ક્લાઇમેટ ઇન્વેસ્ટમેન્ટ પ્લાન માત્ર નીતિ દસ્તાવેજ નહીં, પણ શહેરના હરિયાળમણા વિકાસનો રોડમૅપ: અરુણ મહેશ બાબુ; PPP, EV અને CSR દ્વારા ફંડિંગનો માર્ગ મોકળો.
વડોદરા મહાનગરપાલિકા (VMC) દ્વારા શહેરની પર્યાવરણીય પ્રતિબદ્ધતાને મજબૂત કરવા તથા વાયુમંડળને સ્વચ્છ રાખવાના ઉદ્દેશ્યથી શહેર સ્તરે ક્લાઇમેટ રિઝિલિયન્સ અને લો-કાર્બન વિકાસને પ્રોત્સાહન આપવા માટે એક મહત્વપૂર્ણ સમીક્ષા બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુના અધ્યક્ષસ્થાને યોજાયેલી આ બેઠક વડોદરાને ‘નેટ ઝીરો’ શહેર બનાવવાની દિશામાં એક મહત્ત્વનું પગલું છે.

આ બેઠકમાં આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ ICLEI- સાઉથ એશિયા અને સ્વિટ્ઝર્લેન્ડની સાઉથ પોલ AGના પ્રતિનિધિઓએ પણ ભાગ લીધો હતો. આ સમગ્ર કામગીરી સ્વીઝ એજન્સી ફોર ડિવોલમેન્ટ એન્ડ કોર્પોરેશન (SDC)ના સહયોગથી કાપા સિટી કાર્યક્રમ હેઠળ ચાલી રહી છે, જેનું લક્ષ્ય વડોદરા માટે વર્ષ 2030 સુધીનો ક્લેમેન્ટ ઇન્વેસમેન્ટ પ્લાન (CIP) તૈયાર કરવાનું છે.

VMCના નેતૃત્વ હેઠળ વડોદરા શહેરને 2070 સુધીમાં પૂર્ણ નેગેટિવ કાર્બન ઉત્સર્જન (નેટ ઝીરો) પ્રાપ્ત કરવા માટે લક્ષ્યાંક નક્કી કરાયો છે. આ અંતર્ગત, નેટ ઝીરો ક્લાઈમેટ રેસિલિન્ટ સિટી એક્શન પ્લાન (CRCAP) હેઠળ 2030 સુધીમાં શહેરના ગ્રીનહાઉસ ગૅસ ઉત્સર્જનમાં લગભગ 46.8% જેટલો નોંધપાત્ર ઘટાડો કરવાનો મહત્ત્વકાંક્ષી પ્રયાસ કરવાની કલ્પના કરવામાં આવી છે.

વડોદરાનો નવો (CIP) શહેરને માત્ર પર્યાવરણીય અભ્યાસ પૂરતો સીમિત ન રાખતા, નાણાકીય રૂપે મજબૂત બનાવવાનો પણ માર્ગ દર્શાવે છે. 2030 સુધીના સતત વિકાસ માટે VMC એ મ્યુનિસિપલ એસેટ વેલ્યૂ કેપ્ચર, જાહેર-ખાનગી ભાગીદારી (PPP), નવીન ઊર્જા પ્રોજેક્ટ્સ, કચરા વ્યવસ્થાપન, ઇલેક્ટ્રિક વાહનો (EV), CSR ફંડ અને પરોપકારી ભંડોળ જેવા વિવિધ સ્ત્રોતો દ્વારા નાણાંકીય સહાય મેળવવાનો માર્ગ નક્કી કર્યો છે.
મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુએ ચર્ચા દરમિયાન ભારપૂર્વક જણાવ્યું હતું કે, “ક્લાઈમેટ ઇન્વેસ્ટમેન્ટ પ્લાન (CIP) માત્ર એક નીતિ દસ્તાવેજ નથી, પણ વડોદરાના સ્થાયી અને હરિયાળમણા વિકાસ માટેનો સ્પષ્ટ રોડમૅપ છે.” તેમણે ઉમેર્યું હતું કે, “વડોદરાની આ પહેલ દેશના અન્ય શહેરો માટે પણ પ્રેરણાત્મક બનશે. આ આયોજન વડોદરાને માત્ર પર્યાવરણ દૃષ્ટિએ નહીં, પણ નાણાકીય અને વ્યવસ્થાપન હિત માટે પણ નવા ઉદ્દેશ સાથે આગળ ધપાવે છે.”
તેમણે મક્કમતા વ્યક્ત કરી હતી કે Net Zero CRCAP અને CIP વડોદરાને ભૂતકાળ કરતાં વધુ હરીફ અને હરિયાળું શહેર બનાવવાનો નિર્ધાર છે, જે દેશના બીજા શહેરો માટે એક અનન્ય ઉદાહરણરૂપ બની રહેશે.