પતિને આડા સંબંધ અંગે ટકોર કરતાં પત્નીને માર મારતો હતો
ખેડાના નવાગામમાં રહેતી પરિણીતાએ તેના પતિના આડાસંબંધથી કંટાળી ગળે ફાંસો લઇ આપઘાત કરી લીધો હતો. આ અંગે તેના પિયરીયાએ ખેડા પોલીસ મથકે પતિ સામે ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
ખેડાના ભગુપુરા તાબેના સારસામાં રહેતા રાજેશ મનુભાઈ સોલંકીની નાની દિકરી ભૂમિકાબહેન (ઉ.વ.20)ના લગ્ન નવાગામ ખાતે રહેતા રાહુલ રમેશ બારૈયા સાથે બે વર્ષ અગાઉ થયાં હતાં. ભૂમિકાબહેન તેના લગ્ન બાદ તેની સાસરીમાં પતિ રાહુલ, સાસુ – સસરા સાથે રહેતી હતી. ભુમિકાબહેને લગ્ન બાદ પણ ભણવાનું ચાલુ રાખ્યું હતું અને અમદાવાદની કોલજના બીજા વર્ષમાં અભ્યાસ કરતી હતી. જોકે, તે પિયર આવી ત્યારે ફરિયાદ કરી હતી કે, મારા પતિ રાહુલને કોઇ અન્ય છોકરી સાથે આડો સંબંધ છે અને તેની સાથે ફોન પર વાતો કર્યા કરે છે. મને કહે છે કે, મારે તને રાખવાની નથી. મારે બીજી પત્ની લાવવી છે. તુ મરી જાય તો હું બીજી પત્ની લાવી દઉં. તેમ જણાવી મ્હેણાં ટોણાં મારી ઝઘડા કર્યાં કરે છે. જોકે, સમજાવટથી કામ લઇ ભૂમિકાબહેનને પરત સાસરીમાં મોકલી આપ્યાં હતાં. થોડા દિવસો બાદ તે ફરી રિસાઇને ભૂમિકાબહેન પિયર ઘરે આવ્યાં હતાં અને તેનો પતિ રાહુલ તેની સાથે મારઝુડ કરી ત્રાસ આપતા હોવાની વાત કરી હતી. આ ઉપરાંત પતિના ત્રાસથી કંટાળી જીવન ટુંકાવી નાંખવા મજબુર કરતાં હોવાનું જણાવ્યું હતું. આથી, તેના પિયરીયાએ તેને પરત સાસરીમાં મોકલ્યાં નહતાં.
દરમિયાનમાં 24મી માર્ચ,24ના રોજ હોળીના તહેવારને ધ્યાને રાખી ભૂમિકાબહેનને સમજાવી સાસરીમાં મોકલી આપ્યાં હતાં. બાદમાં 28મી માર્ચના રોજ જાણવા મળ્યું હતું કે, દિકરી ભૂમિકાબહેનને ખેંચો ચાલુ થઇ ગઇ છે અને તેને બારેજા હોસ્પિટલમાં ખસેડ્યાં છે. આથી, રાજેશભાઈ સોલંકી અને તેના પરિવારજનો તાત્કાલિક હોસ્પિટલ પહોંચ્યાં હતાં. જોકે, તેઓ પહોંચે તે પહેલા ભૂમિકાબહેનનું મોત નિપજ્યું હતું. આ સમયે ભૂમિકાબહેનના ગળાના ભાગે લાલ કાળો પાતળો બંને કાન સુધી કાપાનું નિશાન પડેલું હતું. જેથી શક પડતાં મૃતદેહ સરકારી હોસ્પિટલ લઇ ગયાં હતાં. જ્યાં પોલીસને જાણ કરતાં ટીમ સ્થળ પર પહોંચી હતી અને પોસ્ટમોર્ટમ કરાવ્યું હતું. જેમાં ભૂમિકાએ ગળે ફાંસો ખાઇ આપઘાત કર્યો હોવાનું ખુલ્યું હતું. આ રિપોર્ટ આધારે રાજેશભાઈ સોલંકીએ તેના ભૂમિકાના પતિ રાહુલ રમેશ બારૈયા સામે ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધી ધરપકડ માટે ચક્રોગતિમાન કર્યાં છે.
ખેડામાં પતિના આડાસંબંધથી ત્રસ્ત પરિણીતાએ ગળે ફાંસો ખાધો
By
Posted on