રવિવારે એક મહત્વની ઘટના બની. કોરોનાવાયરસ સામે દેશમાં રસીકરણ શરૂ કરવા માટે બે રસીઓને ભારતના ઔષધ નિયંત્રક ડ્રગ કન્ટ્રોલર ઓફ ઇન્ડિયા(ડીસીજીઆઇ) દ્વારા મંજૂરી આપવામાં આવી.
આમાં એક તો બ્રિટનની ઓક્સફર્ડ યુનિવર્સિટી દ્વારા ત્યાંની એસ્ટ્રાઝેનેકા ફાર્મસી સાથે મળીને તૈયાર કરવામાં આવેલી કોવિશિલ્ડ રસી છે અને બીજી રસી આપણા દેશની જ ફાર્મા કંપની ભારત બાયોટેક દ્વારા આઇસીએમઆર સાથે સહયોગમાં તૈયાર કરવામાં આવેલી કોવેક્સિન રસી છે.

આ ભારત બાયોટેકની રસીને અપાયેલ મંજૂરી બાબતે મોટો વિવાદ ઉભો થઇ ગયો છે કારણ કે આ રસીનું હજી ત્રીજા તબક્કાનું ક્લિનિકલ પરીક્ષણ પુરુ થવાનું બાકી છે અને તે પહેલા જ તેને મંજૂરી આપી દેવાઇ છે!
વિપક્ષો ઉપરાંત અનેક નિષ્ણાતોએ પણ આ મંજૂરી સામે પ્રશ્નો ઉઠાવ્યા છે. સરકાર એવો ખુલાસો કરી રહી છે કે આ રસીને જુદી શરતોએ મંજૂરી અપાઇ છે અને આ રસી બેક-અપ રસી તરીકે ઉપયોગમાં લેવાની છે વગેરે. પરંતુ, સરકાર તરફથી કે સરકારના ટેકામાં કેટલાક હોદ્દેદારો તરફથી કરવામાં આવતા ખુલાસાઓ ગોળ ગોળ અને લૂલા પાંગળા જણાઇ રહ્યા છે. દેખીતી રીતે સ્વદેશી રસી પણ મેદાનમાં આવી ગઇ છે તેવું બતાવવાના ઉત્સાહમાં આ રસીને ઉતાવળે મંજૂરી આપી દેવાઇ છે એમ લાગે છે.
ભારત બાયોટેકની કોવિડ-૧૯ સામેની રસી કોવેક્સિન નવા બદલાયેલા કોરોનાવાયરસના સ્ટ્રેઇન સામે અસરકારક પુરવાર થઇ શકે છે અને તેનો ઉપયોગ બેક-અપ તરીકે થઇ શકે છે તેવા સરકારના દાવાઓ સામે કેટલાક આરોગ્ય નિષ્ણાતોએ પ્રશ્ન ઉઠાવ્યો છે અને સરકારના આ દાવા પાછળ વૈજ્ઞાનિક આધાર શું છે તે પૂછી રહ્યા છે અને આ રસીની સલામતી અને અસરકારકતા અંગે પણ પ્રશ્નો ઉઠાવી રહ્યા છે. ભારત બાયોટેકની રસીનું હજી ત્રીજા તબક્કાનું પરીક્ષણ બાકી છે ત્યારે તેને અપાયેલી મંજૂરી અંગે ઇન્ડિયન જર્નલ ઓફ મેડિકલ એથિક્સના તંત્રી ડો. અમર જસાણી કહે છે કે ભારત બાયોટેક હજી તો પોતાની રસીના ત્રીજા તબક્કાના પરીક્ષણ માટે પુરતા સ્વયંસેવકો ભેગા કરી શકી નથી ત્યારે આ રસીને આપી દેવાયેલી મંજૂરી ચોંકાવનારી છે. જાણીતા વાયરોલોજીસ્ટ શાહીદ જમીલે કહ્યું હતું કે આ રસીને પરવાનગી આપવા માટે જે પ્રક્રિયા અપનાવવામાં આવી છે તે ચિંતાજનક છે અને જવાબદાર હોદ્દાઓ પર બેસેલા લોકો જે રીતે (આ રસીની તરફેણમાં) ઉચ્ચારણો કરી રહ્યા છે તે પણ ચિંતાજનક છે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે રસી એ દવા નથી અને તે તંદુરસ્ત લોકોને આપવામાં આવે છે. રસી એ પૂર્વરક્ષણ છે, સારવાર નથી. તેના માટે સલામતી અને અસરકારકતા બંને જરૂરી છે. તેમણે બેકઅપની બાબત સામે પણ પ્રશ્ન ઉઠાવ્યો હતો. આનો અર્થ એ કે જો જરૂર પડશે તો જેની અસરકારકતા પુરવાર થઇ નથી તેવી રસીનો ઉપયોગ કરવામાં આવશે? એવો પ્રશ્ન તેમણે કર્યો હતો. ઓલ ઇન્ડિયા ડ્રગ્સ એક્શન નેટવર્ક(આઇડેન) દ્વારા પણ સરકારના દાવા સામે પ્રશ્ન ઉઠાવવામાં આવ્યો છે. વાયરસના બદાલયેલા સ્વરૂપ સામે કોવેક્સિન અસરકારક રહેશે તેવા દાવાને કોઇ વૈજ્ઞાનિક આધાર નથી. જ્યારે કે આ રસીની તો અસરકારકતા પણ સ્થાપિત થઇ નથી અને હાલ વાયરસના કોઇ પણ સ્ટ્રેઇન સામે તેની અસરકારકતા જાણી શકાઇ નથી એમ આઇડેને કહ્યું હતું. ચેપી રોગોના આંતરરાષ્ટ્રીય નિષ્ણાત ડો. ગગનદીપ કાંગ કહે છે કે કોવેક્સિનને ક્લિનિકલ ટ્રાયલના સ્વરૂપમાં મંજૂરી અપાઇ છે એમ સરકાર કહે છે, પણ આનો અર્થ શું થાય છે તે મને સમજ પડતી નથી!
આ વિવાદ ઉભો થયો એટલે મોદી સરકારના મંત્રીઓ અને ભાજપ નેતાઓ તેમની ટેવ પ્રમાણે સરકારની ટીકા કરનારાઓને રાષ્ટ્ર વિરોધી તરીકે ખપાવવા મેદાનમાં આવી ગયા. આ રસીને મંજૂરીનો વિરોધ કરીને વિપક્ષો વિદેશી શક્તિઓના હાથ મજબૂત કરી રહ્યા છે એવું નિવેદન કરી દેવામાં આવ્યું! કઇ વિદેશી શક્તિઓના હાથ આ રસીના વિરોધથી મજબૂત થશે તે તો સરકાર અને ભાજપ જાણે! રાજકારણીઓ તો પોતાની રીતે આવા નિવેદનો કરે, પરંતુ એઇમ્સના વડા સહિતના નિષ્ણાતો આ રસીના ટેકામાં લૂલા પાંગળા બચાવ કરી રહ્યા છે તે ખૂબ ચિંતાજનક બાબત છે. વાયરોલોજીસ્ટ શાહીદ જમીલ દ્વારા આ સંદર્ભમાં કરવામાં આવેલ ટિપ્પણી ખૂબ નોંધપાત્ર છે. જો જવાબદાર હોદ્દાઓ પર બેસેલા લોકોએ સરકારી દબાણ હેઠળ બોલવું પડતું હોય તો તે બાબત તંદુરસ્ત લોકશાહી માટે પણ ખૂબ ભયજનક છે. કોવેક્સિનને અપાયેલી પરવાનગી સામે ઉઠેલા પ્રશ્નો બિલકુલ વાજબી જ છે અને સરકાર ઓછામાં ઓછું એટલું તો કરી જ શકે કે ત્રીજા તબક્કાનું પરીક્ષણ પુરું નહીં થાય અને પુરતો ડેટા બહાર નહીં આવે ત્યાં સુધી કોવેક્સિનને કોલ્ડ બોક્સમાં નાખી દે.
