એક મનોવૈજ્ઞાનિકે એક પ્રયોગ કર્યો. તેમણે તેમના આસીસ્ટન્ટને એક જારમાં લાલ કીડીઓ અને બીજા જારમાં કાળી કીડીઓ ભરવા માટે કહ્યું. આસીસ્ટન્ટને નવાઈ લાગી પણ તેણે મનોવૈજ્ઞાનિકને કહ્યું હતું તેમ બે જારમાં કીડીઓ ભરી.કીડીઓ જારમાં શાંતિથી આમ તેમ ફરી રહી હતી.હવે મનોવિજ્ઞાનીએ બે જારની કીડીઓને એક મોટા જારમાં ભેગી કરી.બંને કીડીઓ એક જ જારમાં આવી છતાં પોતાની રીતે પોતાના જૂથમાં આમ તેમ ફરી રહી હતી.
મનોવૈજ્ઞાનિકે થોડી વાર જારને એમ જ રહેવા દીધો તો બધી કીડીઓ શાંતિથી ફરી રહી હતી અને કોઈ પર કોઈ હુમલો કરી રહી ન હતી.ત્યાર બાદ મનોવૈજ્ઞાનિકે જારને જોરથી હલાવ્યો.અને નીચે મૂક્યો.કીડીઓએ આમતેમ નાસભાગ કરી મૂકી. મનોવૈજ્ઞાનિકે વળી પાછો જાર હાથમાં લીધો તેને ઊંચો નીચો કરી વધુ જોરથી વધુ વાર હલાવ્યો.કીડીઓ હવે એકબીજાની દુશ્મન બની ગઈ.
અને કાળી કીડીઓ લાલ કીડી પર હુમલો કરી તેમને દુશ્મન સમજી મારવા લાગી અને લાલ કીડીઓ કાળી કીડીને દુશ્મન ગણી તેમની પર હુમલા કરવા લાગી.એકબીજાને દુશ્મન ગણી એકબીજા પર હુમલો કરનાર કીડીઓ જાણતી ન હતી કે ખરો દુશ્મન જારને હલાવનાર મનોવૈજ્ઞાનિક હતા.જેમણે બહારથી જારને હલાવી ઉથલપાથલ સર્જી હતી.
આ પ્રયોગ બાદ મનોવૈજ્ઞાનિકે સમજાવ્યું, આવું જ આપણા સમાજમાં થાય છે.સ્ત્રી અને પુરુષ,ગરીબ અને તવંગર ,ગોરા અને કાળા, હિંદુ અને મુસ્લિમ, ઉંચી જાતિ અને નીચી જાતિ, ધર્મ અને વિજ્ઞાન વગેરે ઘણા જૂથ વચ્ચે સતત ઝઘડા થતાં રહે છે અને એક જૂથ બીજા જૂથને પોતાનું દુશ્મન સમજે છે અને સતત રકઝક અને ઝઘડા કરે છે અને ક્યારેક તો એકમેકના લોહીના પ્યાસા થઈ જાય છે.
પણ આ જૂથ જાણતાં નથી કે ખરા દુશ્મન કોઈ બીજા જ હોય છે જે બહારથી જાર હલાવે છે.આ દુશ્મનો સ્વાર્થી વ્યક્તિઓ હોઈ શકે કે હિતેચ્છુના વેશમાં છુપાયેલા ઈર્ષ્યાળુ લોકો હોઈ શકે.આ જાર હલાવીને દુશ્મનાવટ અને ઝઘડા કરાવનાર દુશ્મન નિંદા-કુથલી, અફવાઓ, કે ગેરસમજણ કે અસમજ પણ હોઈ શકે.આ દુશ્મન આપણા પૂર્વગ્રહો કે માન્યતાઓ પણ હોઈ શકે.માટે ઝઘડા કરતાં પહેલા સજાગ રહીને જોવું કે જાર હલાવનાર કોણ છે? અને તેની પર હુમલો કરવો.
આ વાત દરેક સમાજમાં થતા દરેક નાના કે મોટા લડાઈ અને ઝઘડાને લાગુ પડે છે જ્યારે પણ ઝઘડો થાય ત્યારે આંખ મીંચીને સમજ્યા વિના ઝઘડો કરવા પહેલાં એક ક્ષણ અટકી જવું અને પોતાની જાતને પૂછવું કે આ જારને હલાવ્યો કોણે છે?? ખરો દુશ્મન ઝઘડાનું મૂળ કારણ મનમાં ઘર કરી ગયેલી જડ માન્યતાઓ, પૂર્વગ્રહો,અફવાઓ હોય છે અથવા દૂર રહીને છુપાઈને ઝઘડો શરૂ કરાવનાર ઈર્ષ્યાળુ કે નિંદક લોકો હોય છે તેને ઓળખવા જરૂરી છે.
- આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.