Charotar

ખંભાતમાં બેંકે સીલ મારેલા મકાનનું તાળુ તોડી શખ્સ ઘુસી ગયો

નવી આખોલ ગામમાં તસ્કરના પરાક્રમથી પોલીસે ગુનો નોંધ્યો

(પ્રતિનિધિ) ખંભાત તા.27

ખંભાતના નવી આખોલ ગામમાં બેંકના તારણમાં રહેલા મકાનને સીલ મારી દેવામાં આવ્યું હતું. આ સીલ તોડી શખ્સ મકાનમાં ગેરકાયદે રીતે ઘુસી ગયો હતો. આ અંગે ખંભાત ગ્રામ્ય પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

ખંભાતની સ્ટેટ બેંક ઓફ ઇન્ડીયાની શાખાના મેનેજર તરીકે રાજેશભાઈ બચુભાઈ હાપલીયા ફરજ બજાવે છે. ખંભાતના નવી આખોલ ગામમાં રહેતા ભાનુભાઈ સવજીભાઈ પરમારે 4થી મે, 2019ના રોજ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયામાંથી મકાન મોર્ગેજ કરી રૂ.3.65 લાખની લોન આપવામાં આવી હતી. આ સમયે લોનના રૂ.6083.33ના 60 માસિક હપ્તા બેંકમાં ભરપાઇ કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું. જોકે, ભાનુભાઈ પરમાર બેંકમાં લોન કરાર મુજબ હપ્તા ભરી શક્યા નહતાં. આથી, 7મી ડિસેમ્બર,22 સુધી 1,36,369.04 રૂપિયા વ્યાજ સહિત ભર્યાં હતાં. બાદમાં તેઓ હપ્તાની રકમ ભરી નહતી. આથી, ભાનુભાઈ પરમારને બેન્કે વ્યાજ તેમજ અન્ય ખર્ચ પેટે રૂ.4.69 લાખ ભરવાના હતાં. જે તેઓએ ભર્યાં નહીં. જેથી બેંકે 18મી ફેબ્રુઆરી, 22ના રોજ નોટીસ પાઠવી હતી. આમ છતાં ભાનુભાઈએ કોઇ જવાબ ન આપતા આખરે તારણમાં મુકેલી નવી આખોલ ગામતળની જમીન પર બાંધવામાં આવેલું મકાન સીલ કરી દેવામાં આવ્યું હતું.

દરમિયાનમાં 18મી એપ્રિલ,24ના રોજ બેંક મેનેજર રાજેશભાઈ હાપલીયાને હેડ ઓફિસના કર્મચારી રાજેશ ભરવાડે જણાવ્યું હતું કે, નવી આખોલ ગામમાં બેન્ક દ્વારા સીલ કરવામાં આવેલું ભાનુભાઈના ઘરે વીઝીટ કરતાં બેન્કના હોદ્દાના સીલ સિક્કા મારેલું તાળુ તોડી પોતાનું તાળુ મારી દીધું છે. આથી, 25મીની રાત્રે ઘરે રૂબરૂ જઇ તપાસ કરતાં દરવાજો ખુલ્લો હતો અને ભાનુ હાજર હતો. આથી, ભાનુની પુછપરછ કરતાં તેણે જણાવ્યું હતું કે, મારી પડોશમાં લગ્ન હોવાથી મેં બેન્કનું સીલ મારેલું તાળુ તોડી નાંખ્યું હતું. આ અંગે ખંભાત ગ્રામ્ય પોલીસ મથકે ભાનુભાઈ સવજીભાઈ પરમાર (રહે. નવી આખોલ) સામે ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધ્યો હતો.

Most Popular

To Top