સંજય દત્ત આજે પણ જોરમાં છે. પરદા પર ઊભો હોય તો બધાની નજર તેની પર રહે છે. 200 ફિલ્મ સુધી પહોંચવા આવેલા સંજયની લાઈફ અનેક ડ્રામાઓથી ભરેલી છે. પણ તેણે બધા સ્ત્રી સંબંધો ભોગવ્યા અને ત્રણવાર પરણ્યો. હવે તે સુકુનની જિંદગી જીવે છે અને તેના હાથ પર 20-25 ફિલ્મો છે. નિર્માતા તરીકેની તેની ફિલ્મ ‘ભૂતની’ આવી રહી છે ત્યારે અહીં તેણે આતંકવાદ પોતાની લાઈફ, મા-પિતા, માયતા અને બાળકો વિશે વાત કરી છે.
પહેલગામ પર થયેલા હુમલા વિશે તમારી શું પ્રતિક્રિયા છે?
સંજય: હું ઘેરા આઘાતમાં છું ને ખૂબ ગુસ્સો છે. તેમણે ઠંડી કલેજે આપણા લોકોને માર્યા છે. આ કયારેય ભુલી શકાય તેમ નથી. આ ટેરરિસ્ટોએ જાણવું જોઇએ કે આપણે ચૂપ બેસી રહેવાનાં નથી- હું વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહને વિનંતી કરું છું કે ટેરરિસ્ટો સામે આકરામાં આકરા પગલા લે. નિર્દોષોને આ રીતે હણી ન શકાય. ઇનફ ઇઝ ઇનફ.
‘ભૂતની’માં તમે મૌની રોય, સની સીંઘ, પલક તિવારી, બિયુનિક આસિફ ખાન જેવા નવી પેઢીના કલાકારો સાથે કામ કર્યું છે. આ પેઢી સાથે કામ કરવું કેવું લાગે છે?
સંજય : એક જ ફિલ્મમાં હોઇએ તો તેમાં પેઢીભેદ નથી હોતો. કામ કરતી વખતે હું મને આજની પેઢીનો જ લાગું છું પણ હા, યુવા કલાકારો એકસ્ટ્રિમલી ટેલેન્ટેડ છે અને ઓડીશનમાંથી પાસ થઇને આવે છે. ત્યારનાં અને આજનાં સમયમાં બહુ જ ફરક છે. આજની પેઢીને બાઉન્ડ રિસ્ક્રપ્ટ મળે છે. ડાયલોગ સાથેની પટકથા મળે ત્યારે ઘણું સરળ બને છે. તેઓ ઘણી તૈયારી સાથે સેટ પર આવે છે. તેઓ કામ કરે ત્યારે જ તેમને કેવી સ્પર્ધા છે તેની ખબર હોય છે. આખી ઇન્ડસ્ટ્રી જૂદી રીતે કામ કરે છે. તેઓ વેનિટીવાનમાં આરામ કરી શકે છે. અમને આ સગવડ નહોતી.
તમે 1981થી ફિલ્મોમાં છો. 45 વર્ષ થયા. ખૂબ ફિલ્મોમાં કામ કર્યું. બે વાર જેલમાં જઇ આવ્યા. ત્રણ લગ્નો કર્યા અનેક સ્ત્રીઓ સાથે સંબંધ રાખ્યો. તમારી લાઈફ જેવા ઉતાર-ચડાવ કોઈના નથી. તમને તમારા વિશે પુસ્તક લખવાનું મન નથી થતું?
સંજય : મને મારું જીવન ચરિત્ર લખવું બહુ જ ગમશે અને તે વિશે મેં ઘણીવાર વિચાર્યુ પણ છે પણ એ એક લાંબી પ્રક્રિયા છે અને તે માટે તમારી પાસે પોતાના સાથી હોવા જોઈએ. જોકે બધાએ ફિલ્મ જોઈ જ લીધી છે, છતા મારે લખવી છે જરૂર. વૈસે ભી મેરી કુંડલી મેં શની મહારાજ મેરે સે બહુત પ્રસન્ન હૈ.
તમારી દિકરી ત્રિશલા અત્યારે કયા છે? શું કરે છે?
સંજય: તે ગ્લેમરની દુનિયાથી દૂર રહે છે અને નાના-નાની સાથે ન્યુયોર્કમાં છે. તે પ્રોફેશનલ સાયકોથેરાપિસ્ટ છે. અમેરિકા જાઉં ત્યારે હું મારી દિકરીને મળુ છું.
તમારા દિકરા શાહરાન વિશે તમે પિતા તરીકે શું વિચારો છો?
સંજય : શાહરાન ભવિષ્યમાં સારો ફૂટબોલ ખેલાડી થશે. તે મિડલ ઇસ્ટમાં અલ નાસર યુથ ટીમ વતી રમે છે. શાહરાનની લાઈફ મારાથી ઘણી જૂદી છે અને અમે તેની ઘણી કાળજી રાખીએ છીએ છીએ જિંદગીનું મૂલ્ય સમજાવીએ છીએ.
તમે તમારા માને, પિતાને કેવી રીતે યાદ કરો છો?
સંજય : મારા માનું મૃત્યુ થયું ત્યારે હું રડ્યો નહોતો. મારામાં ઇમોશન્સ જ નહતા. સાવ ખાલી હતો. પણ તેના મૃત્યુના બે વર્ષ પછી મિત્રો સાથે બેઠો હતો અને એકે ટેપ સંભળાવવા માંડી જેમાં મારી મા મને કહી રહી હતી. કે માનવતા જાળવજે, ચરિત્ર સંભાળજે. હંમેશ નમ્ર રહેજે. વડીલોને માન આપજે. ન્યુયોર્કની હોસ્પિટલમાં બોલી હતી અને સાંભળતા સાંભળતા હું ધ્રુસકે ચડી ગયો હતો. 4-5 કલાક સુધી બસ રડયો છું.
ને પિતા સુનીલ દત્ત વિશે?
સંજય: હું તેમના વિના બહુ અધૂરપ અનુભવુ છું અને તેઓ જે મૂલ્ય શીખવી ગયા છે તે પ્રમાણે વર્તવા પ્રયત્ન કરું છું. તેમણે મારા માટે બહુ ચિંતા કરી છે. 9 વર્ષની ઉંમરે હું સિગારેટ પીતો હતો અને પછી તો ઘણું પીધું, મારા પિતાને જ બધી ચિંતા કરવાની આવેલી. તેમણે મને કેવી રીતે સંભાળી લીધો તે વિચારું છું તો નવાઈ પામું છું. મારા માટે તે ગ્રેટ ફાધર છે.
તમે આજે પણ ઘણું કામ કરો છો?
સંજય : મને ખબર છે મેં મારી જુવાનીનાં ઘણાં વર્ષો ગુમાવ્યા છે પણ તેને હું હકારાત્મક રીતે લઉં છું. માન્યતાનો મને સાથ છે. તે મારો પ્રયત્ન છે કે તે તેની ઓળખ ઊભી કરે. હું મારી વ્યવસાયિક જિંદગીથી ખુશ છું. બાળકો મોટા થઇ રહ્યા છે અને સારું કુટુંબજીવન જીવું છું, હવે મને ઘણા પ્રકારની ભૂમિકા મળે છે.
હવે તમે છાંસઠના થશો?
સંજય : હા, હું હવે કયારનો ટેકસ બેનિફીશ્અર થઇ ગયો છું. મારા કામમાં હજુ ફરક નથી પડયો. ‘કેજીએફ-2’માં મેરા કામ દેખા હોગા. શરીરને ખૂબ સાચવું છું. હું બોઈલ્ડ ફૂડ ખાઉ છું. જિમમાં જાઉં છું. દિવસમાં છ વાર થોડું ખાઉં છું.
તમે આલિયા ભટ્ટ સાથે કામ કરશો?
સંજય: જરૂર, પણ હું તેની સાથે રોમાન્સ નહીં કરી શકું. હું મારી ઉંમર પ્રમાણે ભૂમિકા કરવા માંગુ છું. હવે મારી ઉંમર પ્રમાણે સારી ભૂમિકા મળે છે. ફિલ્મ જગતમાં ઘણો ફેરફાર આવી ગયો છે. •