શૌચાલય સહિતની માંગ કરતા સમાજના અગ્રણીઓએ નાયબ કલેકટરને આવેદનપત્ર આપ્યું
સ્મશાનમાં પ્રાથમિક સુવિધાઓ, સ્ટ્રક્ચર સહિતની કામગીરી પણ ગોકળ ગાયની ગતિએ ચાલી રહી છે
.શહેરની વચ્ચે કારેલીબાગ વિસ્તારમાં આવેલા ખાસવાડી સ્મશાનમાં મહારાષ્ટ્ર સમાજના મૃતકોની 10 પીંડની વીધી માટે આવતા પરિવારજનો માટે પ્રાથમિક સુવિધાઓનો પણ અભાવ હોવાની અગ્રણીઓએ નાયબ કલેક્ટરને આવેદનપત્ર આપીને રજૂઆત કરી હતી.
ખાસવાડીમાં મહારાષ્ટ્રિયન સમાજના મૃતકોની પરંપરાગત અંતિમ વિધિ માટે અલાયદી સુવિધાઓ ઉભી કરવામાં આવી છે. પરંતુ અત્યંત જરૂરી એવી પ્રાથમિક સુવિધાઓ અપૂરતી હોવાના કારણે મહારાષ્ટ્રીયન સમાજમાં કચવાટ રહેલો છે. તે બાબતે તેઓએ સમાજના આગેવાનોને રજૂઆત કરી હતી. જેને લઈને અગ્રણીઓએ સ્થળ નિરીક્ષણ કર્યું હતું અને બેઠક વ્યવસ્થા ઉપરાંત પાણી અને શૌચાલય જેવી પ્રાથમિક સુવિધાના અભાવે મૃત્યુ પામેલા પરિવારજનો સાથે સચોટ ચર્ચા વિચારણા કર્યા બાદ સરકારમાં રજૂઆત કરવા એકઠા થઈને લેખિતમાં આવેદનપત્ર તૈયાર કર્યું હતું. જે આવેદનપત્ર લઈને અગ્રણીઓ નાયબ કલેક્ટર પાસે ગયા હતા અને ત્યાં રજૂઆત કરી હતી. તેમણે એવી માંગ કરી હતી કે સમાજના મૃત્યુ પામેલા વ્યક્તિના 10 પીંડની વિધિ કરાય છે. મરણના બીજા દિવસથી 13 દિવસ સુધી પરંપરાગત વિધિ થાય છે. લાંબા સમય સુધી ચાલતી ધાર્મિક વિધિમાં પુરુષ અને મહિલાઓ પણ હાજર હોય છે. તેમાં મહિલાઓને નજીકમાં શૌચાલય પણ ન હોવાથી પરેશાની ઉભી થાય છે. જેથી સત્વરે આવેદનપત્રને ધ્યાને લઈને પ્રાથમિક સુવિધાઓ તાત્કાલિક ધોરણે ઊભી કરવા રજૂઆતો કરી હતી. જો કે તંત્ર દ્વારા સ્મશાનમાં કામગીરી તો ચાલુ છે પરંતુ તદ્દન ગોકળગાયની ગતિએ કામ ચાલુ હોવાથી સત્વરે હાથ પર લેવાય તેવી રજૂઆત અગ્રણીઓએ નાયબ કલેકટરને કરી હતી.
