દબાણો દૂર નહીં થતાં અવારનવાર અકસ્માતોનું જોખમ વધ્યું
વડોદરા: શહેરના ખંડેરાવ માર્કેટ ચાર રસ્તા પાસે ગુરુવારે બપોરે બાઈક અને રીક્ષા વચ્ચે અકસ્માત સર્જાયો હતો. બાઈક ચાલકને ઈજા થતાં તેને સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.

મળી રહેલી માહિતી મુજબ, ખંડેરાવ માર્કેટ ચાર રસ્તા પાસે ડાબી બાજુથી જઈ રહેલા રીક્ષા ચાલકે સામે આવતા બાઈક ચાલકને બચાવવા માટે વાહન વાળ્યું, જે દરમિયાન રીક્ષા એક લારી સાથે અથડાઈ ગઈ. અકસ્માતના કારણે બાઈક ચાલકને માથા અને હાથમાં ઈજા પહોંચતા આસપાસના લોકોએ તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં મોકલ્યો. ઘટનાની જાણ થતાં પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
સ્થાનિક વેપારીઓ તેમજ ઘટના સ્થળ પર ભેગા થયેલ લોકોએ કહ્યું પાલિકાની વડી કચેરીની સામે આવેલા માર્કેટ ચાર રસ્તા પર અવારનવાર દબાણો થઈ જતાં વાહન વ્યવહાર અસ્તવ્યસ્ત બને છે. તેનાથી આવા અકસ્માતો થવાની શક્યતા વધી જાય છે. લોકોનું કહેવું છે કે પાલિકાના કેટલાક અધિકારીઓ હપ્તા લઈ દબાણો દૂર કરવામાં બેદરકાર રહે છે, જેના પરિણામે રોજબરોજ અકસ્માતના બનાવો બને છે.
સ્થાનિક વેપારીઓ અને રહીશો દ્વારા પાલિકાને તાત્કાલિક કાર્યવાહી કરીને દબાણો દૂર કરવાની તેમજ ટ્રાફિક વ્યવસ્થા સુધારવાની માંગ કરવામાં આવી છે.