Charotar

ખાનપુરના બમરોડા ગામમાં 5 મકાનના તાળા તોડી 6.20 લાખની મતા ચોરી ગયાં

મહીસાગર જિલ્લાના બાકોર પોલીસને તસ્કરોનો ખુલ્લો પડકાર

એક જ કુટુંબના 5 પરિવારના મકાનના તાળા તોડી અંદર ઘુસી સામાન વેર વિખેરી કરી નાંખ્યો

સુરત સ્થાયી થયેલા પરિવારજનો લગ્ન પ્રસંગ નિમિત્તે બામરોડા ગામ આવ્યાં હતાં

(પ્રતિનિધિ) ખાનપુર તા.27

ખાનપુર તાલુકાના બામરોડા ગામમાં પંડ્યા પરિવારના એક સાથે પાંચ મકાનના તાળાં તુટતા ચકચાર મચી ગઈ હતી. રોજગાર અર્થે સુરત સ્થાયી થયેલા આ પરિવારો લગ્નમાં આવ્યાં હતાં અને લગ્ન પ્રસંગ માણી રહ્યાં હતાં, તે દરમિયાન તસ્કરો ત્રાટકી રૂ.6.20 લાખની મત્તા ચોરી ગયાં હતાં. આ અંગે બાકોર પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

ખાનપુર તાલુકાના બામરોડા ગામમાં રહેતા જીતેન્દ્રકુમાર ડાહ્યાભાઈ પંડ્યા રોજગાર અર્થે સુરત સ્થાયી થયાં છે. જીતેન્દ્રકુમારનું વતન બામરોડા ગામમાં મકાન આવેલું છે. જેથી તેઓ વાર – તહેવાર અને પ્રસંગોમાં વતન આવતા જતાં રહે છે. જીતેન્દ્રનો નાનો ભાઇ જીગ્નેશ પંડ્યા, કાકાનો દિકરો સંકેત ભરતભાઈ પંડ્યા, રોનક ભરતભાઈ પંડ્યા અને કાકા દિનેશભાઈ સબુરભાઈ પંડ્યા તમામ પરિવાર સુરત સ્થાયી થયાં છે અને પ્રસંગોમાં વતન આવન જાવન કરતાં રહે છે. દરમિયાનમાં 24મી એપ્રિલના રોજ સાંજના ચારેક વાગ્યાના સુમારે જીતેન્દ્ર તથા તેનો નાનો ભાઈ જીગ્નેશ પરિવાર સાથે સુરતથી વતન બામરોડા ગામે આવ્યાં હતાં. રાત્રે દસેક વાગ્યાના સુમારે ઘરે પહોંચ્યાં હતાં. બાદમાં 26મીના રોજ ગામના રજનીભાઈ અંબાલાલ પંડ્યાના ઘરે લગ્ન પ્રસંગ હોવાથી રાસ ગરબાનો કાર્યક્રમ રાખેલો હોવાથી રાત્રિના સુમારે બન્ને ભાઇ તથા પિતરાઇ રોનક પંડ્યાના પરિવારજનો સૌ મકાનના દરવાજાને તાળા મારી રાસ ગરબામાં ગયાં હતાં. બાદમાં જીતેન્દ્ર અગિયારેક વાગ્યાના સુમારે પરત ઘરે આવ્યો તે સમયે દરવાજો ખુલ્લો હતો. આ ઉપરાંત પાછળનો દરવાજો પણ ખુલ્લો હતો. મુખ્ય દરવાજાનો નકુચો તુટેલો હતો. ઘરની અંદર જઇ જોયું તો ઘરનો સર સામાન વેર વિખેર પડેલો હતો. આ ઉપરાંત તેના ભાઈ જીગ્નેશ ડાહ્યાભાઈ પંડ્યાના મકાનના દરવાજાનો નકુચો તુટેલો હતો. દરવાજો ખુલ્લો હતો. તેવી જ રીતે કાકાના દિકરા સંકેત પંડ્યા, રોનક પંડ્યા, દિનેશ સબુરભાઈ પંડ્યાના મકાનના પણ તાળા તુટેલાં હતાં અને ઘરમાં સર સામાન વેરવિખેર પડેલો હતો. જીતેન્દ્રએ તેના ઘરમાં જોતાં પર્સ, લોકરમાંથી દાગીના તથા રોકડા રૂ.ત્રણ લાખની ચોરી થઇ હતી. તેવી જ રીતે જીગ્નેશના ઘરમાંથી દાગીના તથા રોકડા રૂ. દોઢ લાખ મળી કુલ રૂ.6.20 લાખની મત્તા ચોરી થઇ હતી. આ ઉપરાંત તેમની માતાના બેંક એફડીના કાગળો પણ ગુમ હતાં. અલબત્ત, રોનક અને સંકેતના ઘરમાંથી ખાસ કશુ ચોરી થઇ નહતી. જ્યારે દિનેશભાઈ સુરત હોવાથી તેમના મકાનમાં શું ચોરાયું તે અંગે તેમને જાણ કરવામાં આવી હતી.

આમ, રાતના 10થી 11-30 વાગ્યાના દોઢ કલાકના જ ગાળામાં તસ્કરોએ એક સાથે પાંચ મકાનના તાળા તોડી તેમાંથી રૂ.6.20 લાખની મત્તા ચોરી ભાગી ગયાં હતાં. આ અંગે બાકોર પોલીસે અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Most Popular

To Top