નડિયાદ, આણંદ । ખેડા જિલ્લાની 5 નગરપાલિકા અને 2 તાલુકા પંચાયતના પરીણામો બપોર સુધી સામે આવી ગયા હતા. મહુધા, ચકલાસી અને મહેમદાવાદમાં ભાજપને સ્પષ્ટ બહુમતી મળી છે. જ્યારે ખેડા અને ડાકોરમાં ભાજપ અને અપક્ષોની સંખ્યા સરખી ચૂંટાઈ આવી છે. જો કે, આ વચ્ચે જિલ્લા ભાજપ પ્રમુખે બંને નગરપાલિકામાં કેટલાક અપક્ષ ભાજપ પ્રેરીત હોવાનું જણાવી તમામ સ્થાને ભાજપ જ સત્તારૂઢ થશે, તેવા સ્પષ્ટ સંકેત આપી દીધા છે. આ તરફ બંને તાલુકા પંચાયતમાં પણ ભાજપને સ્પષ્ટ બહુમતી મળી છે. ખેડા નગરપાલિકાના 7 વોર્ડની 28 બેઠકમાં 14 પર ભાજપનો વિજય થયો છે. જ્યારે 13 બેઠકો અપક્ષના ફાળે અને 1 કોંગ્રેસના ફાળે ગઈ છે. આ તરફ ડાકોરમાં પણ 7 વોર્ડની 28 બેઠકોમાં 14 પર ભાજપ જીતી છે. જ્યારે 14 બેઠકો અપક્ષના ફાળે ગઈ છે. મહેમદાવાદની વાત કરીએ તો 7 વોર્ડની 24 બેઠકોમાં 18 પર ભાજપનો ભગવો લહેરાયો છે, જ્યારે 10 પર અપક્ષોએ દબદબો કર્યો છે. મહુધા નગરપાલિકામાં 6 વોર્ડની 24 બેઠકો પૈકી 14 પર ભાજપ અને 10 પર અપક્ષ વિજેતા બન્યા છે. તો ચકલાસીના 7 વોર્ડની 28 બેઠકમાં ભાજપે 16 પર જ્યારે 11 અપક્ષ અને 1 કોંગ્રેસના ઉમેદવાર વિજય બન્યા છે. આ તરફ કઠલાલ તાલુકા પંચાયતમાં 24 બેઠકો પૈકી 17 ભાજપ, 4 અપક્ષ અને 3 કોંગ્રેસ ઉમેદવારો જીત્યા છે અને કપડવંજ તાલુકા પંચાયતમાં કુલ 26 બેઠકો પૈકી 18 ભાજપ, 6 કોંગ્રેસ અને 2 અપક્ષ ઉમેદવારોએ જીત નોંધાવી છે. ડાકોર અને ખેડામાં ટાઈ પડવા મુદ્દે જિલ્લા ભાજપ પ્રમુખે બંને નગરપાલિકામાં ભાજપ પ્રેરીત 3 જેટલા અપક્ષો જીત્યાનો દાવો કર્યો છે. જેથી પાંચેય નગરપાલિકા અને 2 તાલુકા પંચાયતમાં હવે ભાજપ જ સત્તારૂઢ થશે તે નિશ્ચિત છે. આણંદ જિલ્લાની સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીમાં ત્રણ પાલિકાઓની સામાન્ય અને બે પેટાચૂંટણીમાં ભાજપનો દબદબો રહેવા પામ્યો છે. ભાજપે ઓડ નગરપાલિકામાં તમામ બેઠકો પર ભગવો લહેરાવી ક્લીનસ્વીપ આપી દીધી છે. તેમજ બોરીયાવીમાં બહુમતી હાંસલ કરી લીઘી છે. જ્યારે આંકલાવમાં પણ બહુમતીથી માત્ર ચાર જ બેઠકો દુર હોય અપક્ષોના ટેકા સાથે આંકલાવમાં પણ સત્તા હસ્તગત કરશે તેવી શક્યતાઓ જણાઈ રહી છે. ભાજપે ઓડ નગરપાલિકાની તમામ 24 બેઠકો જીતીને ભવ્ય જીત હાંસલ કરી છે. જ્યારે બોરીયાવીમાં 24માંથી 18 બેઠકો પર જીત મેળવી છે. જ્યારે બે બેઠકો પર અપક્ષો વિજયી બન્યા છે. બોરીયાવીમાં 27 વર્ષ બાદ ભાજપ સંપુર્ણ બહુમતિ મેળવી છે. જ્યારે આંકલાવ પાલિકામાં ભાજપે પહેલવહેલી વખત ઉત્કૃષ્ઠ પ્રદર્શન કરતાં કોંગ્રેસનુ પ્રભુત્વ ધરાવતા આંકલાવમાં 10 બેઠકો જીતી લીઘી છે. જયારે 14 બેઠકો પર અપક્ષોનો વિજય થયો છે. જે 14 અપક્ષો જીત્યા છે તેમાંથી 10 કોંગ્રેસ પ્રેરીત છે જ્યારે 4 અપક્ષો સ્વતંત્ર હોવાનું જાણવા મળ્યું છે. જેને લઈને આંકલાવમાં સત્તા માટે ભારે તડજોડ થવાની સંભાવના વધી છે. વિજેતા બનેલા ઉમેદવારો અને સમર્થકોએ ડીજેના તાલે વિજય રેલીઓ તેમજ ફટાકડાની આતશબાજી અને ગુલાલની છોડો ઉડાડીને વિજયોત્સવ મનાવ્યો હતો.
