Charotar

ખંભાતની પંજાબ નેશનલ બેંકમાં 32 લાખની લોનનું કૌભાંડ

ખંભાતના શ્રમજીવીઓ સાથે બેંક મેનેજર અને તેના મળતીયાએ વિશ્વાસઘાત કર્યો

બેંક મેનેજર સહિત ત્રણ શખ્સે બોગસ દસ્તાવેજો બનાવી બેંકમાંથી લોન ઉપાડી ..

ખંભાતના લાલ દરવાજા ખાતે આવેલી પંજાબ નેશનલ બેંકના તત્કાલીન મેનેજર સહિત ત્રણ શખ્સે બોગસ દસ્તાવેજ બનાવી રૂ.32.40 લાખની લોનનું કૌભાંડ આચર્યું હતું. આ કૌભાંડનો પર્દાફાશ થતાં મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો. જ્યાં પોલીસે ત્રણ શખ્સ સામે ગુનો નોંધ્યો હતો.

ખંભાતની મોટી ચુનારવાડ ખાતે રહેતો સુરેશ ઠાકોરભાઈ પતંગ બનાવવાનો વ્યવસાય કરે છે. સુરેશભાઈ વર્ષ 2021ની સાલમાં ખંભાતના લાલ દરવાજા રોડ પર આવેલી પંજાબ નેશનલ બેંકમાં જતા આવતાં હતાં. આ દરમિયાન તેમની વિશાલ જયંતિ ગજ્જર સાથે ઓળખાણ થઇ હતી. આ સમયે વિશાલે જણાવ્યું હતું કે, હું બેંકમાં નોકરી કરૂ છું, તમારે લોનની જરૂર હોય તો મારો સંપર્ક કરજો. આ પરિચયમાં વિશાલે એક દિવસ મુદ્રા લોન બાબતે માહિતી આપી હતી. આથી, સુરેશે તેમના સમાજના અન્ય 11 જેટલી વ્યક્તિને આ લોન લેવા જણાવ્યું હતું. આથી, મે,2021ના માસમાં સાળાના દિકરાના લગ્ન હોવાથી સુરેશ મુદ્રા લોન લેવા માટે વિશાલને મળ્યો હતો. તેઓએ જરૂરી દસ્તાવેજો ચક્યા બાદ વ્યક્તિ દીઠ રૂ.300ના બે સ્ટેમ્પ પેપર આપ્યાં હતાં અને કોરા ફોર્મ, કોરા કાગળ પર સહી કરાવી હતી. આ સમયે બેંક મેનેજર રાકેશ ચૌધરી તમામ ડોક્યુમેન્ટ વેરીફાઇ કરી લોન મંજુર કરશે. એટલે હું તમને જાણ કરીશ. તેમ કહ્યું હતું.

આ વાતચીતના થોડા દિવસ બાદ સુરેશે એક દિવસ વિશાલને લોન બાબતે પુછપરછ કરી હતી. પરંતુ વિશાલે ડોક્યુમેન્ટ ક્યાંક ખોવાઇ ગયા છે. જેથી ફરીથી ડોક્યુમેન્ટ આપવા કહ્યું હતું. આથી, સુરેશે બીજી વખત દસ્તાવેજો આપ્યાં હતાં. આ સમયે પણ વિશાલે હું બહાર જવાનો છું. તમે જલ્દીથી આ ફોર્મ ઉપર સહી કરી દો. હું તમારુ કામ પતાવી દઉં. તેમ કહી કોરા ફોર્મ પર સહી કરાવી હતી.

બાદમાં દીનેશ નાગરભાઈના દીકરા ધીરજના એકાઉન્ટમાં 25મી મે,2021ના રોજ રૂ.3 લાખ જમા થયાં હતાં. તેવી જ રીતે પ્રેમકુમારના પિતા અશ્વીનભાઈના ખાતામાં પણ રૂ. છ લાખ તથા ત્રણ લાખ મળી કુલ 9 લાખ જમા થયાં હતાં. આમ કુલ 12 લાખ મુદ્દા લોનના ત્રણેયના ખાતામાં જમા થયાં હતાં. આ ત્રણેય વ્યક્તિએ સંયુક્ત એકાઉન્ટ ખોલાવી તેમાં 12 લાખ જમા કરાવી એક – એક લાખ ઉપાડી લીધાં હતાં. તેઓ દર મહિને રૂ.7500નો હપ્તો રણજીત ચૌહાણ (રહે. વૈણજ)ને રોકડા આપતાં હતાં.

અચાનક ખંભાત કોર્ટમાંથી નોટીસ મળી હતી. જેમાં પંજાબ નેશનલ બેંકના લોનના હપ્તા બાકી હોય લોક અદાલતમાં હાજર થવા જણાવ્યું હતું. આથી, બેંકમાં તપાસ કરતાં મેનેજર દીગ્વીજયસિંહ ચૌહાણે જણાવ્યું હતું કે, તમે ગાય પર લોન લીધી છે. વ્યક્તિ દીઠ રૂ.2.70 લાખની લોન લીધી છે. આથી, સંજયે આવી કોઇ લોન લીધી ન હોવાનું જણાવતાં દિગ્વીજયસિંહે તપાસ કરતાં અગાઉના બેંક મેનેજર રાકેશ ચૌધરી પાસે તમામ લોન ધારકોએ પોતાના દસ્તાવેજ જમા કરાવી બેંકમાંથી ગાયના વેપારી તરીકે ભાણા ભોજા ભરવાડ અને વાલા ગોવિંદ ભરવાડ (બન્ને રહે. નવી માલાસોની, તા. ખંભાત) અને હોથી મઘા ભરવાડ (રહે. ભંડેરજ, તા. ખંભાત)એ ગાયના ક્વોટેશન બીલની નકલ રજુ કરી કુલ રૂ.32.40 લાખની લોન લીધી છે. આ મામલો બહાર આવતાં સૌ ચોંકી ગયાં હતાં.

આ અંગે દિનેશ નાગરભાઈ, બકોર મંગળભાઈ અને રાયસંગ માણેકભાઈએ બેંકમાં આરટીઆઈ કરી માહિતી માંગતા બીજા લોન ધારકોના લોનના નાણા રૂ.32.40 લાખ ભાણા ભોજા ભરવાડ, વાલા ગોવિંદ ભરવાડ, હોથી મઘા ભરવાડના ખાતામાં જમા થયાં હતાં. આમ, વિશાલ ગજ્જર અને પંજાબ નેશનલ બેંકના તત્કાલીન બેંક મેનેજર રાકેશ ચૌધરીએ મુદ્રા લોનના નાણા આપવાની લાલચ આપી ડોક્યુમેન્ટ લઇ કોરા કાગળોમાં સહી કરાવી ગાયોના નામે રૂ.32.40 લાખની લોન મેળવી લીધી હોવાનું સ્પષ્ટ થયું હતું. આથી, ખંભાત શહેર પોલીસે વિશાલ જયંતિ ગજજર, રાકેશ ચૌધરી અને નટુ દેવા ભરવાડ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

બેંક મેનેજરનો મળતિયો વિશાલ ગજ્જર ભુગર્ભમાં ઉતરી ગયો

વિશાલ ગજ્જરને પુછતાં તેણે ચિંતા કરશો નહીં. આ લોનના નાણા રૂ.32.40 લાખ મિત્ર નટુ દેવા ભરવાડ (રહે. માલા સોની, તા. ખંભાત) અને તેમના ઓળખીતા ભાણા ભોજા ભરવાડ, વાલા ગોવિંદ ભરવાડ અને હોથી મઘા ભરવાડના ખાતામાં જમા કરાવેલા છે. હું તમારી લોનના નાણા ભરી દઇશ. તેમ કહી કેનેરા બેંકનો રૂ.19.20 લાખનો ચેક આપ્યો હતો. જે ખાતામાં જમા કરાવતા 23મી ઓક્ટોબર,23 તથા 30મી ઓક્ટોબર, 23ના રોજ રિટર્ન થયો હતો. જોકે, વિશાલ ગજ્જર ભુગર્ભમાં ઉતરી ગયો હતો.

Most Popular

To Top