જ્યારે નવું અને અપૂર્વ બને ત્યારે ‘ક્રાંતિકારી’ શબ્દપ્રયોગ થાય છે. ભારતમાં સરકારે છટકબારી માટે એવો જ શબ્દપ્રયોગ કર્યો છે. સૌ કોઇ જાણે છે કે દેશમાં ‘બેરોજગારી’, ‘ગરીબી’, ‘કુપોષણ’, ‘દુર્દશા’ પર ઢાંકપિછોડો કરવા ધૂમ ભ્રામક પ્રચાર થાય છે. હવે બેરોજગારી ઢાંકવા દેશનાં બેરોજગારો માટે નવો ક્રાંતિકારી શબ્દપ્રયોગ ‘આકાંક્ષી’ નામથી થયો છે. બેરોજગારો માટે આગલી સરકારે તો ‘મનરેગા’ યોજના ચાલુ કરી હતી અને રોજગારની તકો આપી હતી. હવેની સરકારે બજેટમાં તેમાં મોટો કાપ મૂક્યો છે, તેમ છતાં બેકારોને જાણે સન્માનિત કરવાનો પ્રયાસ થયો હોય તેમ, એમની ઓળખ માટે ‘‘આકાંક્ષી’’ શબ્દ વહેતો કર્યો છે. એની જ અન્ય ક્રાંતિકારી છટકબારી માટે કેટલાક નવા શબ્દપ્રયોગો પણ થઇ શકે. સત્યવાદી પ્રજા, નેતા વગેરેની નોંધ માટે જુઠાણાં, અસત્યને બદલે ‘‘પ્રતિસત્ય’’, નફરત માટે ‘‘વિપ્રેમ’’, ગરીબી માટે ‘‘અસંપન્નતા’’, ભૂખમરા માટે ‘‘નિહારતા’’, રમખાણો માટે ‘‘ભાવપડઘા’’ જેવા અનેક શબ્દપ્રયોગોથી છટકબારીઓ સર્જાશે, ભ્રામક ચિત્રાંકન થશે, ભાષાપ્રાગટ્યમાં ક્રાંતિ થશે. કલ્પનાજગત તરફ પ્રયાણ થશે. રૂડીરૂપાળી પરિસ્થિતિમાં ભ્રામકદર્શન સ્વપ્ન સૃષ્ટિના વિહારનો ઇતિહાસ લખાય. મનગમતો ઇતિહાસ લખાવવા આમ પણ શૈક્ષણિક પાઠ્યપુસ્તકો, ચલચિત્રોમાં રાજકીય પ્રયોગો થઇ જ રહ્યા છે. ભારતનાં ગામો, શહેરો,સ્થળોના નામ પરિવર્તનની ઘટનાઓ ઘટી રહી છે, નવી ક્રાંતિ સર્જવા માટે પ્રયાસો થઇ રહ્યા છે. ક્રાંતિકારી રંગે દેશ રંગાવા માંડ્યો છે, જેથી નૂતન ભારતનો ઉદય થાય.
સુરત- યુસુફ એમ. ગુજરાતી