો છે ત્યારે ફરી કુદરત રૂઠી હોય તેવું લાગી રહ્યું છે. વરસાદને કારણે તમાકુના પાકની ગુણવત્તા બગડવાની અને ઘઉંમાં કાળી પડી જવાની શક્યતા વધી ગઈ છે.
જિલ્લામાં માત્ર રવિ પાક જ નહીં પણ આગામી ઉનાળુ સીઝન માટે તૈયાર કરવામાં આવેલા બાજરીના ધરુને પણ આ કમોસમી વરસાદથી ફટકો પડ્યો છે. ખેડૂતોએ રાત-દિવસ એક કરીને પકવેલી મજૂરી પર પાણી ફરી વળતા ગ્રામ્ય વિસ્તારોમાં સન્નાટો વ્યાપી ગયો છે. તેજ પવનને કારણે ઉભા પાક પણ નમી પડ્યા છે, જેની સીધી અસર ઉત્પાદન પર પડશે.
વીજ તંત્રની નબળી કામગીરીથી અંધારપટ
પવન ફૂંકાવાની શરૂઆત થતાની સાથે જ શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં વીજળી ગુલ થઈ ગઈ હતી. સામાન્ય પવનમાં પણ વીજ વાયરો તૂટી પડવાની કે ફોલ્ટ સર્જાવાની ઘટનાઓથી તંત્રની પ્રી-મોન્સૂન કામગીરી સામે સવાલો ઉભા થયા છે. મોડી સાંજ સુધી અનેક સોસાયટીઓ અને ગામડાઓમાં અંધારપટ છવાયેલો રહ્યો હતો, જેને કારણે ગૃહિણીઓ અને વિદ્યાર્થીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.