Vadodara

કોયલી ગામે સાગર પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ: મેડિકલ સ્ટોર ખાક, લાખોનું નુકસાન

વહેલી સવારે લાગેલી આગથી આસપાસના વેપારીઓમાં ભારે દહેશત – છાણી ફાયર સ્ટેશનનો સ્ટાફ સ્થળે દોડી પહોંચ્યો, કલાકોની મહેનત બાદ આગ કાબુમાં

વડોદરા: વડોદરા નજીક કોયલી ગામમાં સોમવારે વહેલી સવારે ભીષણ આગની ઘટના સામે આવી હતી. ગોવર્ધન પ્રોવિઝન સ્ટોર સામે, કોયલી ત્રણ રસ્તા નજીક આવેલા સાગર પ્લાઝા કોમ્પ્લેક્સના મેડિકલ સ્ટોરમાં આગ લાગતા લોકોમાં ભારે દહેશત ફેલાઈ ગઈ હતી. ઘટનાની જાણ થતાં જ વડોદરા ફાયર બ્રિગેડને કોલ મળ્યો હતો.
માહિતી મળતાં જ છાણી ફાયર સ્ટેશનમાંથી ફાયર જવાનો તાત્કાલિક કોયલી ગામ ખાતે રવાના થયા હતા. ફાયર બ્રિગેડના દળે સ્થળ પર પહોંચી સતત પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવવા માટે ભારે પ્રયાસ હાથ ધર્યા હતા. કલાકોની જહેમત બાદ આખરે ફાયરકર્મીઓને આગને કાબુમાં લેવામાં સફળતા મળી હતી.
સ્થળ પરથી મળતી માહિતી અનુસાર, આગ એટલી વિકરાળ હતી કે મેડિકલ સ્ટોર સંપૂર્ણપણે ખાખ થઈ ગયો હતો. આગના તીવ્રતાને કારણે આજુબાજુની દુકાનોમાં પણ આગની લપેટ ફંટાય તેવા સંજોગો સર્જાયા હતા. જેના પગલે નજીકમાં આવેલા વેપારીઓ તેમજ સ્થાનિક લોકો ઘટના સ્થળે ટોળેટોળા ભેગા થઈ ગયા હતા. જોકે સમયસર ફાયર બ્રિગેડની કાર્યવાહીથી આગ વધુ ફેલાતી અટકાવવામાં સફળતા મળી હતી.
આગના ચોક્કસ કારણો હાલ જાણી શકાયાં નથી. પ્રાથમિક અનુમાન મુજબ ઇલેક્ટ્રિક શૉર્ટસર્કિટ અથવા ગેસ લીકેજ જેવી શક્યતાઓ સામે આવી રહી છે. ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ મેડિકલ સ્ટોરમાં રહેલ દવાઓ અને સામગ્રી થઈ લાખો રૂપિયાનું નુકસાન થયાનું અંદાજ લગાવવામાં આવી રહ્યું છે.
ફાયર વિભાગે આગ કાબુમાં લીધા બાદ સ્થળનું સર્વેક્ષણ હાથ ધર્યું છે અને આખી ઘટનાસંબંધિત વધુ તપાસ શરૂ કરી છે.

Most Popular

To Top