Vadodara

ખાડા રાજ’નો નવો અધ્યાય; શહેરના મુખ્ય 5 જંકશન પર ડ્રેનેજ માટે ખોદકામ શરૂ, કપૂરાઈ જંકશન આજથી બંધ

​કોર્પોરેશનને ‘રાતોરાત સ્વપ્ન’ આવ્યું હોય તેમ રસ્તા ખોદવાનું અભિયાન તેજ: આગામી 20 દિવસ સુધી વાહનચાલકોએ ડાયવર્ઝનનો સહારો લેવો પડશે

વડોદરા મહાનગર સેવા સદન જાણે શહેરના એકપણ રસ્તાને અકબંધ રાખવા માંગતું ન હોય તેમ, હવે શહેરના સૌથી વ્યસ્ત એવા પાંચ મુખ્ય જંકશનો પર વરસાદી ગટરની કામગીરીના નામે ખોદકામ શરૂ કરવામાં આવ્યું છે. તંત્ર દ્વારા લેવાયેલા આ નિર્ણયને કારણે આજથી કપૂરાઈ જંકશન પર ટ્રાફિક ડાયવર્ઝન અમલી બન્યું છે, જેને પગલે વાહનચાલકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
બુધવાર તા. 28 જાન્યુઆરીથી કપૂરાઈ જંકશન ખાતે નવી વરસાદી ગટર નાખવાની પ્રાથમિક તબક્કાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. કોન્ટ્રાક્ટરની હેવી મશીનરી અને મજૂરોની અવરજવર માટે આ રસ્તો આગામી 20 દિવસ સુધી સિંગલ લેન અથવા જરૂરિયાત મુજબ સંપૂર્ણ બંધ રાખવામાં આવશે. તંત્રએ લોકોને વૈકલ્પિક રૂટ વાપરવા સૂચના આપી છે, પરંતુ સિંગલ લેન ચાલુ હોવાથી ટ્રાફિક જામની સમસ્યા વિકરાળ બનવાની ભીતિ છે.
શહેરમાં ચર્ચા જાગી છે કે, જાણે કોર્પોરેશનને રાતોરાત એવું સ્વપ્ન આવ્યું હોય કે વડોદરાનો કોઈ ચોક્કસ રસ્તો હજી ખોદાયા વગરનો રહી ગયો છે, તેમ સવાર પડતા જ મશીનો ખડકી દેવામાં આવે છે. શહેરના અંતરિયાળ રસ્તાઓ તો પહેલેથી જ બિસ્માર હાલતમાં છે, ત્યારે હવે હાઈવેને જોડતા મુખ્ય જંકશનો ખોદી નાખવામાં આવતા હજારો વાહનચાલકો અટવાશે.
હાલ પૂરતું કપૂરાઈ જંકશન તરફથી પસાર થતા વાહનચાલકોએ ડાયવર્ઝન પ્લાન મુજબ ચાલવું પડશે. આગામી દિવસોમાં અન્ય ચાર જંકશનો પર પણ તબક્કાવાર કામગીરી શરૂ થવાની હોવાથી પૂર્વ વડોદરા અને હાઈવે તરફ જતી ટ્રાફિક વ્યવસ્થા ખોરવાય તેવી પૂરેપૂરી શક્યતા છે.
કયા 5 જંકશનો પર કામગીરી ચાલશે?
​પાલિકા દ્વારા શહેરના એન્ટ્રી-એક્ઝિટ પોઈન્ટ સમાન નીચેના મહત્વના જંકશનો પસંદ કરવામાં આવ્યા છે:
*​ગોલ્ડન જંકશન
*​આજવા જંકશન
*​કપૂરાઈ જંકશન (કામગીરી શરૂ)
*​વાઘોડિયા જંકશન
*​તરસાલી જંકશન

કોન્ટ્રાક્ટરની સગવડ પ્રથમ?
પાલિકાના સત્તાવાર નિવેદન મુજબ, ટ્રાફિકની સરળતા અને ખાસ કરીને કોન્ટ્રાક્ટરની કામગીરીમાં અડચણ ન આવે તે માટે આ ડાયવર્ઝન આપવામાં આવ્યું છે. જોકે, સ્થાનિકોનું કહેવું છે કે વિકાસના કામો જરૂરી છે પરંતુ તેનું પ્લાનિંગ એવી રીતે હોવું જોઈએ કે પ્રજાને લઘુત્તમ હાલાકી પડે.

Most Popular

To Top