નડિયાદ – અમદાવાદ નેશનલ હાઈવે પર કારમાં આવેલા શખ્સોએ ફિલ્મીઢબે રીક્ષા આંતરી રોકડની લૂંટ કરી
નડિયાદની બેંકમાંથી રૂ.એક કરોડ રોકડા ઉપાડી રીક્ષામાં અમદાવાદ જતાં ચાલકને બેટડીલાટ બ્રીજ પાસે લૂંટી લીધા
(પ્રતિનિધિ) ખેડા તા.21
ખેડામાંથી પસાર થતાં નેશનલ હાઈવે પર રીક્ષામાં રૂ. એક કરોડ રોકડા લઇ જતા અમદાવાદના બે યુવકને કારમાં આવેલા શખ્સોએ ફિલ્મીઢબે આંતર્યાં હતાં અને રોકડ ભરેલો થેલો લૂંટી ફરાર થઇ ગયાં હતાં. નડિયાદમાંથી રોકડ ઉપાડી અમદાવાદ જતાં યુવકો લૂંટાતાં પોલીસ પણ દોડતી થઈ હતી અને નાકાબંધી સહિતના પગલાં ભર્યાં હતાં. આ અંગે ખેડા પોલીસે અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધ્યો હતો.
અમદાવાદના કેશવનગરમાં રહેતા હસમુખ ઉર્ફે છોટુ રાજુભાઈ ડાભી રીક્ષા ડ્રાઇવીંગ કરે છે. આ હસમુખનો મિત્ર જોગશે ઉર્ફે મેહુલ હરિશ બોડાણા જાહેરાત બનાવવાનું કામ કરતો હતો. આ ઉરાંત જોગશે ઉર્ફે મેહુલ અનાજનો જથ્થાબંધ ધંધો પણ કરે છે. દરમિયાનમાં 20મી જાન્યુઆરી, 2025ના રોજ સવારના દસેક વાગે જોગશે ઉર્ફે મેહુલે ફોન કરી હસમુખને બોલાવ્યો હતો અને ધંધાના રોકડા નાણા નડિયાદના રાહીદ પાસેથી લાવવાના છે. તેમ જણાવ્યુ હતું. જેથી હસમુખ રીક્ષા લઇ રાહીદ સૈયદની ઓફિસે પહોંચી ગયો હતો. જ્યાંથી હસમુખ અને રાહિદ બન્ને નડિયાદની બેંકમાંથી રોકડા નાણા એક કરોડ લઇ વિમલના થેલામાં ભરી રીક્ષામાં અમદાવાદ આવવા નિકળ્યાં હતાં. આ રીક્ષામાં રાહિદ ઉપરાંત તેના પત્ની પણ હતાં. જોકે, રાહિદ સૈયદ તથા તેની પત્ની ખેડા ચોકડી ધોળકા બ્રીજ નીચે ઉતરી ગયાં હતાં. જ્યાથી પાંચેક કિલોમીટર આગળ જતાં સાંજના આશરે સાડા પાંચ વાગ્યાના સુમારે બેટલીલાટ બ્રીજ આવ્યો છે. જે બ્રીજ ઉપર રીક્ષાની પાછળથી એક સફેદ કલરની ઇક્કો ગાડી ધસી આવી હતી. આ કારે રીક્ષાની આગળ લાવી ઉભી કરી દીધી હતી. બાદમાં કારમાંથી બે શખ્સ ઉતર્યાં હતાં અને બે શખ્સ કારમાં જ બેઠાં હતાં. નીચે ઉતરેલા બન્ને શખ્સોએ ગુજરાતી ભાષામાં જ અપશબ્દ બોલી દારૂ પી રીક્ષા ચલાવે છે. તેમ જણાવી મોઢાના ભાગે ફેંટ મારી ધમકી આપી વિમલના થેલામાં રોકડ એક કરોડ રૂપિયા હતાં. જે મેહુલને આપવાના હતા તે લૂંટી કારમાં પુરઝડપે ભાગી ગયાં હતાં. આ કારની પાછળ રીક્ષામાં નારોલ સુધી જતાં કાર નં.જીજે 13 સીડી 2555 હતી. આ બનાવ અંગે મેહુલને વાત કરતાં તેઓએ પોલીસ ફરિયાદ આપવા ખેડા ધસી આવ્યાં હતાં. આ અંગે હસમુખ ડાભીની ફરિયાદ આધારે ખેડા પોલીસે અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
