ક્રેડિટકાર્ડ સ્વાઇપ કરાવી રૂપિયા ટ્રાન્સફર કરાવતા લોકો માટે લાલબત્તી સમાન કિસ્સો
વડોદરા તા.8
વડોદરાના માંડવી વિસ્તારમાં રહેતા કાપડના વેપારીને ક્રેડિટ કાર્ડમાંથી રૂપિયા 3.39 લાખ ઉપાડી આપવાનું કહી કમિશન એજન્ટે માત્ર રૂપિયા 49 હજાર તેમના બેન્ક એકાઉન્ટમાં પરત કર્યા હતા. જ્યારે બાકીના 2.90 લાખ
અન્ય એપ્લિકેશનમાં બારોબાર ટ્રાન્સફર કરી ઠગાઈ આચરી હતી. જે રૂપિયા પરત નહીં આપતા એજન્ટ વિરુદ્ધ વેપારીએ સીટી પોલીસ સ્ટેશનમાં ઠગાઈની ફરિયાદ નોંધાવી છે.
વડોદરા શહેરમાં ક્રેડિટ કાર્ડ સ્વાઇપ કરાવી રૂપિયા ટ્રાન્સફર કરાવતા લોકો માટે લાલબત્તી સમાન કિસ્સો પ્રકાશમાં આવ્યો છે.જેમાં એવી વિગત છે કે માંડવી વિસ્તારમાં અકબરી કોમ્પ્લેક્સમાં રહેતા શોએબ સિદ્દીક મેમણ કપડાનો ધંધો કરે છે. તેઓ ચાર વર્ષથી યાકુતપુરા મદાર મહોલ્લા ખાતે રહેતા આશિફશા નઝુશા દિવાનને ઓળખે છે અને તેમને ધંધા માટે પૈસાની જરૂર હોય ત્યારે અલગ-અલગ બેન્કના ક્રેડિટ કાર્ડમાંથી આસીફશા દિવાન સાથે ક્રેડિટ કાર્ડ સ્વાઇપ કરાવી રૂપિયા ટ્રાન્સફર કરાવે છે. જેના તેઓ બે ટકા ચાર્જીસ પણ કાપતા હતા. વર્ષ 2024ના એપ્રિલ મહીનાથી આશિફશા નઝુશા દીવાનના ઘરે જઈને ક્રેડિટ કાર્ડના સ્વાઇપ કરાવીને તેના નાણા પોતાના એકાઉન્ટમાં ટ્રાન્સફર કરાવતા હતા. તેઓએ એપ્રિલથી નવેમ્બર સુધી આસિફ દિવાન સાથે ક્રેડિટ કાર્ડનું કામ કરાવતા હતા. જેથી આશિફશા સાથે ઓળખાણ થઈ હતી. ગત 7 માર્ચના રોજ વેપારીએ તેમના તમામ ક્રેડિટ કાર્ડ દિવાનને આપ્યા હતા. ત્યારબાદ તેઓએ ક્રેડીટ કાર્ડ પ્રોસેસ કરવા માટે ઓટીપી પણ વેપારી પાસેથી લઈ લીધા હતા અને તમામ કાર્ડમાંથી આસીફશા દિવાને જાતે પોતાના ઘરે લેપટોપ તથા સ્વાઇપ મશીન મારફતે ક્રેડિટ કાર્ડમાંથી રૂ.3.39 લાખ ટ્રાન્સફર કરી લીધા હતાં. જેમાંથી રૂ. 49 હજાર વેપારીના બેન્ક એકાઉન્ટમાં પરત કર્યા હતા. જ્યારે આશિફશા દિવાનને બાકીના રૂ. 2.90 લાખ તેમને પરત આપ્યા ન હતા અને આ રૂપિયા અલગ એપ્લિકેશનમાં ટ્રાન્સફર કરી ઠગાઈ આચરી હતી. વેપારીએ સીટી પોલીસ સ્ટેશનમાં એજન્ટ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે આશિફશા દિવાન વિરુદ્ધ ગુનો નોધી કાર્યવાહી હાથ ધરી છે.