Vadodara

ખીસકોલી સર્કલ નજીક ગંભીર અકસ્માત, 20 વર્ષીય યુવકનુ મોત


પ્રાઈવેટ બસના ચાલકે રોંગ સાઈડ વાહન હંકારી અકસ્માત સર્જ્યો



વડોદરા: શહેરના ખીસકોલી સર્કલ નજીક અટલાદરા વિસ્તારમાં ગઈ રાત્રે એક ગંભીર અકસ્માત બન્યો હતો. આ ઘટનામાં 20 વર્ષીય યુવક માનવ પરમારનું મોત થયું છે. મૃતકના પરિવારજનોના અનુસાર, પ્રાઈવેટ બસના ચાલકે રોંગ સાઈડ પર બેદરકારીથી વાહન હંકારીને અકસ્માત સર્જ્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. ઘટના બાદ અટલાદરા પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી બસ ચાલકને અટકાયત કરી છે. પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.



અકસ્માત બાદ રાહદારીએ 108 એમ્બ્યુલન્સને ફોન કર્યો હતો. માનવને સૌપ્રથમ ગુપ્તા હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. ત્યાં ડોક્ટરો દ્વારા તેની હાલત ગંભીર જણાવવામાં આવી હતી અને તેને ગ્લોબલ હોસ્પિટલ, માંજલપુર ખસેડવામાં આવ્યો હતો. સારવાર દરમિયાન સવારે 4:15 વાગ્યે ડોક્ટરો દ્વારા તેને મૃત જાહેર કરવામાં આવ્યો હતો.



ટ્રાફિક પોલીસે શહેરમાં રોંગ સાઈડ ડ્રાઇવ ચલાવીને વાહનચાલકો સામે સખત કાર્યવાહી લીધી છે, પરંતુ હજુ પણ ઘણા ચાલકો રોંગ સાઈડ પર વાહન લઈને આવતા જોવા મળે છે. આવા અકસ્માતો થતા અટકાવવા માટે પોલીસે સખત કાર્યવાહીની જરૂરિયાત વ્યક્ત કરી છે.

Most Popular

To Top