વાઘોડિયામાં નોંધપાત્ર ક્ષત્રિય મતદારો, ગયા વખતે સમાજના મતોને લીધે ધર્મેન્દ્રસિંહ વાઘેલા અપક્ષ ચૂંટાયા હતા
પુરુષોત્તમ રૂપાલાનો વિવાદ હવે ભાજપને સમગ્ર રાજ્યમાં નડી રહ્યો છે અને હવે આ વિવાદના પડઘા વડોદરા સુધી પહોંચ્યા છે. ચૂંટણી પહેલાં જો ક્ષત્રિયોને મનાવી લેવામાં નહિ આવે તો ભાજપે વાઘોડિયા વિધાનસભા બેઠક પણ ગુમાવવાની આવે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે.
રૂપાલા સામેનો વિરોધ હવે રાજ્યવ્યાપી બન્યો છે અને વડોદરા શહેર અને જિલ્લાના રાજપૂત સંગઠનો પણ વિરોધમાં ઉતરી આવ્યા છે. વડોદરા જિલ્લામાં જ્યાં રાજપૂતોની નોંધપાત્ર સંખ્યા છે અને તેમના મત નિર્ણાયક છે તે વાઘોડિયા વિધાનસભા બેઠકની ચૂંટણી પણ લોકસભા સાથે જ યોજાવા જઈ રહી છે. છેલ્લી વિધાનસભા ચૂંટણીમાં રાજ્યમાં ભાજપની લહેર જોવા છતાં ધર્મેન્દ્રસિંહ વાઘેલા આ બેઠક પરથી અપક્ષ ચૂંટાઈ આવ્યા હતાં . વાઘેલાના વિજય પાછળ અહી પ્રભુત્વ ધરાવતા રાજપૂત મતોનો મોટો ફાળો હતો. હવે વાઘેલા ભાજપમાં જોડાયા પછી તેમને ભાજપે ટિકિટ આપી છે, પરંતુ રાજપૂતોની નારાજગી જોતા આ વખતે તેમનો વિજય આસાન નહિ હોય.
વાઘોડિયાના રાજપૂત આગેવાનોનું કહેવું છેકે રૂપાલાના વિવાદમાં વાઘેલાએ તેમનું સ્ટેન્ડ ક્લીઅર કર્યું નથી. સમાજના નામે મત લઈ તેઓ જો સમાજની પડખે રહેવાના જ ના હોય તો એવા ધારાસભ્યની અમારે કોઈ જરૂર નથી અને અમે તેમને મત નહિ જ આપીએ.
કોંગ્રેસે પણ વાઘોડિયા બેઠક પર રાજપૂત ઉમેદવાર ઉતારવાનું મન બનાવી લીધું છે. આવા સમયે તો રાજપૂત સમાજનો રોષ શાંત નહિ થાય તો વાઘેલાએ ચૂંટણીમાં હારનો સામનો કરવો પડી શકે છે.
ક્ષત્રિયો નારાજ રહ્યા તો ભાજપ વાઘોડિયા વિધાનસભા બેઠક પણ ગુમાવશે
By
Posted on