ખાંભલા ગામની સુવિધાઓ
ખાંભલા ગામની મધ્યમાંથી પસાર થતો રસ્તો મહારાષ્ટ્રને જોડતો રસ્તો હોવાથી અને ગામથી માત્ર ત્રણ કિ.મી.ના અંતરે મહારાષ્ટ્ર બોર્ડર આવેલી હોવાથી ખાંભલા ગામમાં નાના-મોટા વેપારીઓ અનેક સુવિધાયુક્ત દુકાનો ચલાવી રહ્યા છે. જેનો ગ્રામજનોને ઘરઆંગણે બહોળો લાભ મળી રહે છે. તેમજ ખાંભલા ગ્રામ પંચાયત દ્વારા ગામમાં રાત્રિ હાટ બજારનું પણ આયોજન કરવામાં આવે છે, જેમાં આજુબાજુનાં ગામોના ખેડૂતો સહિત મહારાષ્ટ્રના ખેડૂતો પણ પોતાની શાકભાજીનું વેચાણ કરવા આવતા હોય છે. સ્થાનિક ખેડૂતો સવારે પોતાનાં ખેતરોમાંથી વિવિધ પ્રકારની શાકભાજીઓ લાવી રાત્રિ હાટ બજારમાં વેચી ઘરઆંગણે સારી આજીવિકા મેળવી લે છે. તેમજ વાંસદા તાલુકાનું અંતરિયાળ ગામ હોવા છતાં અહીં ગામની મધ્યમાં એટલે કે બજાર ફળિયા ખાતે બે પેટ્રોલ પંપ કાર્યરત હોવાથી ગ્રામજનો સહિત મહારાષ્ટ્રનાં કેટલાંક ગામોને પણ સુવિધા પણ મળી રહે છે. જેના થકી અહીંના લોકોએ હવે પેટ્રોલ-ડીઝલ માટે વાંસદા સુધી જવાની જરૂર પડતી નથી. ઘરઆંગણે પેટ્રોલ-ડીઝલ મળી રહેતાં લોકોનો ઘણો સમય બચી જાય છે. તેમજ સાડા ત્રણ હજારની વસતી ધરાવતા ગામમાં એક સસ્તા અનાજની દુકાન સરકાર દ્વારા ફાળવવામાં આવી છે. જેનો આદિવાસી અને જરૂરિયાતમંદ લોકોને પૂરતો લાભ મળી રહે છે. તેમજ ગામમાં બજાર ફળિયા ખાતે એક શોપિંગ સેન્ટરનું પણ નિર્માણ થયું હોવાના કારણે અહીં બજાર જેવો માહોલ બની રહ્યો છે, જેમાં લોકોને જરૂરિયાતની અનેક સુવિધાઓ પણ ધીમે ધીમે ઘરઆંગણે મળી રહી છે. ગામમાં મોટા ભાગની દુકાનો આ જ વિસ્તારમાં હોવાથી તેને બજાર ફળિયું તરીકે ઓળખવામાં આવે છે.
નદી અને ચેકડેમ થકી સિંચાઈ
ખાંભલા ગામમાંથી પસાર થતી કાવેરી નદી પર આઠ જેટલા ચેકડેમો સિંચાઇ વિભાગ દ્વારા નિર્માણ કરવામાં આવ્યા છે. જેનો ભરપૂર લાભ ખાંભલા ગામના ખેડૂતોને મળી રહે છે તેમજ ગામની મધ્યમાંથી નદી પસાર થતી હોવાથી નદીની બંને બાજુ વસતા ખેડૂતો આ ચેકડેમ મારફતે ખેતી માટે સિંચાઈના પાણીનો ઉપયોગ કરી શકે છે, જેમાં પૂરા વર્ષ દરમિયાન આઠ જેટલા મહિના ખેડૂતોને આ નદી મારફતે પૂરતું પાણી મળી રહે છે. જ્યારે એપ્રિલ મહિનાથી પાણીની અછત વર્તાવા લાગે છે. સ્થાનિક ખેડૂતો પાસેથી જાણવા મુજબ નદીમાં ચેકડેમની ઊંચાઈ વધારવામાં આવે તો વધુ પાણી સંગ્રહ થતાં ખેતી માટે વધુ ફાયદો થઈ શકે તેમ છે.
ખાંભલા ગામ અને મહારાષ્ટ્રની બોર્ડર પર પાકી પોલીસ ચોકી બનશે
મહારાષ્ટ્રમાંથી ખાંભલા ગામમાં થઈ ગુજરાતમાં પ્રવેશતા થતી અનેક ગુનાહિત પ્રવૃત્તિઓને અટકાવવા માટે પોલીસ વિભાગ દ્વારા વર્ષો જૂની પોલીસ ચોકી (ચેકપોસ્ટ)ની જગ્યાએ હવે નવી સુવિધાયુક્ત પાકી પોલીસ ચોકી બનાવવા માટે ખાંભલા ગ્રામ પંચાયતને જગ્યાની ફાળવણી કરવા બાબતે રજૂઆત કરવામાં આવી હતી. ત્યારે ગ્રામ પંચાયત દ્વારા પણ કાયદાકીય રીતે ઠરાવ કરી નવી પોલીસ ચોકી બનાવવા માટેની જગ્યાની ફાળવણી કરવામાં આવી હતી. જેને લઇ આગામી દિવસોમાં આયોજન કરી તંત્ર દ્વારા ખાંભલા ગામે ગુજરાત અને મહારાષ્ટ્રની બોર્ડર ઉપર પાકી પોલીસ ચોકીનું નિર્માણ થશે.
કાવેરી નદીમાં શિવલિંગનાં દર્શન
ખાંભલા ગામના વાટી ફળિયામાંથી પસાર થતી કાવેરી નદીના કિનારા પર સ્થાનિક ગ્રામજનો પાસેથી જાણવા મુજબ આશરે ૨૦ જેટલાં વર્ષ અગાઉ ચોમાસા દરમિયાન નદીના તેજ પ્રવાહના ઘર્ષણ દરમિયાન નદીના પથ્થરમાં શિવલિંગ આકારની પ્રતિમાનું સર્જન થયું હતું. ત્યારથી આજદિન સુધી ગ્રામજનો દ્વારા આ શિવલિંગની ખૂબ શ્રદ્ધાપૂર્વક પૂજા કરવામાં આવી રહી છે. તેમજ મહાશિવરાત્રિના દિવસે અહીં દર્શન માટે મોટી સંખ્યામાં ભાવિક ભક્તોની ભીડ પણ જોવા મળે છે. તેમજ સ્થાનિક ગ્રામજનોના જણાવ્યા મુજબ ૨૦ વર્ષથી નદીમાં સ્થિત આ શિવલિંગ ચોમાસા દરમિયાન નદીમાં ઘણાં પૂર આવ્યા હોવા છતાં આજદિન સુધી આ શિવલિંગની પ્રતિમાને કોઈ જ નુકસાન પહોંચ્યું નથી. આજે વર્ષોથી ગ્રામજનો દ્વારા નદીમાં સ્થિત આ શિવલિંગની પૂજા-અર્ચના કરવામાં આવી રહી છે.
પ્રકૃતિ પૂજાનું વિશેષ મહત્ત્વ

આ ગામ 100% આદિવાસી વસતી ધરાવતું ગામ હોવાથી અહીંની લોકોમાં પ્રકૃતિ પ્રત્યે પૂજાનું અનોખું મહત્ત્વ રહ્યું છે. ગામમાં હનુમાનજી, અંબામાતાનાં મંદિરો પણ આવેલાં છે. જ્યાં ગામના ભાવિક ભક્તો વાર-તહેવારે મંદિરમાં જઈ પૂજા કરતા હોય છે. પરંતુ ખાંભલા ગામમાં વસતા આદિવાસી લોકોમાં વાઘ વારસાનું કંઈક વિશેષ મહત્ત્વ છે, જેમાં વાઘ બારસના દિવસે નાના-મોટાથી માંડી સમગ્ર ગ્રામજનો ભેગા થઈ આદિવાસી ગીતો, નૃત્યો, અને વાજિંત્રો સાથે ગામમાં જુલૂસ કાઢે છે અને આગેવાનો દ્વારા નક્કી કરાયેલી જગ્યાએ પગપાળા વાઘદેવીની સ્થાપના કરેલી જગ્યા સુધી જઇ ત્યાં આદિવાસી પરંપરા મુજબની પૂજા-અર્ચના કરવામાં આવે છે અને ખેડૂતો દ્વારા પ્રકૃતિને સારા વરસાદ થકી સારો પાક મેળવી શકાય તેવી અરજ કરવામાં આવે છે. આ વાઘદેવીનું મંદિર ગામના છેવાડે જંગલ વિસ્તારમાં રાખવામાં આવે છે તેમજ આ સ્થાપિત કરેલી મૂર્તિની છત રાખવામાં આવતી નથી. આદિવાસી ખેડૂતોમાં વાઘદેવી માતાની સ્થાપનામાં અતૂટ શ્રદ્ધા અને વિશ્વાસ રહેતો હોય છે. એવું પણ કહેવાય છે કે, આ પ્રકૃતિની પૂજા-અર્ચના કરવાથી ખેડૂતો ઉપર આવતી અનેક મુશ્કેલીઓ દૂર થાય છે. હાલમાં એક વર્ષ અગાઉ વાઘ બારસના દિવસે ખાંભલા ગામના ગ્રામજનો અને આગેવાનો મહારાષ્ટ્ર રાજ્યમાં આવેલા સપ્તશૃંગી માતાના મંદિરેથી ધજા અને શૃંગાર લાવી ખાંભલા ગામથી બે કિલોમીટર દૂરથી પગપાળા વાઘદેવી માતાના સ્થાપના કરેલા સ્થળ સુધી જય આદિવાસી પરંપરા મુજબ પૂજા કરવામાં આવી હતી. પૂજા-અર્ચના કર્યા બાદ ગામના દરેક લોકો માટે મહાપ્રસાદનું આયોજન પણ કરવામાં આવે છે.
પુલના નિર્માણથી ગ્રામજનોની મોટી સમસ્યાનું નિવારણ
ખાંભલા ગામની મધ્યમાંથી પસાર થતી કાવેરી નદી ઉપર હાલમાં જ જિલ્લા પંચાયત હસ્તક નવનિર્માણ પામેલા પુલને લઈ ગ્રામજનોને ચોમાસા દરમિયાન પડતી અનેક મુશ્કેલીઓનો પણ અંત આવ્યો છે. આ પુલના નિર્માણ અગાઉ નદી ઉપર ખૂબ જ નીચાણવાળો કોઝ-વે હોવાથી નદીની સામેની બાજુ આવેલું મહું ફળિયું, ઉપલું ફળિયું અને ચીકાર ફળિયાના ગ્રામજનો ચોમાસા દરમિયાન કોઝ-વે ડૂબી જવાથી ખૂબ જ મુશ્કેલીમાં મુકાઇ જતા હતા. જાણે અન્ય ફળિયાથી સંપર્કવિહોણા થઇ ગયા હોય તેવી પરિસ્થિતિનું નિર્માણ થતું હતું. જેને કારણે આ ફળિયાના લોકોએ બીમારીમાં સારવાર માટે દવાખાને જવામાં, ખેડૂતોએ વેપાર કરવામાં અને વિદ્યાર્થીઓ માટે સામે શાળાએ જવામાં મોટી મુશ્કેલીઓ પડતી હતી. ત્યારે આવી પરિસ્થિતિમાં કોઝ-વે અસરગ્રસ્ત લોકોએ સાતથી આઠ કિ.મી.નો ચકરાવો લઈ તાડપાડાથી નવતાડ થઈ ખાંભલા જવું પડતું હતું. ત્યારે આ પુલના નિર્માણના પગલે ગ્રામજનોની આ તમામ સમસ્યાનો અંત આવતાં ખૂબ જ રાહત અનુભવાઈ રહી છે. 15 વર્ષથી રજૂઆતના પગલે આ પુલનું નિર્માણ થતાં ગ્રામજનોમાં ખૂબ જ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.
નવજીવન સેવામંડળ થકી અનેક બાળકોનું જીવન થયું ઉજ્જવળ

ખાંભલા ગામમાં મહું ફળિયા ખાતે આવેલું ટ્રસ્ટ સંચાલિત નવજીવન સેવામંડળ છાત્રાલય આ વિસ્તારનાં ગરીબ આદિવાસી પરિવારનાં બાળકો માટે ખૂબ જ સેવાનું કાર્ય કરે છે. આ છાત્રાલયમાં એકથી ત્રણ ધોરણમાં અભ્યાસ કરતાં બાળકોને જ એડમિશન આપવામાં આવે છે, એટલે કે એડમિશન મળ્યા બાદ વિદ્યાર્થી આગળના અભ્યાસ માટે ભણે ત્યાં સુધી અહીં છાત્રાલયમાં રહી શકે છે. આ દરમિયાન દરેક વિદ્યાર્થીઓની જમવાની વ્યવસ્થાથી લઈ તેમના રોજિંદા જીવનમાં જરૂરિયાત મુજબની તમામ વસ્તુઓ આ જ મંડળ દ્વારા પૂરી પાડવામાં આવે છે. આ છાત્રાલયમાં વાંસદા, ધરમપુર, આહવા, વઘઇ અને કપરાડા જેવા તાલુકામાંથી આશરે ૧૪૫ જેટલા વિદ્યાર્થીઓ રહી તેઓ અન્ય વિવિધ શાળાઓ, હાઇસ્કૂલો અને કોલેજોમાં અભ્યાસ કરી રહ્યા છે. નવજીવન સેવામંડળનું રજિસ્ટ્રેશન વર્ષ ૧૯૮૧-૮૨માં કરવામાં આવ્યું હતું. ત્યાર બાદ ગામમાં રહેતા એક પારસી પરિવાર પાસેથી જમીન ખરીદી લઈ ત્યાં છાત્રાલયનું નિર્માણ કરવામાં આવ્યું હતું. તેમજ આ નવજીવન સેવામંડળ દ્વારા છાત્રાલય શરૂ થયા ત્યારથી તો આજદિન સુધી સરકાર તરફથી કોઈ સહાય મેળવવામાં આવી નથી. આ મંડળ અનેક દાતાઓના દાન-ફાળાથી ચલાવવામાં આવી રહ્યું છે. અને ગુજરાતભરમાં નવજીવન સેવામંડળની ૧૨ જેટલી શાખાઓ ચાલી રહી છે, જે જરૂરિયાતમંદ અનેક બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે ખૂબ જ કારગર સાબિત થઇ રહી છે.