Comments

ખુશ્બો મૂકી જાય પ્રિયે ખુશ્બો મૂકી જાય…!

બાર ગાઉએ બોલી બદલે તરુવર બદલે શાખા
બુઢાપામાં કેશ બદલે પણ લખણ ના બદલે લાખા..!
ઉબાડિયુંનાં લખ્ખણ પણ એવા જ હંઅઅઅકે..! પામો તો પરમ આનંદ આપે, પણ લખણ નહિ છોડે..! એવું અલ્લડ ચાવણું કે, લગન કરીને પિયરનું પાદર નહિ છોડવા માંગતી અડિયલ છોકરીની માફક, વરસોથી વાપીથી તાપીનો પટો બદલ્યો નથી બોલ્લો..!.

અમદાવાદનું ભૂસું, રાજકોટની ચટણી, વડોદરાનો ચેવડો, આણંદના ગોટા, ભરૂચનાં ભજીયાં, સુરતની ઘારી, સુરતનો પોંક ને સુરતનો લોચો વિખ્યાત ને આગળ જાવ તો વલસાડના ચીકુ ને વડાપાઉં વખણાય એમ આજે પણ આ પરગણાનું તમતમતું ઉબાડિયું વખણાય..! એના કપાળમાં કાંદા ફોડું, એક વાર જીભે ચઢે એટલે એવું ચઢે કે, ‘બુઢા ભી ઉસે ખાયે તો જવાં હો જાયે..!’આગલા જનમમાં બાર દિવસમાં બાર જ્યોતિર્લિંગની યાત્રા કરી હોય એને જ આ જનમમાં ઉબાડિયાની ભૂમિમાં જનમ મળે એટલું પ્રભાવી..!

દુ:ખની વાત એ કે, “Journal of the First Voyage of Columbus,”ક્રિસ્ટોફર કોલંબસના જેવો ઈતિહાસ નથી લખાયો. ગળાના છેડા સુધીના સોગંદ ખાઈને કહું કે, ઉબાડિયાનો શોધક પણ કોઈ સુરતીલાલો જ હશે. એ વિના ઉબાડિયાનાં ખાદ્યાલયો વાપીથી તાપી સુધીના ‘હાઈ-વે’ની ધાર પકડીને ધમધમતાં ના હોય..! સુગંધ જ એવી કે, રસ્તા ઉપરથી વાહન જતાં હોય તો, તે પણ ડચકાં ખાતાં ઊભા રહી જાય. વાહનને પણ જાણે ખબર પડી જાય કે, આસપાસમાં ઉબાડિયાનું લોકેશન લાગે છે..! નાકમાં સુગંધ જાય એટલે, જૂની શરદી ને જૂની કબજીયાત સળવળવા માંડે. જો વધારે ખવાઈ ગયું તો શ્રી રતિલાલ છાયાની પંક્તિ યાદ કરાવી દે કે, ‘ખુશ્બો મૂકી જાય, પ્રિયા ખુશ્બો મૂકી જાય..!’

‘ટેસ્ટી’હોવા છતાં, એનું સ્થાન ફાઈવ સ્ટાર હોટલમાં નથી, એનું અમને સુરતીઓને દુ:ખ છે. બાકી, દુનિયાની મોંઘામાં મોંઘી લાસવેગાસની હોટલ ‘બેલાગિયો એન્ડ કસીનો‘માં ઉબાડિયાની રેંકડી ગોઠવવા દે તો, સાતી નહિ, છાતી ઠોકીને કહું કે, રશિયા, યુક્રેન અને ઇઝરાયેલ-ઈરાનવાળા યુદ્ધ અટકાવીને ઉબાડિયું ઝાપટવા આવે..! કાળા વાળની પાપડીના ઉબાડિયા આગળ એમનો બોંબમારો પણ સુરસુરિયું થઇ જાય.

 એમાં સાથે જો સુરતી લોચો, સુરતી છાશ ને તમતમતી ચટણીનો આથો મળે તો, પોતાના લોચા પણ ભૂલી જાય. પથ્થર હૃદયના હોય તે, “પોચ્ચા-પોચ્ચા”બની જાય..! યુધ્ધને બદલે કવિતાની કૂંપળો કાઢતા થઇ જાય. આ તરફ આવવાનું થાય અને કોઈ ગંદો ઝભ્ભા ચઢાવેલો, દાઢી વધારેલો ખેંખડી માણસ સામેથી આવતો જોવા મળે તો માનવું કે, એ અમારો કવિ ‘’ઉબાડીયો’જ હોય…!

‘ખુશ્બુ મૂકી જાય, ઉબાડિયું ખુશ્બુ મૂકી જાય’જેવી ચોટદાર કવિતા એવી કાઢે કે, સમજવા માટે ઉબાડિયું જ ઝાપટવું પડે. એ વિના કવિતાનો મરમ નહિ સમજાય..! ક્યાં તો પછી ચમનિયા જેવા ગાઇડને ભાડે કરવો પડે…! ઉબાડિયામાં જાદુ છે બોસ..! ભલે ને ઉકરડાની બાજુમાં ઉબાડિયું બનતું હોય, પણ એવું ટેસ્ટી કે એના જેવું કોઈ ‘બેસ્ટી’નહિ..! ‘ડુંગરે-ડુંગરે કાદુ તારા ડાયરા’ની માફક, માંડવે-માંડવે ઉબાડિયાના સ્વાદ અલગ ને માંડવાનાં નામ પણ અલગ.! મોટા ભાગે દેવી દેવતાનાં નામ ઉપરથી જ માંડવાનાં નામ રાખેલાં હોય.

 ધંધામાં બરકત પણ આવવી જોઈએ ને..? ખાધા પછી કોઈને આડ અસર નહિ થાય એવી શ્રધ્ધા..! પણ મોભેદારને પણ ત્યાં ઊભા રહીને, ઉબાડિયું ઝાપટવામાં મોભો આડો આવતો નથી, એ એની ખૂબી છે..! ‘ઊંઘ જુએ નહિ ખાટલો, ને ભૂખ જુએ નહિ પાટલો’ની માફક સાલું, ઉબાડિયું ખાવા માટે મેળો જામે..! રેંકડીની ચહા, રેંકડીનો લોચો, ભજીયાંની સુવાસ ને ઉબાડિયાની વાસ, ભલભલાનું ભાન અને સ્થાન ભુલાવી દે. તેલ લેવા જાય પોઝીશન કહીને એવા તૂટી પડે કે, ઉકરડે બેસીને પણ ઉબાડિયાના બટાકા ને રતાળુ છોલતા થઇ જાય..! ડુંગરીમાં ઉબાડિયું બનતું હોય તો એની સુગંધનો છેડો દુબઈમાં ફૂટે એવી તો એની સુવાસ..! ચોખ્ખાઈની પત્તર ફાડતો એન.આર.આઈ. પણ ઉબાડિયું ચાખવા લલચાય.! જીભડું વલવલવા માંડે તો માનવું કે, આજુબાજુમાં ઉબાડિયાનો ઝોન આવેલો છે. વાપીથી તાપીનો હાઈ-વેનો આ માર્ગ, જોવાલાયક કરતાં ખાવાલાયક તરીકે વધારે વખણાય.

 ‘કુત્તેકા ભી એક દિન આતા હૈ’એના જેવું છે..! અમને ડર એ વાતનો લાગે કે, જો યમરાજને ઉબાડિયું કોઠે ચઢી ગયું તો, યમરાજની હેરાફરી અમારી બાજુ વધવા માંડે. પછી તો, યમરાજ પણ જીવ ઉપાડવાને બદલે ઉબાડિયું ઉપાડવાના ધંધે લાગી જાય..! ચમનિયો ઘણી વાર મને કહે, ‘રમેશિયા..! યાદ રાખજે, એક દિવસ ઉબાડિયાવાળો પણ પ્રધાન મંત્રી બની જશે, કહેવાય નહિ..!’એના કપાળમાં કાંદા ફોડું..! બાકી ઉબાડિયું એટલે, વેંગણ-પાપડી-બટાકા-રતાળુ કન વગેરેનો બાફેલો મસાલેદાર સરવાળો..! ભગવાનશ્રી રામના સંપર્કથી શલ્યાજી અહલ્યા થયેલાં એમ, બકાલાનાં સંપર્કમાં માટલું આવ્યું, અને બકાલાનો ઉદ્ધાર થઇ ગયો.

એને માટલા સાથેનું ગઠબંધન જ કહેવાય મામૂ..! અગરબત્તી બળે, પણ સુગંધ બીજાને આપે, એમ માટલું પોતે બળે, ને ઉદ્ધાર બકાલાનો કરે..! એની જાત ને ઉપર પણ ભ્રષ્ટાચારવાળું ચાલતું હોય તો ઘાટ આવી જાય દાદૂ..? ભાદરવાના સ્વજની કાગડા મારફત ઉબાડિયા મોકલીને મૃતકનો નરકનો કેસ મોક્ષમાં તો ફેરવી કઢાય..! તારી ભલી થાય તારી..! સારું છે કે, દક્ષિણ ગુજરાતનો કોઈ પણ શખ્સ ‘યમરાજ સેવા સર્વિસ’માં જોડાયેલો નથી. બાકી આવો ખેલ પણ કરે, એનું નામ ચમનિયો..!

રામાયણમાં કુંભકર્ણને જગાડવાનો ચોટદાર પ્રસંગ આવે છે. એમને નીંદરમાંથી ઉઠાડવા, જો ઉબાડિયાની સુગંધ આપી હોત તો, વધારે ધાંધિયા જ નહિ થાત. ચપટીમાં કુંભકર્ણજી ઊભા થઇ જાત. શબરીજીએ પણ, બોરને બદલે શ્રીરામજીને ઉબાડિયું ચખાડ્યું હોત તો, ભગવાન શ્રીરામ વારંવાર શબરીની ઝૂંપડીએ આવ્યા હોત..! અને દક્ષિણ ગુજરાતમાં પણ ભગવાનશ્રી રામના આંટાફેરા વધ્યા હોત..! તંઈઈઈઈ..!
લાસ્ટ બોલ
અંગ્રેજીમાં A અક્ષરનું સ્થાન પહેલા નંબર પર હોવા છતાં, ૧ થી ૯૯૯ સુધીની સ્પેલિંગમાં ક્યાંય A અક્ષર આવતો નથી. આવવા માટે Thousand સુધી A જેવા A ને પણ રાહ જોવી પડેલી..! તારા કપાળમાં કાંદા ફોડું..!
– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top