એક તરફ દેશમાં ઉદ્યોગ-ધંધાને આગળ વધારવા માટે સરકાર દ્વારા નવા નવા વાયદાઓ કરવામાં આવે છે પરંતુ બીજી તરફ એવી પણ સ્થિતિ છે કે જેને કારણે અર્થવ્યવસ્થા મજબુત બનતી અટકે છે. દેશમાં જો કોઈ કંપની કે સંસ્થા નાદાર થાય તો તેનો ઉકેલ લાવવા માટે કોમર્શિયલ ટ્રિબ્યુનલ હોય છે પરંતુ દેશમાં હાલની સ્થિતિ એવી છે કે ભારતની કોમર્શિયલ ટ્રિબ્યુનલમાં પેન્ડિંગ ટટકેસોની સંખ્યા સપ્ટે., 2026 સુધીમાં 3.56 લાખ પર પહોંચી ગઈ છે.
આ કેસમાં દેશના લોકોના 24.72 લાખ કરોડ રૂપિયા ફસાઈ ગયા છે. આ ફસાયેલા નાણાંનો આંકડો જોતાં જ ખબર પડે કે કેવી હાલત છે. જો આ તમામ પેન્ડિંગ કેસનું મૂલ્ય જોવામાં આવે તો તો તે 2024-25ના ભારતના જીડીપીના 7.48 ટકા થાય છે. જ્યારે આ ટ્રિબ્યુનલનું ગઠન કરવામાં આવ્યું ત્યારે એવી કલ્પના કરવામાં આવી હતી કે આ કોમર્શિયલ ટ્રિબ્યુનલ કાર્યક્ષમ રહેશે અને ઝડપી ન્યાય આપતી વિશિષ્ટ અને અર્ધ ન્યાયિક સંસ્થા બનશે. પરંતુ હાલમાં એવી સ્થિતિ છે કે જે હેતુ માટે કોમર્શિયલ ટ્રિબ્યુનલની સ્થાપના કરવામાં આવી હતી તે હેતુ સિદ્ધ થવા પામ્યો નથી.
સામાન્ય રીતે નાદારી અને નાદારી કાયદાના માળખા હેઠળના કેસોનો ઉકેલ લાવવા માટે સ્થપાયેલી નેશનલ લો ટ્રિબ્યુનલ અને નેશનલ કંપની લો અપીલ ટ્રિબ્યુનલમાં એક કેસનો ઉકેલ લાવવા માટે સરેરાશ 752 દિવસ થાય છે. જ્યારે વૈધાનિક સમયમર્યાદા 330 દિવસની જછે. આનું કારણ એ છે કે કેસ ચાલતો હોય ત્યારે તેમાં અસંખ્ય કાયદાકીય હસ્તક્ષેપો કરવાામં આવે છે. ઉપરાંત ખાલી જગ્યા ભરાતી નથી, પ્રક્રિયાને લગતી ખામીઓ અને ટ્રિબ્યુનલની સ્વતંત્રતાની ચિંતાઓ પણ કેસ મોડા પુરા થવા માટે જવાબદાર છે.
હાલમાં આ બંને ટ્રિબ્યુનલ પાસે 18 હજારથી પણ વધુ કેસનો બેકલોગ છે. આ બેકલોગ કાઢવા માટે કોન્ટ્રાક્ટના કામદારો પાસે કામ કરાવવું પડી રહ્યું છે. કોમર્શિયલ ધોરણે જે ડિફોલ્ટ થાય છે તેની પાસેથી વસૂલાત માટે ડેબ્ટ રિકવરી ટ્રિબ્યુનલ બનાવવામાં આવી છે પરંતુ તેમાં પણ 2.15 લાખ કેસનો બેકલોગ છે. તેમાં પણ 86 ટકા કેસ તો એવા છે કે જે 180 દિવસ કરતાં પણ વધુ સમયથી પેન્ડિંગ છે. ખરેખર 180 દિવસમાં તેનો નિકાલ કરી દેવાનો હોય છે. જોવા જેવી વાત છે કે દેશમાં 18 રાજ્યો તો એવા છે કે જેમાં ડેબ્ટ રિકવરી ટ્રિબ્યુનલ જ નથી.
ઉપરાંત દેશમાં ઈન્કમટેક્સ, કસ્ટમ, એક્સાઈઝ અને સર્વિસ ટેક્સ માટેની જે અપીલેટ ટ્રિબ્યુનલ છે તેમાં 72 હજારથી પણ વધુ કેસ પેન્ડિંગ છે. આ કેસમાં જ દેશના 1.96 લાખ કરોડ ફસાયેલા છે. આમાં જીએસટીને લગતા 2.9 લાખ કેસનો સમાવેશ થાય છે. ટ્રિબ્યુનલને વધુ કાર્યક્ષમ બનાવવાની જરૂરીયાત છે. પરંતુ તેની સામે સ્થિતિ એવી છે કે સરકાર દ્વારા આ ટ્રિબ્યુલના જજ સાથે ગૌરવપૂર્ણ વર્તન કરવામાં આવતું નથી. યોગ્ય પ્રાથમિક અને માળખાકીય સુવિધાઓ પણ તેમને આપવામાં આવતી નથી. ઘસાઈ ગયેલી જૂની કાર જ તેમને આપવામાં આવે છે. આ કારણે નિવૃત્ત થયેલા જજ આ ટ્રિબ્યુનલમાં આવવા જ માંગતા નથી. જેને કારણે ટ્રિબ્યુનલ જે કાર્યક્ષમતાથી કામ કરવી જોઈએ તે કરી શકતી નથી.
ખરેખર સરકારે આ ટ્રિબ્યુનલની કામગીરી ઝડપી થાય તે માટે ધ્યાન આપવું જોઈએ. ટ્રિબ્યુનલમાં કેસનો નિકાલ નહીં થવાને કારણે ભારતના ઉદ્યોગોને ખૂબ મોટું નુકસાન થઈ રહ્યું છે. નાણાં ફસાયેલા રહે છે અને કેસ પેન્ડિંગ રહેવાથી અર્થવ્યવસ્થાને પણ નુકસાન થાય છે. સરકારે કોમર્શિયલ ટ્રિબ્યુનલના મુદ્દે ધ્યાન આપવાની જરૂરીયાત છે. જો કેસોનો ઝડપી નિકાલ થશે તો દેશના ઉદ્યોગ-વેપારને આડકતરી રીતે પણ મોટી મદદ મળી રહેશે તે નક્કી છે.