જમીન સંપાદનનો ઓર્ડર છતાં પણ કબજો ન આપતા હોબાળો
પોલીસ જવાનની કુશળતાને કારણે મહિલાને સહીસલામત બહાર કાઢવામાં આવી હતી.
વડોદરા, .તા. ૧૪
કોયલી ખાતે આવેલી આઈ.ઓ.સી.એલ. કંપની માટે જમીન સંપાદન કરવા માટેનો ઓર્ડર કરવામાં આવ્યો હતો. ઓર્ડર કર્યા બાદ ત્રણ વખત મકાનનો કબજો લેવા પહોચેલી કંપનીને મકાનમાલિક કબજો આપતા ન હોવાથી આજે મામલતદાર તેમજ પોલીસ સ્ટાફ સાથે કંપનીના અધિકારીઓ કબજો લેવા માટે પહોચ્યા હતા જ્યાં એક મહિલાએ વિવાદ વચ્ચે ઘર પાસે આવેલા કુવામાં ભૂસકો માર્યો હતો , જોકે પોલીસ જવાનની કુશળતાને કારણે મહિલાનો જીવ બચી ગયો હતો પરંતુ પોલીસ જવાન ઈજાગ્રસ્ત થતા તેમને નજીકની હોસ્પીટલમાં રવાના કરવામાં આવ્યા હતા.
કોયલી ખાતે આવેલી આઈ.ઓ.સી.એલ. કંપની માટે સરકારે જમીન સંપાદનનો ઓર્ડર કર્યો હતો. આ સંપાદનમાં રાકેશ પટેલ સહિત અન્ય ૮ ભાગીદારોના હક્ક સાથેના મકાનનો કબજો કંપની લેવાની હતી. જોકે મકાનની બજારુ કીમત અનુસાર કંપનીએ તમામને નાણાં ચૂકવી દીધા હતા માત્ર એક જ વારસદાર રાકેશ પટેલ જેને કંપનીએ નાણાં ચૂકવ્યા હોવા છતાં તે કીમત ઓછી હોવાનો દાવો કરીને મકાનના કબ્જા દરમ્યાન તેઓ નડતરરૂપ બનતા હતા. જોકે અગાઉ કંપની ત્રણ વખત કબ્જા માટે પહોચી હતી પરંતુ પરિવારજનો વિલંબ કરતા તેઓ પરત જતા રહેતા હતા. આજે કંપની પોલીસ સ્ટાફ તેમજ મામલતદારને રજૂઆત કરીને રાકેશ પટેલના ઘર પાસે પહોચ્યા હતા જ્યાં એક મહિલાએ નજીકના કુવામાં ભૂસકો લગાવ્યો હતો તેવું સુત્જોરોના આધારે જાણવા મળ્કેયું હતું. જોકે આ બનાવ દરમ્યાન પરિવારજનોએ કંપનીએ જમીન સંપાદનના નાણાં ન આપ્યા હોવાનો આક્ષેપ પણ કર્યો હતો અને હાઇકોર્ટમાં દાવો કર્યો હોવાનું પણ જણાવ્યું હતું.