Columns

ક્રોધ પર સંયમ રાખો

નદી કિનારે એકદમ પાણીની પાસે એક મોટી શિલા હતી. એક મહાત્મા ત્યાં આવીને બેઠા હતા. થોડી વારે એક ધોબી કપડાંનું પોટલું લઈને આવ્યો. તે રોજ પેલી શિલા પર જ કપડાં ધોતો હતો.ધોબીએ દૂરથી જ ભગવાં વસ્ત્રધારી મહાત્માને ત્યાં બેઠેલા જોયા. તેણે વિચાર્યું સાધુ મહાત્મા બેઠા છે તેમને કયાં ઊઠવાનું કહું, ભલે ત્યાં બેઠા, થોડી વારમાં ઊભા થઈને જશે પછી કપડાં ધોઈ લઈશ,ધોબી શાંતિથી થોડે દૂર ઝાડ નીચે બેસીને પ્રતીક્ષા કરવા લાગ્યો.

ઘણો સમય પસાર થઇ ગયો,બે કલાક વીતી ગયા.ધોબીને ઘણાં કપડાં ધોવાનાં હતાં એટલે તેણે મહાત્માજીને વિનંતી કરવાનું નક્કી કર્યું અને તેમની પાસે જઈને હાથ જોડીને કહ્યું, ‘મહાત્માજી, માફ કરજો,પણ આ જે શિલા પર તમે બેઠા છો તે મારું કપડાં ધોવાનું સ્થાન છે. જો તમને કષ્ટ ન થાય તો આપ બીજા સ્થાન પર બિરાજો તો હું અહીં કપડાં ધોવાનું મારું કામ કરી લઉં.’ ધોબીની વિનંતી સાંભળીને મહાત્માજી કંઈ બોલ્યા નહિ પણ ગમ્યું ન હોય તેવા ભાવ ચહેરા પર લાવી થોડે દૂર જઈને બેસી ગયા.ધોબી મહાત્માજીનો આભાર માની મોડું થયું હોવાથી ફટાફટ કપડાં ધોવા લાગ્યો.ધોબી શિલા પર પછાડી પછાડીને કપડાં ધોતો હતો, તેમ કરવામાં થોડા પાણીનાં છાંટા થોડે દૂર બેઠેલા મહાત્માજી પર ઊડવા લાગ્યા.

ધોબી ફટાફટ કામ પૂરું કરવાની ઉતાવળમાં હતો એટલે તેને ખ્યાલ ન આવ્યો કે પાણીના છાંટા મહાત્માજી પર ઊડે છે. પાણીના છાંટા પોતાની પર પડ્યા એટલે મહાત્માજી ક્રોધિત થઇ ગયા અને ગુસ્સામાં ધોબીને અપશબ્દો બોલવા લાગ્યા.ધોબી પોતાની ભૂલ સમજી ગયો અને માફી માંગવા લાગ્યો.ધોબીએ સ્વીકાર્યું અને માફી માંગતાં કહ્યું, ‘મહાત્માજી, મારાથી ભૂલ થઇ ગઈ. તમારી પર છાંટા ઊડ્યા પણ મેં જાણી જોઇને નથી ઉડાડ્યા. મને માફ કરો અને આપ થોડે દૂર જઈને બેસો તો છાંટા તમારી પર નહિ ઊડે.’ આ સાંભળી મહાત્માજી વધુ ગુસ્સે થઇ ધોબીનો જ કપડાં ધોવાનો ધોકો લઈને તેને માર્યો.

ધોબીએ મહાત્માજીનું માન જાળવવા પોતાના પર સંયમ રાખી માફી માંગતા કહ્યું કે, ‘મારી ભૂલ થઇ ગઈ મને માફ કરો.’તે ચુપચાપ પોતાનું કામ કરી ધોયેલાં કપડાં લઈને ઘરે ગયો અને મહાત્માજીનાં કપડાં પર ગંદા પાણીના ડાઘા રહી ગયા. આ પ્રસંગમાં કોણ સાચો મહાત્મા? મહાત્માજીએ સાધુ થઈને ક્રોધ કર્યો અને સામાન્ય ધોબીએ સંયમ રાખી,નમ્રતા રાખી મહાત્માજીનો ક્રોધ સહન કરી માફી માંગી.ધોબી જ સાચો મહાત્મા હતો, જે લોકોનાં કપડાં પરના ડાઘ દૂર કરતો હતો અને તેનું મન ડાઘરહિત એકદમ સાફ હતું. હંમેશા ધીરજ રાખો અને ક્રોધ પર નિયંત્રણ રાખો. જેમ ઉકળતા પાણીમાં ચહેરો દેખાતો નથી તેમ ક્રોધથી ભરેલા મગજને સાચી પરિસ્થિતિ સમજાતી નથી.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top