એક ઇસમે હાથમાં પંચ પહેરી માથાના ભાગે મારતાં ઇજા
(પ્રતિનિધિ) વડોદરા તા.15
બીલ ગામમાં રહેતા અને ફર્નિચરનો ધંધો કરતા બે ભાઇઓને ધૂળેટી રમતી વખતે ગુલાલ નાખવાની બાબતે માથાકુટ થઇ હતી જે તે સમયે ઝઘડો ટળી ગયો હતો પરંતુ આ ઝઘડાની અદાવતે સાંજે છ જેટલા ઇસમોએ બંને ભાઇઓને ગડદાપાટુનો માર માર્યો હતો જ્યારે એક ઇસમે હાથમાં પંચ પહેરી એક ભાઇને માથામાં બે થી ત્રણ વાર ઘા મારતાં માથામાં ગંભીર ઇજાઓ પહોંચી હતી જેથી તેને ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો સમગ્ર મામલે અટલાદરા પોલીસને ફરિયાદ નોંધાવતા પોલીસે છ ઇસમો સામે કાર્યવાહી હાથ ધરી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, શહેરના બીલ ગામમાં આવેલી આર્યા એન્કલેવ સોસાયટીમાં મકાન નંબર 204મા રામાશ્રય શ્રીનાથ પાસવાન પોતાના ભાઇ જીતેન્દ્ર તથા ભાભી સાથે રહે છે અને ફર્નિચરનો ધંધો કરે છે.ગત તા.14 મી માર્ચે ધૂળેટી પર્વ હોય તેઓ બપોરે ત્રણેક વાગ્યે રામાશ્રય પોતાના ભાઇ જીતેન્દ્ર સાથે ખિસકોલી સર્કલ પાસે આવેલા એચ પી પેટ્રોલ પંપ ખાતે સોનુ તથા પાંડુ નામના યુવકો સાથે ધૂળેટી રમતા હતા તે દરમિયાન ગુલાલ નાખવાની બાબતે ઝઘડો થયો હતો જેથી રામાશ્રય એ દરમિયાનગીરી કરતાં જે તે સમયે ઝઘડો ટળી ગયો હતો અને બધા છૂટા પડી ગયા હતા પરંતુ સાંજે રામાશ્રય ખિસકોલી સર્કલ બાજુ ચ્હા પી પોતાના ઘરે પરત ફરી રહ્યો હતો તે દરમિયાન સોનુ,પાંડુ ,જેનીશ,અજય,જયેશ અને આકાશ નામના ઇસમો અલગ અલગ મોટરસાયકલ પર આવ્યા હતા અને ઝઘડાની અદાવત રાખી અચાનક રામાશ્રય પર હૂમલો કરી દીધો હતો અને મૂઢમાર માર્યો હતો આ દરમિયાન અજય નામના ઇસમે હાથમાં પંચ પહેરી રામાશ્રયને માથામાં બે થી ત્રણ વખત હૂમલો કરતાં રામાશ્રય લોહીલુહાણ થઈ ગયો હતો એને માથામાં ઇજાઓ પહોંચી હતી આ દરમિયાન રામાશ્રયનો ભાઇ જીતેન્દ્ર છોડાવવા માટે આવી જતાં તેને પણ ઇસમોએ ગડદાપાટુનો માર માર્યો હતો અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી સમગ્ર ઘટના બની તે દરમિયાન આજુબાજુના સોસાયટીના લોકો આવી જતાં હૂમલાખોરો ભાગી ગયા હતા તે દરમિયાન કોઇએ ઇજાગ્રસ્ત રામાશ્રયને મોટરસાયકલ પર બેસાડી અટલાદરા અક્ષર મલ્ટિસ્પેશિયાલીટી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો જ્યાં તેની સારવાર ચાલી રહી છે જ્યાં રામાશ્રય એ અટલાદરા પોલીસને છ જેટલા ઇસમો વિરૂધ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.
