વડાલા ગામ પાસે 11 કેવીના વાયરોની સાથે વીજ પોલ જમીન દોસ્ત થતાં 4 ગામમાં અંધારપટ્ટ છવાયો
ખેડાના વડાલા ગામ પાસે મોટો અકસ્માત થતો બચી ગયો હતો. ગેસ ભરેલી ટેન્કર ધડાકાભેર વીજ પોલ સાથે અથડાઇ હતી. જેના કારણે 11 કેવીના ચાર પોલ તુટી પડ્યાં હતાં. જેના પગલે ગંભીર સ્થિતિ સર્જાઇ હતી. આથી, તાત્કાલિક વીજ કંપનીની ટીમ સ્થળ પર પહોંચી હતી અને વીજ પુરવઠો બંધ કર્યો હતો. જ્યારે મામલતદાર અને પોલીસ પણ સ્થળ પર પહોંચ્યાં હતાં.
ખેડા પાસેથી પસાર થતાં નેશનલ હાઈવે પર આવેલા વડાલા ગામમાં ગેસ પ્લાન્ટ આવેલો છે. આ પ્લાન્ટ નજીક જ ગેસ ભરેલી ટેન્કર અચાનક 11 કેવી વીજ લાઇનના પોલ સાથે અથડાઇ હતી. જેના કારણે જેશ્વાપુરાના ફિડરના ચાર વીજ પોલ પત્તાના મહેલની જેમ ધરાશાઈ થઇ ગયાં હતાં. આમ, પોલ પડતાં સાથે જ જીવતા વીજ વાયર રસ્તા પર પડ્યાં હતાં. જેના કારણે મોટી દૂર્ઘટના બનવાનો ભય ઉભો થયો હતો. જોકે, આ અંગે વીજ કંપનીને જાણ કરતાં તાત્કાલિક વીજ પુરવઠો બંધ કરવામાં આવ્યો હતો. જ્યારે એક ટીમ સ્થળ પર પહોંચી હતી. બીજી તરફ ઘટનાની જાણ થતાં ખેડા મામલતદારની ટીમ, ખેડા ટાઉન પોલીસનો સ્ટાફ પણ સ્થળ પર પહોંચી ગયો હતો.
આ ઘટનાના પગલે તાત્કાલિક રસ્તો બંધ કરતાં ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયાં હતાં. જેને પગલે પોલીસે વીજ કર્મચારીની મદદથી વાયર ખસેડી ટ્રાફિક રાબેતા મુજબ ચાલુ કરાવ્યો હતો. જોકે, વીજ કંપનીએ તાત્કાલિક મરામતની કામગીરી શરૂ કરી હતી. પરંતુ અકસ્માતના કારણે હરિયાળા, વાટડી, ગાંધીપુરા, જેસ્વાપુરામાં વીજ પુરવઠો ખોરવાયો હતો. જેને રાબેતા મુજબ કરવા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.