એક માણસ દરિયાકિનારે લટાર મારવા નીકળ્યો હતો. તે માણસ બહુ ચિંતામાં હતો.એકદમ નિરાશ અને હતાશ, કારણ કે તે ચારે બાજુથી તકલીફોથી ઘેરાયેલો હતો.ચાલતાં ચાલતાં તેણે જોયું કે થોડે દૂર એક વૃદ્ધ વ્યક્તિ ‘સેન્ડ કેસલ’એટલે રેતીના કિલ્લા બનાવી રહ્યો હતો અને એ વૃદ્ધ વ્યક્તિ રેતીના કિલ્લા બનાવવામાં એકદમ સંપૂર્ણપણે મગ્ન હતા અને સાથે સાથે તેઓ કોઈ મીઠું મીઠું ગીત ગણગણતા હતા. તેમના કરચલીવાળા મુખ પર એકદમ સરસ મજાનું સ્મિત પણ હતું. માણસે તેમને જોયા અને વૃદ્ધ વ્યક્તિના ચહેરા પરની ખુશી જોઈને તે તેની પાસે ગયો અને પૂછ્યું, ‘દાદા, એક વાત પૂછું કે તમે આટલા ખુશ કેમ દેખાવ છો?’વૃદ્ધ દાદા બોલ્યા, ‘હું ખુશ છું કારણ કે હું મને ગમતું આ રેતીના કિલ્લા બનાવવાનું કામ કરી રહ્યો છું.’
પેલા માણસે કહ્યું, ‘દાદા, તમને રેતીના કિલ્લા બનાવવા ગમે છે પણ હમણાં દરિયાના મોજાની એક થપાટ આવશે અને બધા કિલ્લા તોડી નાખશે.’દાદા બોલાયા, ‘મને એવી કોઈ ચિંતા નથી કે આ રેતીના કિલ્લા હમણાં પેલું દરિયાનું મોજું આવશે ને તોડી નાખશે. મને એ પણ ચિંતા નથી કે મારા રેતીના કિલ્લા એકદમ બરાબર બન્યા છે કે નહીં? હા. બસ મને તેને બનાવવાની મજા આવે છે અને તે બનાવવામાં જ હું ખુશ છું.’ દાદાની આ વાત સાંભળીને પેલા માણસને સમજાયું કે તે પોતે પોતાની ચિંતા અને પોતાની મુશ્કેલીઓ પર જ ધ્યાન આપતો હતો એટલે તે સાદી સરળ વસ્તુમાંથી તેને ગમતી વસ્તુઓમાંથી તેની આજુબાજુમાંથી ખુશી મેળવવાનું કે ખુશી તરફ જોવાનું સાવ ભૂલી ગયો હતો. તેણે દાદાને થેન્ક્યુ કહ્યું અને દાદા તો પોતાના રેતીના કિલ્લા બનાવવામાં મગ્ન હતા.
પેલો માણસ આગળ ચાલવા લાગ્યો પણ આ દાદા જોડેના થોડીક પળોના સંવાદમાં તેની ઘણી બધી નિરાશા હતાશા દૂર થઈ ગઈ. તેને બહુ સારું લાગ્યું અને સારું લાગવાથી તે વિચારવા લાગ્યો કે ‘ખુશી તમે તમારી આજુબાજુમાંથી શોધી શકો છો. આજમાં અત્યારે તમે તમારી ગમતી કોઈ પણ વસ્તુ કરી અને ખુશી મેળવી શકો છો. તમે જીવન પ્રત્યેનો, તમારા સંજોગો પ્રત્યેનો તમારો જોવાનો દૃષ્ટિકોણ બદલવો જોઈએ એટલે કે તમારી જોવાની દૃષ્ટિ બદલવી જોઈએ. ઘણી બધી નાની નાની ખુશીઓ આપણી આજુબાજુ વિખરાયેલી પડી છે જરૂર છે માત્ર તેને જોવાની, તેને મેળવવાની અને તે ખુશી સાથે આજની પળમાં ખુશ રહેવાની.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે
