સમા–સાવલી રોડ પર ફાઇનાન્સ કંપનીના સંચાલક સાથે ઠગાઈ
(પ્રતિનિધિ) વડોદરા, તા. ૨૫
વડોદરા શહેરના સમા–સાવલી રોડ વિસ્તારમાં ફાઇનાન્સ કંપનીના સંચાલક સાથે ક્રેડિટ કાર્ડનું બિલ ભરાવ્યા બાદ રૂ. ૨.૨૪ લાખ પરત ન ચુકવાતા છેતરપિંડીનો બનાવ સામે આવ્યો છે. આ અંગે ફાઇનાન્સ ઓફિસના સંચાલકે સમા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
પ્રાપ્ત વિગતો મુજબ કારેલીબાગના અંબાલાલ પાર્ક ચાર રસ્તા પાસે ધવલ પાર્ક સોસાયટીમાં રહેતા રામ અશોકકુમાર ઠક્કર છાણી રોડ પર આવેલા સિદ્ધાર્થ એલિગન્સ કોમ્પ્લેક્ષના બીજા માળે માઇક્રો ફાઇનાન્સ પ્રાઇવેટ લિમિટેડ નામની કંપની ચલાવે છે. તેઓ ફ્લાઇટ તથા હોટેલ બુકિંગ, શિક્ષણ સલાહ તેમજ ક્રેડિટ કાર્ડના બિલ ચુકવણીની સેવા આપે છે.
ગત ૭ જાન્યુઆરીએ સાંજના સમયે રાવપુરા વિસ્તારમાં રહેતા જગેશભાઈ રવિન્દ્રકુમાર પટેલ તેમની ઓફિસે આવ્યા હતા અને આઇબીઆઇ બેંકના ક્રેડિટ કાર્ડનું રૂ. ૨.૨૪ લાખનું બિલ ચુકવવા માટે વિનંતી કરી હતી. સંચાલકે બિલ ચૂકવી આપ્યું હતું અને આરોપીએ રકમ પરત આપવાનો વાયદો કર્યો હતો. છતાં આજદિન સુધી રકમ પરત ન આપતા છેતરપિંડી થઈ હોવાનું સામે આવ્યું છે.
ફરિયાદના આધારે પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા કાર્યવાહી શરૂ કરી છે.