મનને સ્થિર કરવા માટે વૈરાગ્યની મહત્તાને સમજ્યા. આ અંકમાં મનને સ્થિર કરવા અભ્યાસ(પ્રયત્ન)ની ભૂમિકાને સમજીએ. શું દાદરાની ઠોકર લાગવાથી નિરાશ બની બેસી રહેલો માનવી હિમાલય સર કરી શકે? ગલી-ગલીમાં ક્રિકેટ રમનાર ધોકો તૂટતાં હતાશ થઈ રમત જ છોડી દે, તો શું કદાપિ એ વિશ્વવિક્રમી ખેલાડી બની શકે? ‘ના,’ કદાચ ધોકો તૂટે તો ચાલે પણ મનોબળ તૂટવું ન જોઈએ. કદાચ વિદ્યાર્થીની લેખિનીમાં શાહી ખૂટી જાય તો પુનઃ ભરી શકાય પણ અભ્યાસની શ્રદ્ધા ખૂટે એ ન જ ચાલે.
હા, મિત્રો! જીવવા માટે શ્વાસની જેમ અસાધારણ સફળતા માટે મનમાં દૃઢ વિશ્વાસ અને પ્રચંડ અભ્યાસ અનિવાર્ય છે. ભલે શરૂઆતમાં અનેક નિષ્ફળતા આવે પરંતુ અભ્યાસથી કદાપિ પાછીપાની તો ન જ કરવી. હોંસલાથી બુલંદ એવા બળવત્તર અભ્યાસી પુરુષો જ ઇતિહાસ રચે છે, બીજા તો માત્ર તેને રટે છે.
તેથી જ કહેવાયું છે કે;जो साबुन से नहाते हैं, वे लिबाज बदलते
हैं। पर जो पसीने से नहाते हैं, वे इतिहास बदलते हैं।
હા, મહાભારતના ઇતિહાસને ગાતાં આજે માનવની જીભ સુકાતી નથી અને એમાં પણ અર્જુનની વાત આવતાં સૌ તેને બે મુખે વખાણે છે. શું હશે એ અર્જુનનું પ્રેરક બળ? ઇતિહાસ સર્જન પાછળ અર્જુનનું કયું રહસ્ય અને કેવો પુરુષાર્થ ગર્ભિત છે? શું તેને નિષ્ફળતા નહીં આવી હોય ?
હા, મિત્રો! અર્જુનનું પણ મન વિચલિત થયું ત્યારે ભગવાન કૃષ્ણે તેને સ્થિરતા માટે બે ઉપાય બતાવ્યા હતા. વૈરાગ્ય અને અભ્યાસ ! તેઓએ કહ્યું કે;
असंशयं महाबाहो मनो दुर्निग्रहं चलम्।
अभ्यासेन तु कौन्तेय वैराग्येण च गृह्यते।। (6/35) અર્થાત્ ‘હે અર્જુન! ખરેખર મનને વશ કરવું(સફળ થવું) કઠીન છે પરંતુ સતત અભ્યાસ(પ્રયત્ન) અને વિરુદ્ધ વિષયોના ભોગના પરિત્યાગથી આ કઠીન કાર્ય પણ સંભવ છે.’
આ શ્લોક માનવને કંઈક કઠીન, અસાધારણ અને વિશ્વવિક્રમી બનવાની પ્રેરણા આપે છે. બાકી મનની વિચલિત પરિસ્થિતિને આધીન થઈને તો અસફળતાના ફળ સિવાય કશું જ નથી મળવાનું. જો કઠીન કેડી પર પ્રયાણ કરશો તો કાંટા તો આવશે જ ! પણ તેના પ્રતિકાર માટે પ્રચંડ પ્રયત્ન કરવો પડશે.
હરિવંશરાય બચ્ચન કહે છે કે;
कोशिश करने वालो की कभी हार नहीं होती। लहरों से डरने वालों की नैया पार नहीं होती।
ગુણાતીતાનંદ સ્વામી પણ કહે છે કે “ –પ્રદ્યુમ્નને શાલ્વની ગદા વાગી એટલે મૂર્છા આવી. પછી સારથિ કોરે લઈ ગયો ને મૂર્છા વળી ત્યારે પ્રદ્યુમ્ને સારથિને કહ્યું કે, “મને રણભૂમિમાંથી અહીં લાવ્યો, તે સૌ મારી મશ્કરી કરશે જે, રુક્મિણીનું ધાવણ ધાવ્યો ને રણસંગ્રામમાંથી ભાગ્યો. માટે રણસંગ્રામમાં રથ ઝટ લઈ જા,” તેમ આપણે પણ (નિષ્ફળતારૂપી) ગદા વાગે તો પાછું લડવા મંડી જાવું. (12/23) હા, સતત પ્રયત્નરૂપી ઓઈલ કાટ ખાઈ ગયેલા ચેઈન-આરાને પણ સતેજ બનાવી દે છે, જે અંતે સિદ્ધિના રથ પર પૂરપાટ ગતિ અપાવે છે.
સચિન તેંદુલકરે આત્મકથામાં લખ્યું છે કે, “Discipline and preparation is vital for success irrespective the level of your natural talent.” અર્થાત્ “કદાચ તમારામાં જન્મજાત કોઈ વિશેષ શક્તિ ન હોય છતાં જો તમે અનુશાસન સાથે સખત પ્રયત્ન કરો તો તમે અસીમિત સફળતાના સુકાની બની શકો છો.” વળી, સચિન તેંદુલકરે સ્વ-સફળતાયજ્ઞમાં હોમેલી આહુતિને વર્ણવતાં કહ્યું કે, “હું પ્રતિદિન સવારે 6 થી 10 પ્રેક્ટીસ ,10 થી 5 મેચ અને 6 થી 8 કોચ રમાકાંત આચરેકર સાથે રમતો.” અર્થાત્ રોજનો 13 કલાકનો પરિશ્રમ. શું આવો પ્રચંડ, પ્રબળ અને પ્રતાપી પુરુષપ્રયત્ન આપણે કરીએ છીએ? કઠોર પ્રયત્નની સાથે સાથે ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે ‘ધ્યેયમાં બાધારૂપ વિઘ્નોનો પરિત્યાગ કરવો. ’
“Most decorated Olympian in the planet Earth” ની પદવી પ્રાપ્ત કરનાર માઈકલ ફ્લેપ્સે 4 વખત ઓલમ્પિકમાં 23 ગોલ્ડ મેડલ અને 5 સિલ્વર તથા બ્રોન્ઝ મેડલ મેળવી સ્વિમિંગ ગેમમાં વિશ્વ આદર્શ સ્થાપ્યો. એક વાર સ્વિમિંગ કરતાં કરતાં તેઓને અનુભવાયું કે શરીરના વાળ તરવામાં ઘર્ષણ ઉપજાવે છે. તેથી માથાની સાથે સાથે સમગ્ર શરીરના વાળ કઢાવી નાખ્યા. કદાચ સ્વિમિંગ સંબંધી પુસ્તકોમાં પણ જે વાત ન હોય એવું સૂક્ષ્મ અવલોકન કરીને તમામ વિઘ્નોને દૂર કર્યાં ત્યારે તેઓના કંઠે સિદ્ધિએ વરમાળા પહેરાવી. તો મિત્રો! આજે જ નિર્ધાર કરીએ કે અભ્યાસ અને ભોગવૃત્તિનો સંકોચ કરી જીવન ઉન્નત બનાવીએ.