Charotar

ખંભાતના વડોલામાં ભત્રીજાએ કાકાની હત્યા કરી

માતા વિરૂદ્ધ કેમ બોલે છે ? તેમ કહી પુત્ર ઉશ્કેરાયો અને કાકા પર લાકડી લઇ તુટી પડ્યો

(પ્રતિનિધિ) ખંભાત તા.11

ખંભાત તાલુકાના વાડોલા ગામમાં ભત્રીજાએ લાકડાના દંડાના ઘા ઝીંકી કાકાની હત્યા કરી નાંખી હતી. મૃતક તેના ભાભી વિશે બોલતો હતો. આથી, ભત્રીજો ઉશ્કેરાઇ ગયો હતો અને તુટી પડ્યો હતો. આ અંગે ખંભાત ગ્રામ્ય પોલીસે ગુનો નોંધી ભત્રીજાની ધરપકડ કરી હતી.

ખંભાતના વાડોલા બસ સ્ટેન્ડ પાસે રહેતા જશુબહેન કાંતિભાઈ પરમારના પતિ કાંતિભાઈ બાબરભાઈ પરમાર કડીયાકામ કરતાં હતાં. કાંતિભાઈના ત્રણ ભાઇમાંથી એક મફતભાઈ બાજુમાં જ પરિવાર સાથે રહે છે. દરમિયાનમાં 9મી એપ્રિલના રોજ રાત્રિના કાંતિભાઈ ઘરે આવ્યાં હતાં, તે સમયે તેઓ તેમના ભાભી સવિતાબહેન વિશે બોલ્યાં હતાં. આ વાત સવિતાબહેનનો પુત્ર બળદેવ મફત પરમાર સાંભળી ગયો હતો અને ઘરમાંથી બહાર આવી કહેવા લાગ્યો હતો કે ‘શું છે તારે ? તારે શું લેવા દેવા ?’તેમ કહેતા કાકા – ભત્રીજા વચ્ચે ઝઘડો થયો હતો. આ ઝઘડો ઉગ્ર બની જતાં બળદેવ લાકડાનો દંડો લઇ દોડી આવ્યો હતો અને કાંતિભાઈના મોઢા પર ઉપરા છાપરી ચાર – પાંચ ઘા ઝીંકી દીધાં હતાં. જેના કારણે કાંતિભાઈ લોહી લુહાણ હાલતમાં ત્યાં જ ફસડાઇ પડ્યાં હતાં. આ અંગે તુરંત તેના પુત્ર સુધીરને જાણ કરતાં તે ઘરે દોડી આવ્યો હતો. પરંતુ તે પહેલા કાંતિભાઈનું પ્રાણ પંખેરૂ ઉડી ગયું હતું. આ અંગે ખંભાત ગ્રામ્ય પોલીસે બળદેવ મફત પરમાર સામે ગુનો નોંધી તેની ધરપકડ કરી હતી.

Most Popular

To Top