National

કોરોના છતાં સુરતના સ્પેશિયલ ઇકોનોમિક ઝોનમાં એક્સપોર્ટ 5000 કરોડ વધ્યું, જાણો કેટલું થયું?

સુરત: દેશને સ્વતંત્ર થવાને ૭પ વર્ષની ઉજવણીના ભાગરૂપે ભારત સરકાર દ્વારા આઝાદી કા અમૃત મહોત્સવ (Aazadi ka Amrut Mahotsav) ઉજવવામાં આવી રહ્યો છે. જેના ભાગરૂપે ચેમ્બર દ્વારા ર૦થી ર૬ સપ્ટેમ્બર દરમ્યાન વાણિજ્ય સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું છે. રવિવારે ઉદ્‌ઘાટન સમારોહને સંબોધતા ડીજીએફટીના એડિશનલ કમિશનર વિરેન્દ્ર સિંઘે (Surat DGFT Additional Commissioner Virendra Singh) જણાવ્યું હતું કે કોરોના કાળમાં પણ સેઝના એકસપોર્ટમાં (Surat Sez Export hike 45%) 45 ટકાનો વધારો નોંધાયો છે. 12000 કરોડનું એકસપોર્ટ 17000 કરોડ પર પહોંચ્યો છે તે દર્શાવે છે કે સુરતની ઇન્ડસ્ટ્રીમાં હજી ઘણું પોટેન્શિયલ છે.

ઇપીસીજી લાયસન્સ (EPCG LIcence) કઢાવવામાં પણ દેશમાં સુરત ત્રીજા ક્રમે આવે છે. આ સ્કીમનો સૌથી વધુ લાભ દિલ્હી, મુંબઇ પછી સુરતના ઉદ્યોગકારોએ લીધો છે. અત્યારે સૌથી મોટી સમસ્યા કન્ટેઇનરના અભાવની છે. એક કન્ટેઇનરનો ભાવ 1000 ડોલરથી વધી 7500 ડોલર થઇ ગયો છે. એકસપોર્ટ વધારવું હવે સહેલું છે હવે તે બધી પ્રોસેસ ઓનલાઇન છે અને માત્ર ત્રણ દિવસની અંદર એકસપોર્ટરોને ઇપીસીજી અને એડવાન્સ ઓથોરાઇઝેશન મળી જાય છે. માલને નિર્યાત કરતા પહેલા એકસપોર્ટરોએ સપ્લાય અને ડિમાન્ડનો ડેટા જોવાનો રહે છે. આઇટીસી એચએસ કોડ જોવાનો રહે છે. વિદેશમાં આ કોડ ૮ ડિજીટનો હોય છે અને ભારતમાં ૬ ડિજીટનો હોય છે. એકસપોર્ટરોને માલ-સામાનની આયાત – નિર્યાત કરવા માટે ડીજીએફટીમાં રજિસ્ટ્રેશન કરવાનું રહે છે.

તેમણે ડયૂટી એકઝમ્પ્શન સ્કીમ અંતર્ગત એડવાન્સ લાયસન્સ લઇ શકાય છે. એડવાન્સ ઓથોરાઇઝેશન સ્કીમ અંતર્ગત ઇપીસીજી લાયસન્સ મેળવી શકાય છે. ભારતમાં ઇપીસીજી લાયસન્સ મેળવનારાઓમાં દિલ્હી અને મુંબઇ બાદ ત્રીજો નંબર સુરતનો આવે છે.
કોવિડને કારણે ફોરેન ટ્રેડ પોલિસી ર૦ર૦ ની સમય મર્યાદા સપ્ટેમ્બર ર૦ર૧ સુધી વધારી દીધી છે. આથી એકસપોર્ટ માટે પ્રોડકટની કવોલિટી ઉપર ખાસ ધ્યાન આપવું પડશે. ભારતમાંથી રો મટિરિયલનું એકસપોર્ટ નહીં થવું જોઇએ અને કોઈપણ વસ્તુની વેલ્યુ એડેડ આઇટમ્સ એકસપોર્ટ કરવા માટે એકસપોર્ટરોને તેમણે અનુરોધ કર્યો હતો.

સુરત સેઝમાં એકસપોર્ટ આ રીતે વધ્યો
વર્ષ = એકસપોર્ટ (રૂા. કરોડમાં)

  • 2018 = 6000
  • 2019 = 12000
  • 2020 = 17825

2020માં ભારતનો કુલ એકસપોર્ટ 314 બિલિયન ડોલર હતો: આશિષ ગુજરાતી
ચેમ્બરના પ્રમુખ આશીષ ગુજરાતીએ જણાવ્યું હતું કે, મોટા ભાગના દેશો પોતાને ત્યાં થતા વેલ્યુ એડેડ ફિનીશ્ડ પ્રોડકટસ તથા ઇન્ટર મિડિએટ્‌સના ઇમ્પોર્ટ માટે ચાઇના પર નિર્ભર હતા, પરંતુ કોરોના કાળ દરમ્યાન ઉદ્‌ભવેલી સ્થિતિના કારણે વિશ્વ આખાની સપ્લાય ચેઇન ખોરવાઇ ગઇ અને વિશ્વની આખી અર્થ વ્યવસ્થા ડામાડોળ થઇ ગઇ છે. ભારતમાંથી વર્ષ ર૦ર૦માં કુલ ૩૧૪ બિલિયન ડોલરનું એકસપોર્ટ કરવામાં આવ્યું હતું. ચાઇનાનું કુલ એકસપોર્ટ ૩૦૦૦ બિલિયન ડોલર જેટલું છે. એટલે કે, ચાઇનાનું એકસપોર્ટ ભારતથી ૧૦ ગણું વધારે છે.

વિશ્વમાં 750 બિલીયર ડોલરના કુલ એકસપોર્ટ સામે ભારતનો એકસપોર્ટ માત્ર 30 બિલિયન ડોલરનો છે
એસ.આર.ટી.ઇ.પી.સી.ના ચેરમેન ધીરજ શાહે (SRTEPC Chairman Dhiraj Shah) જણાવ્યું હતું કે સિન્થેટિક રેયોન ટેકસટાઇલ્સના નિર્યાત વિશે નિર્યાતકારોને જણાવ્યું હતું કે, બિઝનેસ કરવા કરતા એકસપોર્ટ કરવું સહેલું છે. વિશ્વ આખામાં ૭પ૦ બિલિયન યુએસ ડોલરનો એકસપોર્ટ થાય છે. જેમાં ભારતમાંથી માત્ર ૩૦ બિલિયન ડોલરનું એકસપોર્ટ થાય છે.

Most Popular

To Top